વોશિંગ્ટનઃ કોઈ પણ તબીબી પ્રણાલી તેની સારી અને ખરાબ એમ બે બાજુ ધરાવતી હોય છે. સીઝેરિયન એટલે કે ઓપરેશનની મદદથી પ્રસૂતિ પણ આવી જ એક પ્રણાલીનું ઉદાહરણ કહી શકાય. સીઝેરિયનની મદદથી થતી પ્રસૂતિ ચિકિત્સા ક્ષેત્રે કોઈ ક્રાંતિથી ઉતરતી ન કહી શકાય, પરંતુ એક અભ્યાસ પ્રમાણે તેનાથી માતા અને બાળકના સ્વાસ્થ્ય પર અનેક દુષ્પ્રભાવ પડી શકે છે.
પ્રસૂતિ દરમિયાન જટિલ પરિસ્થિતિમાં સીઝેરિયનની મદદથી ગર્ભવતી મહિલા કે જન્મનારા બાળકનો જીવ બચાવવો શક્ય બને છે. સાથે સાથે જ આ પદ્ધતિના અનેક નુકસાન પણ સામે આવ્યા છે. તજજ્ઞોના કહેવા પ્રમાણે સીઝેરિયનથી થતી પ્રસૂતિ માટે લોકોમાં વિશ્વાસ વધ્યો છે, પરંતુ આ પદ્ધતિના જોખમો પણ સામે આવી રહ્યા છે.
મજબૂરી કે જટિલ પરિસ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય તેવો આ વિકલ્પ વર્તમાન સમયમાં લોકપ્રિય થઈ રહ્યો છે. લોકો માત્ર સુવિધા ખાતર સામાન્ય પ્રસવને બદલે સીઝેરિયનને વધારે મહત્ત્વ આપી રહ્યા છે. અમેરિકાની સરકારે સીઝેરિયનની મદદથી થતી પ્રસૂતિના ઉંચા આંકડા અંગે ચિંતા વ્યક્ત કરીને અવેરનેસ કેમ્પેઇન હાથ ધર્યું છે.
અમેરિકામાં ૨૦૧૭ની સાલમાં ૩૨ ટકા બાળકોનો જન્મ સીઝેરિયન દ્વારા થયો હતો. ભારતમાં પણ સીઝેરિયનની મદદથી થતી પ્રસૂતિનો આંકડો ઉંચે જઈ રહ્યો છે.
એક અભ્યાસ પ્રમાણે સીઝેરિયનની મદદથી પ્રસૂતિથી માતા અને બાળકના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડી શકે છે. ઘણી વખત આ અસરો તાત્કાલિક જોવા મળે છે જ્યારે ઘણી વખત તે દીર્ઘકાલીન હોઈ શકે છે. આ ઉપરાંત સીઝેરિયનના કારણે બાળકના માનસિક વિકાસને પણ વિપરિત અસર જોવા મળે છે.
જામા નેટવર્ક ઓપનમાં છપાયેલા અહેવાલ પ્રમાણે સીઝેરિયન અને સામાન્ય પ્રસૂતિથી જન્મેલા બાળકોમાં ખૂબ અંતર હોય છે. સીઝેરિયનના કારણે નવજાતને ઓટિઝમનું જોખમ ૩૩ ટકા સુધી વધી જાય છે. આ ઉપરાંત અટેન્શન ડિફિસિટ ડિસઓર્ડર (એડીડી)નું જોખમ પણ ૧૭ ટકા જેટલું વધી જાય છે. આ વિકારના કારણે બાળકો કોઈ પણ કામમાં ધ્યાન આપી શકતા નથી.
પ્રથમ વખત સીઝેરિયનના કારણે બાળકોના માનસિક વિકાસ પર શું અસરો થાય છે તે અંગે સંશોધન કરવામાં આવ્યું છે. જોકે, અગાઉના વ્યાપક સંશોધનોમાં સીઝેરિયનથી શારીરિક સ્વાસ્થ્ય પર પડતા દુષ્પ્રભાવો નોંધાયેલા છે.
સામાન્ય પ્રસૂતિ દરમિયાન નવજાતને પોતાની માતા તરફથી અનેક બેક્ટેરિયા મળે છે, પરંતુ સીઝેરિયનમાં તેમ નથી બનતું. સીઝેરિયનથી જન્મેલા બાળકો લાંબા ગાળે અસ્થમા, સ્થૂળતા, ડાયાબિટીસ સહિતની અનેક સ્વાસ્થ્યસંબંધી તકલીફોનો ભોગ બને છે.

