આપ્યું - તાપ્યું તે અલ્પજીવી, પ્રાપ્ત કર્યું, મેળવ્યું તે સર્વોપરી

સી. બી. પટેલ Wednesday 10th April 2019 06:29 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ચાલો... આજે તો આપણે આફ્રિકા અને સવિશેષ તો પૂર્વ આફ્રિકાની મુલાકાતે જઇ પહોંચવું છે. બ્રિટિશ ભારતીયોની સંખ્યા - ૨૦૧૧ના આંકડા અનુસાર - આશરે ૧૮ લાખની ગણાય છે. આમાં ૮ લાખ ગુજરાતી વંશજ હોવાનું તારવાયું છે. બે વર્ષમાં નવી વસ્તી ગણતરી થશે. બ્રિટનમાં વસતાં ગુજરાતીઓમાં એક અંદાજ મુજબ લગભગ અડધોઅડધ કે તેથી સહેજ વધુનું આફ્રિકા કનેક્શન જોવામાં આવે છે. કેન્યા, યુગાન્ડા, ઝાંઝીબાર સહિત ટાન્ઝાનિયા, મલાવી, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે, દક્ષિણ આફ્રિકા, સુદાન, ઇથિયોપિયા, સોમાલિયા એમ વિવિધ આફ્રિકન દેશોમાંથી આવેલા આપણે સહુ કે આપણા પૂર્વજો કે તેમના જીવનસાથી જન્મથી આફ્રિકા સાથે સંકળાયેલા છીએ. તો વળી કેટલાક એડન, ફિજી અને મોરિશયસ સાથે પણ નાતો ધરાવે છે.
સંભવ છે કે આપ સહુ વાચકોમાંથી કંઇકેટલાયને મહદ્ અંશે પૂર્વ આફ્રિકા સાથે દીર્ઘકાલીન સંબંધ હશે. આપણી પહેલી પેઢીના મોટા ભાગના વસાહતીઓએ સાઠના દાયકામાં પૂર્વ આફ્રિકાથી વિદાય લીધી. ૧૯૬૩થી ૧૯૭૩ દરમિયાન કેન્યાથી લગભગ ૧ લાખ, યુગાન્ડાથી લગભગ ૬૦ હજાર અને ટાન્ઝાનિયાથી લગભગ ૫૦ હજાર ગુજરાતીઓએ બ્રિટન આવીને વસવાટ શરૂ કર્યો. આજે ૨૦૧૯ની સાલમાં, આ ત્રણેય દેશની વસ્તીના આંકડા કે જે તે શહેરોની વસ્તીના આંકડા વિચારતા કરી મૂકે તેવા છે.
આ ત્રણેય દેશોમાં વિસ્તાર અને વસ્તીની દૃષ્ટિએ ટાન્ઝાનિયા સૌથી મોટો છે. ૧૯૬૦માં દારે સલામની વસ્તી દોઢેક લાખની હતી. અત્યારે આ આંકડો ૩૨ લાખ અંદાજવામાં આવે છે. નાઇરોબીની તો વાત જ નહીં પૂછતાં. ધરખમ વસ્તી વધારો અને આર્થિક રીતે ભારે તફાવત. પરિણામે અસમતોલ સમાજ અને તેને સંકલિત પ્રશ્નો ગંભીર વિચારણા માંગી લે છે.
યુગાન્ડામાંથી એક તબક્કે ભારતીય વંશજોએ સાગમટે ઉચાળા ભરવા પડ્યા હતા. હવે ત્યાં તેમજ કેન્યા અને ટાન્ઝાનિયામાં પણ ભારતથી નવા આગંતુકો સારી સંખ્યામાં સ્થાયી થયા છે. આપણા વેપાર/ઉદ્યોગ સાહસિકોએ બ્રિટનથી પણ, સવિશેષ યુગાન્ડામાં, પરત થઇ વેપાર-ઉદ્યોગમાં સંગીન યોગદાન આપ્યું છે. છેલ્લા વર્ષોમાં રવાન્ડા કે કોન્ગોમાં પણ આપણો પગપેસારો, અલ્પ સંખ્યામાં, પણ મક્કમ પગલે થતો જોઇ શકાય છે.

ભારત-ચીનની સ્પર્ધા

૧૯૬૦માં સમગ્ર આફ્રિકા ખંડમાં ચીની પ્રજાની વસ્તી એક લાખથી પણ ઓછી હતી. અને આજે સ્થાયી ચીની પ્રજાની સંખ્યા, ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ના એક અહેવાલ અનુસાર, ૧૨ લાખની થવા જાય છે અને આફ્રિકાના કેટલાક દેશોમાં તો ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના લગભગ એક લાખ સૈનિકો તંબુ તાણીને બેઠા છે. ભારતીય વંશજોની સૌથી વધુ સંખ્યા દક્ષિણ આફ્રિકામાં છે. લગભગ ત્રણ મિલિયન. જેમાં ૮૦ ટકા જેટલા તમિળ અને ભારતીય મૂળના વસાહતીઓ છે. ગુજરાતીઓની સંખ્યા પચાસેક હજારની અંદાજવામાં આવે છે. પૂર્વ આફ્રિકાને લગભગ ૨૦૦ વર્ષથી ગુજરાતીઓનો અડ્ડો ગણી શકાય. વેપાર-ઉદ્યોગ તથા જીવનના સર્વ ક્ષેત્રે આપણા ભાઇભાંડુઓએ પગદંડો જમાવ્યો છે. ‘ધ ઇકોનોમિસ્ટ’ના અંદાજ પ્રમાણે વર્ષોપર્યંત સ્થાયી થયેલી આપણી વસાહતનું મૂડીરોકાણ ૨૦થી ૨૫ બિલિયન પાઉન્ડ થવા જાય છે. જે મોટા ભાગનું વ્યક્તિગત કે ખાનગી પેઢીઓનું ગણી શકાય. જ્યારે ચીનના - મુખ્યત્વે વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે કાર્યરત સરકારી કંપનીઓના - મૂડીરોકાણનો આંકડો ૫૦ બિલિયન ડોલરથી વધુ હોવાનું અંદાજવામાં આવ્યું છે. આ ઉપરાંત ચીનની સરકાર મિલિટરી તેમજ અન્ય આર્થિક સહાય સ્વરૂપે આફ્રિકામાં અબજો પાઉન્ડનું મૂડીરોકાણ કરી રહી છે તે અલગ. આમ આફ્રિકામાં મૂડીરોકાણના મામલે તો ભારત ચીનની સ્પર્ધા કરી શકે તેમ નથી.
પરંતુ છેલ્લા સાઠ-સીતેર વર્ષમાં, આફ્રિકાના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારત દ્વારા આપવામાં આવેલા સહયોગના કારણે તેમજ હજારો વિદ્યાર્થીઓને શિષ્યવૃતિઓ તથા રાજકીય મંડળોને પૂરી પાડવામાં આવેલી અનેકવિધ સહાયના પરિણામે સર્જાયેલી ગુડવિલના કેટલાક લાભ ભારત સરકારને મળી રહ્યા છે. આ ઉપરાંત ભારતીય મૂડીરોકાણકારો વધુ શાંતિપ્રિય અને સમજદાર ગણાય છે.
ચીનનું મૂડીરોકાણ શરૂઆતમાં તો આકર્ષક ગણાય છે, પણ તેના વ્યાજના અજગરભરડામાં કંઇ કેટલાય દેશ સપડાયેલા છે તે આખી દુનિયા જાણે છે. વળી, ચીનની પ્રજા તેની ઉદ્ધતાઇ અને બાથંબાથીની કુટેવ માટે પણ કુખ્યાત છે. આ જ કારણોસર અમુક દેશોમાં ચીન અકારું ગણાય છે.

યુગાન્ડાના પેટાળમાં ખનિજ તેલ તો ભરપૂર છે, પણ...

છેલ્લા ૨-૩ દાયકામાં આફ્રિકાની તળભૂમિમાંથી કે દરિયાઇ પેટાળમાંથી વિપુલ ખનિજ તેલ અને કુદરતી ગેસના ભંડાર મળ્યા છે. નાઇજિરિયા, અંગોલા જેવા દેશોમાં તેનું મબલક ઉત્પાદન પણ થાય છે. વર્લ્ડ બેન્ક અને નેચરલ રિસોર્સિસ ગવર્નન્સ ઇન્સ્ટિટ્યુટના અભ્યાસ પ્રમાણે ૧૯૮૮ અને ૨૦૧૦ દરમિયાન સમસ્ત વિશ્વમાં કુલ ૨૩૬ સ્થળોએ ખનિજ તેલ અને ગેસના ભંડાર શોધવામાં સફળતા સાંપડી. આમાં આફ્રિકા જોતજોતામાં વધુ આશાસ્પદ બન્યું. અહીંની ધરતીમાંથી તેલ-ગેસનો પ્રચંડ જથ્થો મળ્યો હતો.
નાઇજિરિયા, અંગોલા તથા કેટલાક અન્ય દેશોમાં તો ખનિજ તેલના ઉત્પાદનથી ગણ્યા ગણાય નહીં તેટલા વિપુલ પ્રમાણમાં નાણાં પ્રાપ્ત થયા, પણ આ દેશોની પ્રજા તો કંગાળ રહી છે તે વરવી હકીકત છે. પર્યાવરણની ઐસીતૈસી થઇ છે અને ભ્રષ્ટાચારે માઝા મૂકી હોવાથી ગુનાખોરી વકરી છે. છેલ્લા ૮-૧૦ વર્ષની વાત કરીએ તો, ઘાના અને મોઝામ્બિક માટે તો કરવા ગયા કંસાર અને થઇ ગઇ થુલી તેવો ઘાટ થયો છે. બન્ને દેશોએ ધરતીમાં ધરબાયેલા ખનિજ તેલ અને કુદરતી ગેસનું ટૂંક સમયમાં ઉત્પાદન શરૂ થઇ જશે અને નાણાંની રેલમછેલ થઇ જશે તેવા શેખચલ્લી ખ્યાલોમાં રાચતાં આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાનો પાસેથી અઢળક ધિરાણ મેળવી લીધું. નાણાં વાપરી નાંખ્યા અને હવે આ દેશો દેવાના બોજ તળે દટાઇ ગયા છે. બધો ભાર આખરે તો કન્યાની કેડે જ આવતો હોય છે એ ન્યાયે શાસકોના અવિચારી નિર્ણયો - પગલાંની માઠી અસર પ્રજા ભોગવી રહી છે.
આ મામલે યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવિનીએ ચેતતા નર સદા સુખીનો અભિગમ અપનાવ્યો હોય તેવું લાગે છે. યુગાન્ડાની પશ્ચિમે આવેલા લેક આલ્બર્ટ અને તેની આસપાસના પ્રદેશના પેટાળમાં લગભગ છ બિલિયન બેરલ ખનિજ તેલનો જથ્થો ધરબાયેલો હોવાના અનેક પુરાવા મળ્યા છે. જોકે મુશ્કેલી એ છે કે આ ખનિજ એકદમ પ્રવાહી સ્વરૂપે નહીં, પણ ઘટ્ટ રગડા જેવા સ્વરૂપે છે. ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં આવું ઓઇલ શૂ પોલીસ જેવું ગણવામાં આવે છે. આ તૈલી રગડાને ગરમ કરો તો મીણ જેવું ચીકણું અર્ધપ્રવાહી બની જાય છે અને સામાન્ય ઉષ્ણતામાને (રુમ ટેમ્પરેચર પર) તે ઠરીને ફરી ઘટ્ટ રગડો થઇ જાય છે. આવા ખનિજ તેલને પેટાળમાંથી જમીનની સપાટી પર લાવવાનું, ધરતી પર લાવ્યા બાદ ઉપયોગ યોગ્ય બનાવવા માટે બહુ ખર્ચાળ સાબિત થતું હોય છે. જ્યારે સાઉદી અરેબીયામાં ઓઇલ ડ્રિલીંગ માટે ૧૫૦૦થી ૨૦૦૦ મીટર ઊંડો કૂવો ખોદવામાં આવે તો અંદરથી એકદમ પ્રવાહી સ્વરૂપે ખનિજ તેલનો ધોધ વહી નીકળે છે. આવા ખનિજ તેલના ઉત્પાદન પાછળ બેરલ દીઠ સરેરાશ ૫-૭ ડોલર ખર્ચ થતો હોય છે જ્યારે શૂ પોલીસ જેવા ઓઇલના ઉત્પાદન માટે આનાથી ત્રણથી પાંચ ગણા નાણાં ચૂકવવા પડે છે.
અધૂરામાં પૂરું, યુગાન્ડાની ભૌગોલિક સ્થિતિ પણ કંઇક એવી છે કે તેના માટે ખનિજ તેલનું ઉત્પાદન માથાના દુઃખાવારૂપ બની રહે તેમ છે. યુગાન્ડામાંથી આશરે ૧.૪ બિલિયન બેરલ ખનિજ તેલનો જથ્થો મેળવી શકાય તેમ મનાય છે, આથી તેની નિકાસ તો કરવી જ પડે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે યુગાન્ડા લેન્ડ લોક દેશ છે. પ્રમાણમાં સસ્તી ગણાતી જળ પરિવહનની સુવિધા માટે દરિયાકાંઠો કે નદીકિનારાની સુવિધા નથી. યુગાન્ડા માટે નજીકમાં નજીક દરિયાકાંઠાની સુવિધા કેન્યામાં છે. પણ તે વાયા ટાન્ઝાનિયા પાઇપલાઇન નેટવર્ક ઉભું કરવા માગે છે.
ભૂતકાળમાં કેન્યા અને યુગાન્ડા વચ્ચે ચડસાચડસી થઇ ચૂકી છે અને તેના પગલે આર્થિક વિટંબણા પણ સર્જાઇ હતી. આથી હવે યુગાન્ડા તેલને દરિયાકાંઠે પહોંચાડવા માટે લેક આલ્બર્ટની પશ્ચિમેથી વાયા વિક્ટોરીયા લેક નજીક લાંબી પાઇપલાઇન નાખવા માગે છે. હવે શૂ પોલીસ કેટેગરીનું ઘટ્ટ રગડા જેવું ઓઇલ કંઇ ગુરુત્વાકર્ષણના નિયમથી તો વહે નહીં, આ માટે તેને હિટેડ ફોમમાં ફ્લો કરવું પડે, અને સમગ્ર રૂટ પર આવી પાઇપલાઇન નાખવાનું અતિશય ખર્ચાળ છે. કેટલીય આંતરરાષ્ટ્રીય ઓઇલ કંપનીઓ કે વિદેશી મૂડીરોકાણકારો કે યુગાન્ડાના પ્રજાજનોનો બહોળો વર્ગ ઇચ્છે છે કે લેક આલ્બર્ટ પ્રદેશમાં ધરબાયેલા ખનિજ તેલનું સત્વરે ઉત્પાદન હાથ ધરવામાં આવે. પરંતુ પ્રોજેક્ટ એટલો ખર્ચાળ હતો કે કોઇ કંપની એકલપંડે આ પ્રોજેક્ટ હાથમાં લેતાં ખચકાય છે. હવે ત્રણ ત્રણ દિગ્ગજ કંપનીઓ (ફ્રાન્સની ટોટલ, ચીનની CNOOC અને બ્રિટનની TOLLOW)એ આ પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યા છે.
જોકે યુગાન્ડા સરકાર રિફાઇનરીની સ્થાપના, તેને વેરામાળખામાં લાભ સહિતના મુદ્દે ઢીલા ઢાળતી જોઇ શકાય છે. આ માટે એક કારણ એવું આપવામાં આવે છે કે ધરતીના પેટાળમાં ધરબાયેલું કાળું સોનું બહાર કાઢીને તેનો વેપલો કરવામાં અંતે તો લાભ કરતાં ગેરલાભ - નાઇજિરિયા, અંગોલા, ઘાના, મોઝામ્બિક કે અન્ય દેશોની સરખામણીએ - વધુ જણાય છે.
આપણી સાદી ભાષામાં કહીએ તો વિદેશી મદદ - પછી તે સરકારી હોય કે ખાનગી - એક અર્થમાં બેધારી તલવાર સમાન સાબિત થતી હોય છે. આપ્યું - તાપ્યું કેટલું ચાલે? સ્વાશ્રયથી સ્વયંપાકી રીતે પ્રાપ્ત કર્યું હોય, મેળવ્યું હોય, સિદ્ધ કર્યું હોય તે સર્વોપરી નીવડે છે અને તેને જ સન્માન યોગ્ય ગણી શકાય. આ જોતાં યુગાન્ડા સરકારની સાવચેતી આવકાર્ય ગણાય. (ક્રમશઃ)


comments powered by Disqus