નિખાલસ અને સરળ સ્વભાવના મગનલાલ હરિયાનું ૯૬ વર્ષની વયે અવસાન

Wednesday 10th April 2019 06:13 EDT
 
 

સ્વ. જશ્માબેન અને સ્વ. પૂંજાભાઈ દેવશીભાઈ હરિયાના પુત્ર મગનલાલ પૂંજાભાઈ હરિયાનો જન્મ ભારતમાં જામનગર નજીક ચાંગા ખાતે ૧૫ મે, ૧૯૨૨ના રોજ થયો હતો. ૧૬ વર્ષની વયે તેમણે જીવનને સુખી અને સંપન્ન બનાવવાનો નિર્ણય લીધો અને ૧૯૩૦ના દાયકાના પાછલા ભાગમાં કેન્યા જતા રહ્યા. તેમણે માત્ર એક મહિનાના ગાળામાં સ્થાનિક માતૃભાષા સ્વાહિલી શીખી લીધી હતી.

થોડાક વર્ષ સુધી પોતાના સગાંસંબંધીને ત્યાં કામ કર્યા પછી તેમણે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું. રૂઈરુ નામના નાના ટાઉનમાં તેમણે પુસ્તકો, સ્ટેશનરી અને બાઈસિકલના સ્પેરપાર્ટ્સ વેચવાનું શરૂ કર્યું. તેમના લગ્ન રમાબેન સાથે થયા. બન્નેએ ખંતપૂર્વક સખત પરીશ્રમ કર્યો. તેમનું લગ્નજીવન ૬૯ વર્ષ રહ્યું હતું.

પોતાના ગ્રાહકો સાથે હંમેશા પ્રામાણિક અને નમ્ર રહેવાનો તેમનો સિદ્ધાંત હતો અને તે તેમણે અંગત જીવનમાં પણ ઉતાર્યો હતો. જીવનના છેલ્લાં શ્વાસ સુધી તેઓ સીધા અને સરળ માનવી હતા. તેઓ ભૂલી જવામાં, માફ કરવામાં અને વર્તમાનમાં જીવવામાં માનતા હતા.

તેમના પુત્ર જયેન્દ્રએ કહ્યું હતું,‘ હું મારી આખી જીંદગી તેમની સાથે રહ્યો હતો. તેમને કોઈના પ્રત્યે દ્વેષ કે વેર હોવાનું કદી મારી જાણમાં નથી. તેમના જેવા સમર્પિત અને દિલના ચોખ્ખાં લોકો મળવા ખૂબ મુશ્કેલ છે.’

તેમની યાદશક્તિ સચોટ હતી. ઉાદાહરણ તરીકે તમે તેમને તમારું, તમારા પિતાનું અને દાદાનું નામ કહો તો તેઓ તમે અન્ય કઈ વ્યક્તિના સંબંધી છો તે અને બીજી ઘણી વાત કહી દેતા હતા.

તેમને લોકોની સોબત ગમતી હતી. કોઈ મેળાવડો કે અન્ય ફંક્શનમાં તેઓ ગયા હોય અને તેઓ લોકોને ઓળખતા હોય કે ન હોય તે છતાં તેઓ યુવાનો તેમજ વડીલોને હલ્લો કહીને વાતનો દોર શરૂ કરી દેતા હતા. તેઓ તેમની પાછળ બે પુત્રને છોડી ગયા છે. તેમાં હરિશભાઈનો નૈરોબીમાં અને જયેન્દ્રભાઈનો જન્મ રુઈરુમાં થયો હતો.

૧૯૬૯માં તેમણે કેન્યા છોડવાનો નિર્ણય લીધો અને ભારત ગયા. ૧૯૭૦માં ત્યાંથી યુકે આવ્યા હતા.

યુકેમાં રિટાયર થયા ત્યાં સુધી તેમણે સ્મિથ્સ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું હતું. આ કંપનીમાં નોકરી મળી તે પહેલા ત્યાં મેથ્સના ટેસ્ટમાં પાસ થવું જરૂરી હતું. આ ટેસ્ટમાં મોટેભાગે ૧૫ મિનિટ જેટલો સમય લાગતો હોય છે જ્યારે મગનલાલભાઈએ માત્ર બે મિનિટમાં જ તે ટેસ્ટ પૂરો કર્યો હતો. તેઓ ગમે તેટલા દબાણમાં પણ હંમેશા શાંત જ રહેતા હતા.

૯૬ વર્ષની વયે તા.૨૭.૦૩.૨૦૧૯ના રોજ નોર્થવિક પાર્ક હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની પ્રાર્થના સભામાં લગભગ ૩,૦૦૦ લોકો અને ગોલ્ડન ગ્રીન ક્રિમેટોરિયમ ખાતે તેમના ફ્યુનરલમાં ૬૦૦થી વધુ લોકો હાજર રહ્યા હતા.


comments powered by Disqus