પૈસાના અભાવે સંતાનોને સજા

મારે કંઈક કહેવું છે.

- મુકુન્દ આર સામાણી લેસ્ટર. Wednesday 10th April 2019 06:21 EDT
 

આર્થિક રીતે મધ્યમ વર્ગના મનસુખલાલ અને મંદાકિનીના મોટા પુત્ર મહેશે આઈટીની કોઈ ડિગ્રી પૂરી કરીને પૂનામાં એક વિદેશી કંપનીમાં જોબ શરુ કરી. ટૂંક સમયમાં એ જ કંપનીમાં કામ કરતી માયા સાથે પરીચય થયો. પરીચય પ્રણયમાં બદલાયો. બન્નેએ જીવનસાથી બનવાનો નિર્ણય કર્યો. પરંતુ, માબાપની મર્યાદા રાખતા હોવાથી મહેશે તેના પિતાને બન્નેના આ નિર્ણયની જાણ કરી. મનસુખલાલ તો ખૂબ ખુશ થયા કે દીકરાએ જાતે જ ખૂબ સુખી ઘરની ભણેલી જીવનસાથી શોધીને તેમને સમાજવ્યવસ્થાની જવાબદારીમાંથી મુક્ત કર્યા. મનસુખલાલે મુંબઈના રહેવાસી માયાના શ્રીમંત માબાપ ચંદુલાલ અને ચાંદનીનો સંપર્ક સાધીને બન્નેના નિર્ણયની જાણ કરીને કહ્યું કે તમારી અનુકુળતાએ આપણે સાથે બેસીને ભવિષ્યના પ્રસંગો કેવી રીતે ગોઠવવા તેનું પ્લાનિંગ કરીએ. પરંતુ, જવાબમાં ચંદુલાલે કહ્યું, ‘ મારી દીકરી તો માત્ર અનુભવ મેળવવા એ કંપનીમાં કામ કરે છે. અમને પૈસાની કોઈ જરૂર નથી અને આવી ઓછી આવકવાળા નોકરિયાત છોકરા સાથે અમારી દીકરીના લગ્ન કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.’

સમય જતાં મહેશના લગ્ન બીજી છોકરી સાથે થઈ ગયા. મહેશે એજન્સી મારફતે અમેરિકામાં કામ શોધ્યું અને બન્ને અમેરિકા ચાલ્યા ગયા. ત્રણ વર્ષ બાદ મહેશના ઘરે એક બાળક પણ છે અને તે દોઢ લાખ ડોલર્સથી વધુ પગાર મેળવે છે. તેણે આર્થિક રીતે પણ ખૂબ પ્રગતિ કરી છે. જ્યારે શ્રીમંત ચંદુલાલની પુત્રી માયા હજુ પણ કુંવારી છે અને તેના માબાપ હજુ પણ શ્રીમંત નબીરા માટે દોડાદોડી કરે છે.

મનસુખલાલનો બીજો પુત્ર માનવ પણ ગ્રેજ્યુએટ થઈને સારી કંપનીમાં જોડાઈ ગયો. બે વર્ષની નોકરી બાદ મનસુખલાલે તેના લગ્ન માટે પ્રયત્નો શરૂ કર્યા. થોડા ઠેકાણા જોયા બાદ ઉંમર અને અભ્યાસમાં સમાન એવી રૂપા નામની છોકરી માનવ અને તેના પરિવારને પસંદ આવી. સંબંધ નક્કી કરતા પહેલા તપાસ કરતા જણાયું કે રૂપાના પિતા ખૂબ ગરીબ છે અને મજૂરીકામ કરીને ગુજરાન ચલાવે છે. જોકે, રૂપાના કાકા શ્રીમંત છે અને તેમણે મનસુખલાલ ને જણાવ્યું, ‘રૂપાના પિતા ભલે ગરીબ હોય પરંતુ લગ્નની તમામ જવાબદારી અમે ઉઠાવીશું અને તમે જે કહેશો તે જ પ્રમાણે ધામધૂમથી લગ્નપ્રસંગ ઉજવીશું.’ પરંતુ, મનસુખલાલે રૂપાના પિતા મજૂર હોવાથી એ સંબંધને ઠુકરાવી દીધો. પોતાના મોટા પુત્રના સંબંધનો શ્રીમંત પરિવાર તરફથી નકારાત્મક જવાબ મળવાથી પોતાને થયેલા દુઃખમાંથી કંઈ શીખ્યા વિના બીજા પુત્રના સંબંધ પ્રસંગે તેમની વર્તણુંકમાં પણ કોઈ ફેરફાર થયો નહીં.

ઉપરના બન્ને દ્રષ્ટાંતો કાલ્પનિક નથી. સત્ય ઘટના છે. આવા તો કેટલાય કિસ્સા આપણા સમાજમાં જોવા મળે છે. આ દ્રષ્ટાંત આપીને હું એ દર્શાવવા માગું છું કે આપણે આપણાં સંતાનોના સુખી ભવિષ્ય માટે જ ચિંતા કરીએ છીએ કે વ્યક્તિની લાયકાત, સંતાનોની લાગણી, ઈચ્છા ઠુકરાવીને પૈસાને વધારે મહત્ત્વ આપીએ છીએ ?

આપણે ૨૧મી સદીમાં જીવીએ છીએ. આપણા બાળકો જૂની પેઢી કરતાં ખૂબ આધુનિક છે. તેમના વિચારો અને સમજ બદલાયા છે. દુનિયા ખૂબ નાની બની ગઈ છે. પરંતુ, આપણે સંકુચિત માનસ ક્યારે બદલીશું ? શું આપણા સંતાનોને તેમના ભવિષ્ય માટે વિચાર કરવાનો કોઈ અધિકાર જ નથી ? જરા વિચારો - માબાપ શ્રીમંત હોય કે તેમની આર્થિક સ્થિતિ નબળી હોય. પરંતુ, દીકરા-દીકરી એકબીજાને પસંદ કરતા હોય, અભ્યાસ અને ઉંમર વગેરે બરાબર હોય તો તે સંબંધ અટકાવવાનો આપણને અધિકાર છે ખરો ?


comments powered by Disqus