બાપાના મંદિરમાં બાપુને ભવ્ય ભજનાંજલિ

-જ્યોત્સના શાહ Wednesday 10th April 2019 06:09 EDT
 
તસવીરમાં ડાબેથી સર્વશ્રી સી.બી. પટેલ, ઇલાબેન પંડયા, છગનભાઇ ફટાણીયા, ભાનુભાઇ પંડયા, ડો. જગદીશ દવે, નીતિબેન ઘીવાલા, અરૂણાબેન પટેલ, મહેન્દ્રભાઇ ગોકાણી અને ગિરીશભાઇ મશરૂ.
 

મહાત્મા ગાંધી ફાઉન્ડેશન યુ,કે.ના ઉપક્રમે પૂ.બાપુની પુણ્યતિથિ (૩૦ જાન્યુઆરી) શનિવાર, ૩૦ માર્ચ ૨૦૧૯ના રોજ સડબરીમાં આવેલ જલારામ મંદિર ખાતે ઉજવવામાં આવી. આ પ્રસંગે ફાઉન્ડેશનના પ્રમુખશ્રી ડો. જગદીશભાઇ દવે MBE એ સૌનું હાર્દિક સ્વાગત કરી પૂ.બાપુના જીવનની અંતિમ પળો યાદ કરી અંજલિ અર્પતા જણાવ્યું કે, બાપુએ કહ્યું હતું કે, મારા જીવનના છેલ્લા શ્વાસે મુખમાંથી ‘રામ’ શબ્દ નીકળે તો મને મહાત્મા માનજો અને એ સાચું ઠર્યું!

જલારામબાપા અને એ મહાત્માના ચરણોમાં વંદન કરી જલારામ મંદિરના પૂજારી દંપતિ શ્રી પિનાકિનભાઇ અને ખુશ્બુબહેન અને ગ્રૂપે બાપુના પ્રિય ભજનો તથા દેશભક્તિના ગીતોથી વાતાવરણને સુમધુર બનાવી દીધું. બાપુને અને દેશ ખાતર જાન કુરબાન કરનાર શહીદોને અંજલિ આપતાં ગીતો-ભજનોની રમઝટ ઉપસ્થિત સભાજનોના હૈયાને રોમાંચિત કરી ગઇ.

સમાપનમાં મંદિરના ટ્રસ્ટી શ્રી ગિરીશભાઇ મશરુએ આ મંદિરના દ્રષ્ટા શ્રી સી.જે.રાભેરૂને અંજલિ અર્પી મંદિરમાં ચાલતી પ્રવૃત્તિઓનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ના તંત્રી શ્રી સી.બી.પટેલે એમની રમૂજભરી શૈલીથી સભાને સંબોધતાં શ્રી રાભેરૂના સામાજિક અનુદાનને યાદ કરી પૂ. બાપુને તથા ફાઉન્ડેશનના સ્થાપક વડીલો સ્વ. કવિશ્રી ડાહ્યાભાઇ પટેલ અને સ્વ.શ્રી રતિભાઇ જોબનપુત્રાને અંજલિ અર્પતા જણાવ્યું કે, આ કાર્ય એમની દીકરીઓ શ્રીમતી નીતિબેન મહેશભાઇ ઘીવાલા અને ઇલાબેન રસિકભાઇ પંડ્યા અન્ય કમિટી સભ્યોના સહકારથી આગળ ધપાવી પૂ.બાપુના સંદેશને જીવંત રાખી રહ્યાં છે.

ફાઉન્ડેશનના સેક્રેટરી શ્રી ભાનુભાઇ પંડ્યાએ મંદિરના ટ્રસ્ટીઓએ આ પવિત્ર સ્થળે પ્રાર્થના સભા યોજવા સહર્ષ સ્વીકાર કર્યો, સંગીતકારોના સૂરીલા સંગીત તેમજ બાપુની પુણ્યતિથિ પ્રસંગે મોટી સંખ્યામાં હાજરી આપવા બદલ બાપુ પ્રત્યેના આદર-પ્રેમ માટે સૌનો આભાર માન્યો અને આર્થિક સહાયની અરજ કરતા ટ્રેઝરર શ્રી છગનભાઇ ફટાણિયા પાસે યથાશક્તિ ફાળો નોંધાવવા વિનંતી કરી.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો શ્રી મનુભાઇ રામજી, લોહાણા કોમ્યુનિટીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી યતિનભાઇ દાવડા, પૂર્વ મેયર કાઉન્સિલર ભગવાનજીભાઇ ચૌહાણ, NCGOના કાર્યકારી પ્રેસિડેન્ટ શ્રી પ્રવિણભાઇ અમીન સહિત ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ના તંત્રીશ્રી સી.બી.પટેલના સાથ અને સહકારની સરાહના કરી.

અંતમાં સ્વાદિષ્ટ ભોજન પ્રસાદી માણી સૌ વિખરાયાં.


comments powered by Disqus