BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. તા.૨થી ૪ એપ્રિલ દરમિયાન સંત શિબિર યોજાઈ હતી. તેમાં ઉપસ્થિત રહેલા સંતોને પૂ. મહંત સ્વામીએ ધર્મના પ્રચાર-પ્રસાર સંબંધિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ચોથીએ પ્રાતઃપૂજા બાદ પૂ. મહંત સ્વામીએ ઓડિશાના મધુસુદનપુર તેમજ ભાવનગર વિસ્તારના પાલીતાણા ખાતે નવા બનનારા BAPSહરિમંદિરો માટે ઈષ્ટિકા પૂજન કર્યું હતું.
૭મીને રવિવારે પૂ. મહંત સ્વામી બોટાદ પહોંચ્યા હતા. જ્યાં હરિભક્તો અને ભાવિકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બોટાદના તમામ જ્ઞાતિના અગ્રણીઓએ પૂ. મહંત સ્વામીને પુષ્પમાળા અર્પણ કરીને તેમને સન્માન્યા હતા. ત્યારબાદ વિશેષ રવિ સભાનું આયોજન થયું હતું. તેનો મધ્યવર્તી વિષય ‘ભાગ્ય મોટા આ ભૂમિના’ હતો. સંતોએ તેને અનુલક્ષીને પ્રેરક પ્રવચનો કર્યા હતા. પ્રાસંગિક પ્રવચનમાં ડોક્ટર સ્વામીએ હરિભક્તોને જીવન ઉત્કર્ષની પ્રેરણા પૂરી પાડી હતી. આશીર્વચન પાઠવતા પૂ. મહંત સ્વામી કહ્યું હતું,‘ આ સન્માન અમારું નથી પણ સ્વામીનારાયણ ભગવાનનું છે.’ સન્માન બદલ તેમણે સૌનો આભાર માન્યો હતો. ગુરુપદે છેલ્લે ૨૦૦૫માં પ.પૂ. પ્રમુખ સ્વામીએ બોટાદની મુલાકાત લીધી હતી. તેના ૧૪ વર્ષ બાદ પૂ. મહંત સ્વામીએ ગુરુપદે બોટાદની મુલાકાત લેતા હરિભક્તોમાં વિશેષ આનંદ પ્રવર્તતો હતો. રવિસભામાં અંદાજે ૧૧,૦૦૦ સંતો, હરિભક્તો અને ભાવિકો હાજર રહ્યા હતા.
સારંગપુરમાં રોકાણ દરમિયાન પૂ. મહંત સ્વામીની સવારની નિત્ય પૂજામાં હરિભક્તો મોટી સંખ્યામાં હાજર રહીને તેમના દર્શન અને પૂજાનો લાભ લઈ રહ્યા છે. નિત્યક્રમમાં પૂ. મહંત સ્વામી પ્રમુખ મંદિરના દર્શન ઉપરાંત ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરે છે. ૯મીએ મંદિર પરિસરમાં સંત સભાનું આયોજન કરાયું હતું.

