રાજકીય પક્ષોના મેનિફેસ્ટોઃ વચનેષુ કિમ્ દરિદ્રતા

Tuesday 09th April 2019 11:40 EDT
 

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના મતદાન આડે હવે થોડા દિવસો બાકી રહ્યાં છે ત્યારે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી કોંગ્રેસ અને શાસક ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી સંદર્ભે તેઓ આગામી વર્ષોમાં દેશની જનતા માટે શું કામ કરવા માગે છે તે જણાવતા મેનિફેસ્ટો એટલે કે ઘોષણાપત્ર જાહેર કરાયા છે. કોંગ્રેસે ‘જનતા કી આવાઝ’ નામથી તો ભાજપે ‘સંકલ્પ ભારત, સશક્ત ભારત’ નામથી મેનિફેસ્ટો જાહેર કર્યો છે. બંને મુખ્ય રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને પ્રાધાન્ય અપાયું છે તે નોંધનીય છે. કોઈ પક્ષે ખાસ કરીને મધ્યમ કે દલિત વર્ગની વાત કરી નથી, જેના ખોબલા મોઢે મત મેળવીને તેઓ સત્તાના સિંહાસને બિરાજે છે. બંને પક્ષોએ તેમના મેનિફેસ્ટોના સર્જનમાં કરોડો લોકોની ભૂમિકા હોવાના દાવા પણ કર્યા છે.
આ વખતે તો ‘સાન્તા ક્લોસ’ રાહુલ ગાંધીના થેલામાં દરેક પ્રજાજન માટે કોઈ વચન આપવામાં બાકી રખાયું નથી. તેનો મુખ્ય હેતુ નરેન્દ્ર મોદીના મજબૂત રાષ્ટ્રના નારા સામે રાહુલ ગાંધીને દેશની નિર્બળ અને ગરીબ પ્રજાના મસીહા તરીકે ઉપસાવવાનો છે. ગત ચૂંટણીની સરખામણીએ રાહુલ ગાંધી પરિપક્વ અને વધુ બોલકા થયા છે, તેમની ‘પપ્પુ’ ઈમેજ હવે રહી નથી, પરંતુ તેમની પીઠ પર નેહરુ-ગાંધી પરિવારના લાંબા અને કહેવાતા કુશાસનના ઈતિહાસનો તેમજ જમાઈ વાડરાના કથિત ભ્રષ્ટાચારનો મોટો બોજો છે. આવા બોજા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વનો સામનો કરવો મુશ્કેલ છે અને તેથી જ ઘોષણાપત્રના અફલાતૂન વચનોનો સહારો લેવાયો છે.
મોદી સરકારની ખેડૂતો પ્રત્યેની નીતિઓ સંદર્ભે ભાજપ પર આકરા પ્રહાર કરતી કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં રેલવે બજેટની જેમ જ ખેડૂતો માટે અલગ બજેટ ઊભું કરવાના વચન ઉપરાંત જો ખેડૂત લોન ભરપાઇ ન કરી શકે તો તેને ક્રિમિનલ કેસ નહીં, પરંતુ સિવિલ કેસ ગણવાનું જણાવ્યું છે. દેશમાં અલગ રેલવે બજેટ આપવાનું તૂત માંડ બંધ થયું છે ત્યાં નવા ખેડૂત બજેટની વાત કરવી કેટલાં અંશે યોગ્ય ગણાશે?
સામા પક્ષે ભાજપએ પણ દેશના તમામ ખેડૂતોને કિસાન સન્માન નિધિ અંતર્ગત વાર્ષિક ૬,૦૦૦ રૂપિયા ખાતામાં આપવા, સીમાંત ખેડૂતો અને નાના વેપારીઓ માટે ૬૦ વર્ષની વય પછી પેન્શનની સુવિધા, પાંચ વર્ષ દરમિયાન ગ્રામીણ ક્ષેત્રોમાં વિકાસ અને કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ૨૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ, ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરી દેવાના તેમજ એકથી પાંચ વર્ષ ટુંકી મુદત માટે રૂપિયા એક લાખના ધિરાણ સામે શૂન્ય ટકા વ્યાજ સહિતના વચનોની લહાણી કરી છે.
ચૂંટણીની પૂર્વસંધ્યાએ કોંગ્રેસનું અતિ મહત્ત્વપૂર્ણ વચન ન્યૂનત્તમ આવક યોજના ‘ન્યાય’ અન્વયે દેશના ગરીબીરેખા હેઠળ જીવતા પાંચ કરોડ ગરીબ પરિવારો અથવા ૨૫ કરોડ લોકોના ખાતામાં વર્ષે ૭૨,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવાનું છે, જેના માટે ‘ગરીબી પર વાર ૭૨ હજાર’ સૂત્ર પણ અપાયું છે. જોકે, આમાં પણ માસિક ૧૨,૦૦૦ની કમાણી હોય તે પરિવારને મદદ મળવાની શરત રખાયેલી જ છે. મોદી સરકારે ગરીબ ખેડૂતોને વર્ષમાં ૬,૦૦૦ રૂપિયા ખાતામાં આપવાની શરૂઆત કરી છે તેની સામે આ વચન લોકોને કદાચ અપીલ કરી શકે છે. કદાચ મોદી સરકારે ગરીબ લોકો પાસે ખોલાવડાવેલા ‘જનધન ખાતા’ કામમાં આવી જશે. જોકે, ખાટલે મોટી ખોડ એ છે કે આ યોજના પાછળ લગભગ લગભગ ૩,૦૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની શક્યતા છે તો તે ભંડોળ ક્યાંથી આવશે તેનો ઉત્તર કોઈ આપતું નથી.
આ ઉપરાંત, કોંગ્રેસ દ્વારા ખેડૂતોની અવદશા દૂર કરવા, ‘મનરેગા’ યોજના હેઠળ ૧૦૦ને બદલે ૧૫૦ દિવસની રોજગારી, ખાલી પડેલી ૨૨ લાખ સરકારી નોકરીઓ ૨૦૨૦ સુધીમાં ભરવા ઉપરાંત, ગ્રામ પંચાયતોમાં ૧૦ લાખ યુવાનોને નોકરી, યુવાનો માટે ત્રણ વર્ષ માટે મંજુરી વગર વેપાર, GSTનું સરળીકરણ, જીડીપીના છ ટકા ખર્ચ શિક્ષણ માટે કરાશે, રાજદ્રોહની કલમ ૧૨૪-એ ખતમ કરવા તેમજ સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી જળવાય તે સહિતના વચનો પણ અપાયાં છે.
સામા પક્ષે, ભાજપના જનસંકલ્પ પત્રમાં મોદી સરકારની પાંચ વર્ષની કામગીરીમાં દેશ વિશ્વમાં મહાશક્તિ બનીને ઉભર્યો, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવાયું, દેશનું અર્થતંત્ર પાટા પર આવ્યું, ૨૦૧૪માં વિશ્વમાં ભારતીય અર્થતંત્ર ૧૧મા સ્થાને હતું તે આજે છઠ્ઠા સ્થાને છે તે સહિત મોદી સરકારે ભ્રષ્ટાચાર અને કાળા નાણાંને રોકવા માટે સારી કામગીરી બજાવ્યાની સિદ્ધિઓનું વર્ણન કર્યું છે. જોકે, રોજગારી સર્જનના મુદ્દે મૌન જળવાયું છે.
કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જો તે સત્તામાં આવે તો કાશ્મીર ઘાટીમાં ભારતીય સેનાની ઉપસ્થિતિને ઘટાડી AFSPA પર પુનર્વિચાર કરવાનું વચન અપાયું છે. કોંગ્રેસના આવા વાયદા સાથે ભારતીય સેના તો શું સામાન્ય નાગરિક પણ સહમત ન થઈ શકે. જમ્મુ અને કાશ્મીરમાં આર્મીની હાજરી ઘટાડી સુરક્ષાસુકાન સ્થાનિક પોલીસને સોંપાય તો આતંકવાદનો સામનો કઇ રીતે થશે તેનો જરા પણ વિચાર રાહુલ ગાંધીએ કર્યો છે ખરો? આવા નિર્ણયથી આતંકીઓને ત્રાસવાદ ફેલાવવાની ખુલ્લી પરવાનગી જ મળી જશે. ખુદ સુપ્રીમ કોર્ટે પણ જમ્મુ-કાશ્મીરમાં AFSPA જરૂરી હોવાની ટિપ્પણી કરી છે. આ ઉપરાંત, કોંગ્રેસે કાશ્મીર માટે કલમ ૩૭૦ યથાવત્ રાખવાનો વાયદો કરીને પણ વિવાદ ઊભો કર્યો છે.
બીજી તરફ, ભાજપના મેનિફેસ્ટોમાં આતંકવાદના પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ ચાલુ રખાશે તેમ પણ સ્પષ્ટ કરાયું છે. સરકારના સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકના પગલાથી દેશના સુરક્ષા દળોનું મનોબળ અને ગૌરવ વધવા સાથે સમગ્ર દેશ પોતાને સુરક્ષિત અનુભવે છે તેવી સિદ્ધિના ગુણગાન ગવાયા છે. આમાં જરા પણ અતિશયોક્તિ નથી તેમ આપણે અવશ્ય કહી શકીએ.
દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થતાં ૭૫ પગલાં સાથેના ભાજપના સંકલ્પ પત્રમાં આગામી પાંચ વર્ષમાં દેશના પ્રત્યેક પરિવારને પાકાં મકાન, ગેસ સિલિન્ડર અને સો ટકા વિદ્યુતીકરણ જેવી પાયાની સુવિધાનું વચન પણ અપાયું છે. ફરી એક વખત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા, ટ્રિપલ તલાક, કલમ ૩૫-એ અને કલમ ૩૭૦ રદ કરવા પ્રત્યે પ્રતિબદ્ધતા તેમજ રાષ્ટ્રવાદ, અંત્યોદય અને સમયબદ્ધ સુશાસન મંત્રની વાત કરાઈ છે. ભાજપની સાથે રામમંદિરના નિર્માણની વાત વણાયેલી જ છે. આ મુદ્દો હાલ સુપ્રીમ કોર્ટ સમક્ષ છે ત્યારે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રામ મંદિરના નિર્માણનો પ્રયાસ કરવાનો ઉલ્લેખ પણ કરાયો છે.
એપ્રિલ ફૂલ ડેના બીજા જ દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સંદર્ભે વાયદાનો વરસાદ વરસાવતા ઘોષણાપત્રને પ્રસિદ્ધ કર્યું તે ઘણું સૂચક ગણાવી શકાય. આમ પણ, લોકોને હવે રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરા અને તેમાં અપાતાં ઊંચા ઊંચા વચનો પર વિશ્વાસ રહ્યો નથી. દેશની આઝાદી પછી મુખ્યત્વે શાસનમાં રહેલી કોંગ્રેસ અને તેના પછી વિવિધ ગઠબંધનો (ભાજપ સહિત)ની સરકારોના પક્ષો દ્વારા વાયદા અને વચનોની આ રીતરસમ નિભાવાતી આવી છે અને કદાચ આ કારણે કોંગ્રેસે પણ તેના આ ચૂંટણી ઢંઢેરાને ‘હમ નિભાયેંગે’ નામ આપ્યું હોવાની સંભાવના છે.
એક રીતે તો નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારના વચનો, કામગીરી અને તેના ચૂંટણી પ્રતિક જેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અંગત પ્રતિભા જ ભાજપના મેનિફેસ્ટોનું કામ કરી રહેલ છે. ખરેખર તો મોદીના કરિશ્મા, પ્રતિભા કે કામગીરીનો સામનો કરી શકે તેવો કોઈ નેતા કોંગ્રેસ સહિતના વિપક્ષ પાસે નથી. ભાજપના એજન્ડામાં ‘મોદી હૈ તો મુમકિન હૈ’ની સાથે ‘મજબૂત સરકાર વિરુદ્ધ મજબૂર સરકાર’નું સૂત્ર બની રહેશે તે નિશ્ચિત છે.
કોંગ્રેસે તેના મેનિફેસ્ટોને ‘જનતા કી આવાઝ’ વાત ગણાવ્યો છે તો ભાજપનો મેનિફેસ્ટો ‘જન સંકલ્પ પત્ર’ છે. બંનેમાં વાત તો જનતાની થઈ છે, દેશની જનતા કોનો કેટલો સ્વીકાર કરે છે એ તો ચૂંટણીના પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે. અત્યારે તો બંને પક્ષો માટે દિલ્હી હજુ ઘણું દૂર છે.


comments powered by Disqus