• પરિવારથી વિખૂટા વિદ્યાર્થીઓને મદદમાં યુનિવર્સિટીઓ નિષ્ફળ
દેશની કેટલીક ટોચની યુનિવર્સિટીઓ પોતાના પરિવારથી છૂટા પડેલા હજારો વિદ્યાર્થીઓને મદદરૂપ થવામાં નિષ્ફળ રહી હોવાનું એક ચેરિટી દ્વારા જણાવાયું હતું. સ્ટેન્ડ એલોન મુજબ માતાપિતાની સહાયથી વંચિત વિદ્યાર્થીઓની ડ્રોપ આઉટની શક્યતા અન્ય વિદ્યાર્થીઓ કરતાં ત્રણ ગણી વધુ રહે છે.
• મોટરવે જંક્શન પર લાઈટ્સથી પ્રવાસ લાંબો બન્યો
હાઈવેઝ ઈંગ્લેન્ડ વિવિધ સ્કીમો પાછળ ૩૧૭ મિલિયન પાઉન્ડનો ખર્ચ કરી રહી હોવા છતાં ગીચ ટ્રાફિકને હળવો કરવા માટે મોટરવે જંક્શન્સ પર મૂકવામાં આવેલી ટ્રાફિક લાઈટ્સને લીધે પ્રવાસ લાંબો અને વધુ ખરાબ બન્યો હોવાનું અહેવાલમાં જણાવાયું હતું.
• ૩૦૦,૦૦૦ ભૂલકાંએ કદી નર્સરી ગીતો સાંભળ્યા નથી
ઈંગ્લેન્ડમાં પાંચ વર્ષથી નીચેની વયના આઠ ટકા જેટલાં એટલે કે ૩૦૦,૦૦૦થી વધુ બાળકોએ તેમના માતાપિતા પાસેથી ગીતો, કવિતાઓ અથવા બાળગીતો સાંભળ્યા ન હોવાનું ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશન દ્વારા ૨,૬૮૫ માતા અને પિતાના હાથ ધરાયેલા સર્વેમાં જણાયું હતું. તે જ વયજૂથના ૧૨ ટકા બાળકો આંકડા વિશે અથવા તો ગણતરી કેવી રીતે થાય તે કદી શીખ્યા ન હતા.
• કારવોશ એપને લીધે ગુલામીના કિસ્સા બહાર આવ્યા
હાથે કાર ધોતાં કામદારો વિશે ચિંતા વ્યક્ત કરવા ચર્ચ જતાં લોકો માટે એક એપ્લિકેશન લોંચ કરાયું તેના પાંચ મહિનાની અંદર સંભવિત આધુનિક ગુલામીના લગભગ ૧,૦૦૦ કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. માનવ હેરફેરનો સામનો કરવા માટે અનૌપચારિક જાસૂસી નેટવર્ક ઉભું કરવા ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ અને કેથોલિક ચર્ચ દ્વારા ગયા વર્ષે સેફ કાર વોશ એપ્લિકશન શરૂ કરાયું હતું.
• ૧ મિલિયન બ્રિટિશરોને ડિમેન્શિયા થવાની શક્યતા
પોતાને ટાઈપ ૨ ડાયાબિટીસ થયો હોવાનું નહીં જાણતા લગભગ ૧ મિલિયન બ્રિટિશરોને ડાયાબિટીસના પરિણામે ડિમેન્શિયા થવાની શક્યતા રહેલી છે.
• કુદરતના ખોળે માત્ર ૨૦ મિનિટ ગાળો અને સ્ટ્રેસ ભગાવો
સ્ટ્રેસની સારવારમાં ડોક્ટરો જે ઉપાયોની સલાહ આપે છે તેમાં લંચટાઈમ દરમિયાન કુદરત સાથે વીતાવેલી ઓછામાં ઓછી ૨૦થી ૩૦ મિનિટ સૌથી અસરકારક સારવાર પૈકી એક બની શકે તેમ સંશોધનમાં જણાયું હતું. કુદરત સાથેના સંવાદને એક અસરકારક ઔષધિ ગણવામાં આવે છે. તેટલો સમય કુદરત સાથે ગાળવાથી સ્ટ્રેસના હોર્મોન્સમાં લગભગ દસ ટકાનો ઘટાડો થતો હોવાનું વૈજ્ઞાનિકોને જણાયું હતું.
• બાળકોને લક્ષ્ય બનાવતી ઓનલાઈન જુગાર કંપનીઓ
મોટા ઓનલાઈન ગેમ્બલિંગ ઓપરેટર્સ છ વર્ષ સુધીના બાળકોને લક્ષ્ય બનાવતા હોવાનું બ્રિટનની એડવર્ટાઈઝિંગ વોચડોગ ‘એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી’ને જણાયું હતું. ઓથોરિટી દ્વારા છ વર્ષ સુધીના બાળકોની વેબ બ્રાઉઝિંગની ટેવની નકલ કરવા સાત ઓનલાઈન ઓળખ ઉભી કરવામાં આવી હતી. બે અઠવાડિયા બાદ ઓથોરિટીને બાળકોની ૧૧ વેબસાઈટ્સ પર ગેમ્બલિંગની એડના ૧૫૦થી વધુ કિસ્સા જણાયા હતા. તેમાં રંગીન પેજીસ, બાળકો માટે પરંપરાગત વાર્તાઓની માહિતી હતી.
