નવી દિલ્હીઃ ફિલ્મ મેકર મહેશ ભટ્ટની ૧૯૯૬માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પાપા કહેતે હૈ’થી લોકપ્રિય બનેલી એક્ટ્રેસ મયૂરી કાંગોએ ૧૬ વર્ષથી બોલિવૂડ છોડી દીધું છે, પણ કોર્પોરેટ વર્લ્ડમાં તે ખૂબ મહત્ત્વનું પદ સંભાળે છે. કોર્પોરેટ વર્લ્ડમાં એન્ટ્રી લેવા તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કર્યું હતું. મયૂરી કાંગો અત્યારે ગૂગલ ઇન્ડિયાના એજન્સી બિઝનેસની હેડ છે.
કોર્પોરેટ કરિયર
મયૂરીએ તેના કરિયરની શરૂઆત ન્યૂ યોર્કની ડિજિટલ એજન્સી '360i'માં મીડિયા મેનેજર તરીકે કરી હતી. તેણે ત્યાં ૨૦૦૪થી ૨૦૧૨ સુધી કામ કર્યું હતું. ત્યારબાદ તે ‘પર્ફોર્મિક્સ રિઝ્યુલટ્રીક્સ’માં મેનેજિંગ ડિરેક્ટર હતી. ઉપરાંત તેણે ‘ડિજિટ્સ’માં એસોસિએટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. તે ‘ઝેનિથ’ કંપનીમાં ચીફ ડિજિટલ ઓફિસર તરીકે પણ જોડાઈ હતી.
વિદેશમાં સ્ટડી
એક્ટિંગ માટે એણે આઈઆઈટી-કાનપુરનો અભ્યાસ પડતો મૂકી દીધો હતો, પરંતુ ત્યારબાદ એનઆરઆઈ આદિત્ય ધિલ્લોન સાથે ૨૦૦૩માં લગ્ન કરીને તે યુએસ શિફ્ટ થઇ હતી. તેણે ન્યૂ યોર્કની યુનિવર્સિટીમાં માર્કેટિંગ અને ફાઇનાન્સમાં એમબીએ કર્યું. જોકે, તેના દીકરાના જન્મ બાદ ૨૦૦૯માં તે ભારત પરત ફરી હતી. હાલ તે ભારતમાં ગુડગાંવમાં રહે છે.
બોલિવૂડ કરિયર
૩૬ વર્ષીય મયૂરી કાંગોએ ૧૯૯૫માં ૧૩ વર્ષની ઉંમરે જ બોલિવૂડ ડેબ્યુ કરી લીધું હતું. નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મ ‘નસીમ’થી તેણે ડેબ્યુ કર્યું હતું. તેણે ‘બાદલ’, ‘પાપા કહતે હૈ’, ‘હોગી પ્યાર કી જીત’ વગેરે જેવી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે અજય દેવગણ, અર્શદ વારસી, અનુપમ ખેર, રાની મુખર્જી, બોબી દેઓલ, જુગલ હંસરાજ સહિત ઘણા એક્ટર્સ સાથે સિલ્વર સ્ક્રીન શેર કરી છે. ઉપરાંત તેણે નાના પડદે પણ કામ કર્યું છે. જેમાં ‘કહીં કિસી રોઝ’, ‘કિટ્ટી પાર્ટી’ વગેરે જેવી સિરિયલ સામેલ છે.

