ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ થકી અર્થતંત્રને વેગ

Tuesday 09th July 2019 12:24 EDT
 

પ્રચંડ બહુમતી સાથે પુનઃ સત્તા ઉપર આવેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારની બીજી મુદતની કામગીરીની દિશા અને માર્ગ ભારતના પ્રથમ પૂર્ણ સમયનાં મહિલા નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કંડારી આપ્યાં છે. આમ તો, લોકસભા ચૂંટણી અગાઉ વચગાળાના બજેટમાં મોટા ભાગની નીતિઓ અને ફાળવણી જાહેર કરી દેવાઈ હોવાથી વર્તમાન બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સારું બનાવવાની બાબત પર ભાર મૂકાયો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજીટલ ઈકોનોમી અને નાના ઉદ્યોગોના વિકાસ થકી રોજગારના સર્જનની મહત્ત્વાકાંક્ષા સાથે આ બજેટમાં એક કાંકરે બે પક્ષી સાધવાનું લક્ષ્ય જોવા મળે છે. મોદી સરકારની ભાવિ યોજનામાં ગામ, ગરીબ અને ખેડૂતને કેન્દ્રસ્થાને છે. બજેટમાં ખેડૂતોની આવક વધારવા માટે રાષ્ટ્રીય બજારનો વ્યાપ વધારી ૧૦,૦૦૦ ફાર્મર કંપનીઓ, કૃષિ સાહસિકો તૈયાર કરવા સહિતની જાહેરાત કરાઇ છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આગામી પાંચ વર્ષમાં વિકાસમાં મુખ્યત્વે ગામડાં અને શહેરો વચ્ચેનું અંતર ઘટાડવાની રૂપરેખા મધ્યે વડા પ્રધાન સડક યોજના અંતર્ગત ૧.૨૫ લાખ કિલોમીટરના માર્ગ, દેશમાં ૨૦૨૨ સુધીમાં શૌચાલય, વીજળી અને રાંધણ ગેસ કનેક્શન સાથે ૧.૯૫ કરોડ આવાસના નિર્માણ સાથે ગ્રામીણ પરિવારોના જીવનમાં પરિવર્તન લાવવા ઉપરાંત, દેશમાં મેટ્રો લાઈન અને રેલવેમાં સુવિધાઓનો વિકાસ તેમજ ગંગા નદી સહિત રાષ્ટ્રીય જળમાર્ગના વિકસાવવાનું લક્ષ્ય રખાયું છે. આ તમામ યોજનાઓ ૧૦૦ લાખ કરોડ રૂપિયાના ખર્ચથી અપગ્રેડ કરાશે તે નોંધપાત્ર ગણી શકાય. અત્યારે ભારતમાલા, સાગરમાલા અને ઉડાન જેવા પ્રોજેક્ટથી પરિવહન આંતરમાળખામાં સુધારો આવ્યો છે તેને આગળ વધારવાની નેમ નાણાં પ્રધાને દર્શાવી છે. દેશમાં કેટલાક વિસ્તારોમાં પાણીની તીવ્ર અછતને ધ્યાને લઈ જળજીવન મિશનનો આરંભ અને ૨૦૨૪ સુધીમાં દેશના દરેક ઘરમાં પીવાનું પાણી પાઈપથી પહોંચાડાય તેવી જાહેરાત સાથે અમલની કામગીરી નવરચિત જળ મંત્રાલયને સોંપાઈ છે.
નાણાં પ્રધાન સીતારામને ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રનું કદ વધીને ત્રણ ટ્રિલિયન (૩૦૦૦ બિલિયન) ડોલર થઇ જવાનો સંકેત આપ્યો છે. અત્યારે ૨.૭ ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર માટે આગામી પાંચ વર્ષમાં પાંચ ટ્રિલિયન ડોલરના લક્ષ્યાંકને હાંસલ કરી લેવાની મહત્ત્વાકાંક્ષા બજેટમાં દર્શાવાઈ છે. વડા પ્રધાન મોદીએ આ સંદર્ભત્રમાં સાચું જ કહ્યું છે કે કેકનું કદ વિશાળ હોવું જોઈએ તો જ વધુમાં વધુ લોકો તેને ખાઈ શકશે. ભારતીય અર્થતંત્રને એક ટ્રિલિયન ડોલર સુધી પહોંચવામાં ૫૫ વર્ષ લાગ્યા હતાં. પાંચ વર્ષ અગાઉ, વિશ્વમાં ૧૧મા ક્રમનું ભારતીય અર્થતંત્ર હાલ છઠ્ઠા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે તે સિદ્ધિ નાનીસૂની નથી.
એક વાત નિશ્ચિત છે કે આ બજેટ લોકરંજક નથી. પ્રજાને જે પ્રકારની રાહતો અને લાભની અપેક્ષાઓ હતી તે સંતોષાઈ નથી. ટુંકા ગાળાની અસર સાથે કેટલીક ચીજવસ્તુઓ અને ઈંધણ મોંઘા થવાથી રાહત ઈચ્છતા સામાન્ય માનવીની કેડ પર વધુ ભાર આવી પડશે. જોકે, આ કેડી ભારતના મજબૂત વિકાસનો રાજમાર્ગ બની જશે તેમાં કોઈ શંકા નથી કારણ કે જે રાહતો અપાઈ છે તેની અસર લાંબા ગાળા સુધી જોવાં મળશે. નાણાં પ્રધાને સ્ટાર્ટ અપ કંપનીઓની સ્થાપનાને વેગ આપવા તેની પરનો કર હટાવવા સહિતની રાહતો જાહેર કરી છે તેને પણ વિકાસ માર્ગમાં આગેકદમ ગણાવી શકાય છે. સરકારની લાંબા ગાળાની વિકાસ રૂપરેખા માટે નાણાં તો જોઈશે. સરકાર આ નાણા ધનવાનો પર વધુ ટેક્સ, સરકારી એકમોમાં હિસ્સાનું વેચાણ અથવા સંપૂર્ણ ખાનગીકરણ, પ્રથમ ઈન્ડિયન ગ્લોબલ બોન્ડને બજારમાં મૂકવા તેમજ રિઝર્વ બેન્ક દ્વારા ચુકવાતી રકમ વધારવા સહિતના પગલાં લેવા માગે છે.
બજેટનાં બધાં જ લક્ષ્યાંકો મહાત્વાકાંક્ષી છે અને તે સિદ્ધ કરવા માટે મોદી સરકારે તેના ‘સબ કા સાથ, સબ કા વિકાસ ઔર સબ કા વિશ્વાસ’ સૂત્રના અમલમાં ચીવટ રાખવી પડશે. અત્યારે અર્થતંત્ર થોડું ધીમું પડ્યું છે તે હકીકત છે, પરંતુ મોદી સરકાર માલસામાન અને લોકોની હેરફેર માટે નવા હાઇ-વે, બંદરો, રેલવે અને મેટ્રો અને જળમાર્ગોમાં ભારે રોકાણો સાથે તેને વેગવંતુ બનાવવા ઈચ્છે છે. આ કાર્યમાં વિદેશી રોકાણ પણ મળી રહેશે કારણ કે સરકારની નક્કર કામગીરીમાં વૈશ્વિક કોર્પોરેટ સેક્ટર અને સરકારોને પણ વિશ્વાસ બેઠેલો છે. આગામી બજેટ સુધીમાં આવકારદાયક પરિણામો જોવાં મળશે તેવી આશા અવશ્ય રાખી શકાય.


comments powered by Disqus