ગુરુદાસપુરના સાંસદ અભિનેતા સની દેઓલનું સભ્યપદ રદ કરવા માગ

Wednesday 10th July 2019 07:02 EDT
 
 

ફિલ્મ સ્ટાર સની દેઓલ જ્યારથી ગુરુદાસપુરથી સાંસદ બન્યા છે ત્યારથી વિવાદોમાં સપડાયા છે. લોકસભા ચૂંટણીમાં નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ ખર્ચ કરવાના મામલે તાજેતરમાં વિવાદ છેડાયો છે. જિલ્લાના સ્તરની ચૂંટણી પર નજર રાખતી સમિતિની તપાસમાં સામે આવ્યું છે કે તેમણે રૂ. સાડા આઠ લાખ વધારે ખર્ચ કર્યા છે. સમિતિએ પોતાની તપાસનો અહેવાલ ચૂંટણીપંચને મોકલ્યો છે. સાથે જ તેમની લોકસભાની સભ્યતા રદ કરવાની માગ ઊઠી છે. ચૂંટણીમાં તેમના વિરોધી રહી ચૂકેલા સુનીલ જાખડે આ માગ કરી છે.
મર્યાદા કરતા વધુ ખર્ચ
લોકસભા ચૂંટણીમાં એક ઉમેદવાર માટે રૂ. ૭૦ લાખ ખર્ચની મર્યાદા ચૂંટણીપંચે નક્કી કરી હતી. સનીએ પોતાના ચૂંટણી પ્રચારમાં તેનાથી રૂ. ૮ લાખ ૫૧ હજાર વધારે ખર્ચ કર્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી સની દેઓલને નોટિસ મોકલાઈ હતી અને આ અંગે ખુલાસો મંગાયો હતો. એ પછી જિલ્લા સ્તરની તપાસમાં ખર્ચ અંગેની વિગતો સામે આવી હતી.
કહેવાય છે કે ખર્ચનો હિસાબ કર્યા બાદ સમિતિએ સની દેઓલ સાથે બેઠક પણ કરી હતી. આ બેઠકમાં બે ઓબ્ઝર્વર્સ સિવાય જિલ્લા ચૂંટણી અધિકારી અને બે નોડલ અધિકારીઓ સામેલ હતા. સમિતિએ તપાસ બાદ ખર્ચમાં સામેલ રૂ. ૯ લાખ ૭૬ હજાર ફગાવી દીધા હતા.


comments powered by Disqus