સાપુતારાઃ ડાંગના દુર્ગમ પહાડી વિસ્તારમાંથી જીવનનો સંઘર્ષ કરતા ભણતર સાથે કપરી પરિસ્થિતિને બાથ ભીડી ગામડાની એશિયન ગેમ્સ સુધીની સફ ખેડનારી ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતી થયેલી ડાંગની દીકરી સરિતા ગાયકવાડે વિદેશની ધરતી પર વધુ એક ગોલ્ડ અપાવી દેશનું નામ રોશન કર્યું છે. યુરોપના પોલેન્ડમાં થયેલી એથ્લેટિક ચેમ્પિયનશિપમાં સરિતાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યું છે.
ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના કરાડીઆંબા ગામે લક્ષ્મણભાઈ ગાયકવાડ અને રમુબહેન ગાયકવાડના ચાર સંતાનોમાં સૌથી નાની સરિતાનું બાળપણ અત્યંત ગરીબાઈમાં વીત્યું છે. તેણે ધો. ૧થી ૪ ગામની પ્રાથમિક શાળામાં ભણતર લીધા બાદ ધો. ૪થી ગ્રેજ્યુએટ થઈ ત્યાં સુધી હોસ્ટેલમાં રહી અભ્યાસ કર્યો છે. શાળા જીવનમાં વિવિધ રમતોમાં ભાગ લઈ ઈનામો હાંસલ કર્યા બાદ ૨૦૧૭માં કોઇમ્બતુરમાં યોજાયેલી ૪૦૦ મીટર અને ૪૦૦ હર્ડલ્સમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ૨૦૧૮માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ અપાવી દેશનું નામ રોશન કર્યું હતું.
હાલમાં યુરોપના પોલેન્ડ ખાતે રમાઈ રહેલી એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ૪૦૦ મીટર મહિલા દોડ માત્ર ૫૪.૨૧ સેકન્ડમાં પૂર્ણ કરી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

