ફાઇનલ જોવા આ ભારતીય પરિવાર કારમાર્ગે સિંગાપુરથી લંડન પહોંચ્યો

Wednesday 10th July 2019 07:18 EDT
 
 

લંડનઃ ક્રિકેટ વર્લ્ડ કપનો રોમાંચ હાલ ચરમસીમાએ છે. સમગ્ર વિશ્વ હાલ ક્રિકેટમય બન્યું છે ત્યારે સિંગાપુરમાં રહેતો એક ભારતીય પરિવાર વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળવા કારમાં ૨૫ હજાર કિ.મી.નું અંતર કાપીને લંડન પહોંચ્યો છે. ૫૦ દિવસની કાર સફર, ૧૭ દેશોની સીમા પાર કરીને અનુપમ માથુર પરિવાર પાંચ જુલાઈએ લંડન પહોંચ્યો હતો અને બીજા દિવસે લીડ્સમાં ભારત-શ્રીલંકા મેચ નિહાળી હતી. ક્રિકેટ અને ડ્રાઇવિંગ સાથે આ પરિવારને ત્રણ પેઢીનો નાતો છે એમ કહી શકાય. પરિવારના છ સભ્યોએ માત્ર ટીમ ઇન્ડિયાને ચીયર અપ કરવા માટે ૧૭ દેશોની સરહદો પાર કરતાં સાત સીટર કારમાં ૨૨,૬૦૦ કિ.મી.નો પ્રવાસ ખેડયો છે.
સિંગાપુરથી લંડન સુધીની આ રોડ ટ્રીપમાં માથુર પરિવારના ત્રણ વર્ષથી માંડીને ૬૭ વર્ષ એમ ત્રણ પેઢીના સભ્યો સામેલ છે. અનપમ માથુરને ડ્રાઇવિંગનો શોખ છે. તે ૧૦ વર્ષના હતા ત્યારે તેમણે વાંચ્યું હતું કે એક દંપતીએ કારમાં વિશ્વસફર કરી હતી. બસ ત્યારથી તેમને ડ્રાઇવિંગ સારું લાગે છે. ભોજનમાં મુશ્કેલી ના પડે તે માટે નવ બેગમાં રેડી-ટુ-ઇટ ફૂડ સહિતની ખાદ્યસામગ્રી સાથે રાખી હતી.

ભારતીય રાજદૂતે આપી લીલી ઝંડી
આ અનોખી યાત્રાને ૧૭ મેના રોજ સિંગાપુર ખાતેના ભારતીય રાજદૂત જાવેદ અશરફે લીલી ઝંડી આપીને રવાના કરી હતી. પાંચ જુલાઈના રોજ માથુર પરિવાર બ્રિટનના લીડ્સ શહેર પહોંચ્યો હતો. હવે આ પરિવારને ૧૪ જુલાઈના રોજ રમાનારી ફાઇનલ મેચની પ્રતીક્ષા છે.

આ છે યાત્રાપથ
અનુપમ માથુર અને તેમના પરિવારે સિંગાપુરથી કાર સફર શરૂ કરી હતી. મલેશિયા, લાઓસ, થાઇલેન્ડ, ભારત, ચીન, કિર્ગિસ્તાન, રશિયા, ઉઝબેકિસ્તાન, ફિનલેન્ડ, બેલ્જિયમ, જર્મની, ડેન્માર્ક, ફ્રાન્સ, નેધરલેન્ડ અને સ્વિડન પસાર કરીને પરિવાર બ્રિટન પહોંચ્યો હતો. પ્રવાસ દરમિયાન ૨૧ દેશ જોઇ ચૂક્યા છે.


comments powered by Disqus