સંસ્કારસિંચન, સંતતિ અને સંપત્તિ

સી. બી. પટેલ Tuesday 09th July 2019 12:18 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રેક્ઝિટના મામલે બ્રિટનનું રાજકારણ ચકરાવે ચઢ્યું છે. અધૂરામાં પૂરું, નેતાઓ જાતભાતના વિધાનો કરીને વિવાદનો વંટોળ સર્જી રહ્યા છે. ખાસ તો કન્ઝર્વેટિવ પાર્ટીનું સુકાન સંભાળવા (અહીં વાંચો વડા પ્રધાન બનવા) થનગનતા બન્ને ઉમેદવારો. વડા પ્રધાન પદના આ દાવેદારોમાં પણ જેરેમી હન્ટ કરતાં બોરિસ જ્હોન્સન શબ્દોનું બાફણું કરવાના મામલે વધુ આક્રમક, ઉગ્ર જણાય છે. જોકે ટૂંકી દૃષ્ટિના આ નેતાઓ એ નથી વિચારતા. નર્યો વ્યક્તિગત રાજકીય સ્વાર્થ સાધવા માટે થઇ રહેલાં આ વિધાનો - નિવેદનો એક યા બીજા પ્રકારે સમાજના બે વર્ગો વચ્ચે અંતર વધારવાનું કામ કરી રહ્યાં છે.
બોરિસ જ્હોન્સનની વ...ર્ષો લાંબી રાજકીય કારકિર્દી પર નજર ફેરવશો તો જણાશે કે તક ઝૂંટવી લેવાની વાત હોય છે ત્યારે તેઓ નૈતિક્તા, પરંપરા, મૂલ્યો, ધારાધોરણો વગેરે બધું કોરાણે મૂકી દેતાં જરાય ખચકાયા નથી. આ વખતેય કંઇક આવું જ જોવા મળી રહ્યું છે. સત્તાનું સિંહાસન હાંસલ કરવા માટે જાણે તેઓ બહાવરા થયા હોય તેવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે.
જ્હોન્સને ઘોષણા કરી છે કે ‘ઇમિગ્રન્ટસે અંગ્રેજી ભાષા શીખવી જ જોઇશે.’ લ્યો કરો વાત... અલ્યા ભ’ઇ પહેલાં એ તો કહો કે ના પાડે છે કોણ કે તમારે આવી વાણી ઉચ્ચારવી પડી? અમારી ગુજરાતી ભાષામાં અખો સૈકાઓ પૂર્વે કહી ગયો છે કે ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર. ભારતીય ઇમિગ્રન્ટ્સ બ્રિટિશ નાગરિકો સાથે ખભેખભા મિલાવીને આગેકૂચ કરી રહ્યા છે.
તેમણે કંઇ અમસ્તા જ આ સિદ્ધિ હાંસલ નથી કરી, વીતેલા દસકાઓમાં આકરો સંઘર્ષ કરીને આ સ્થાન મેળવ્યું છે.
સાવ સાદી વાત છે. આ ધરતી પર વિહરતા તમામ જીવોમાં વિચારોના આદાનપ્રદાનના મામલે માનવને (ભાષા થકી) સવિશેષ સરળતા છે, સુવિધા છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે અને ખાસ તો પેઢી - દર પેઢી ભાષા થકી જ સંપર્ક સાધી શકાય છે. અને સંસ્કાર સિંચન માટે, સાંસ્કૃતિક વારસાના જતન-સંવર્ધન માટે વડીલો સાથે તેઓ સમજે તે ભાષામાં વાર્તાલાપ કરવામાં, વિચાર-વિનિમય કરવાનું આવશ્યક અને ઉપયોગી હોવાનું સ્વીકારાયું છે. આમાં ખોટું શું છે? આનો મતલબ એવો તો નથી જ થતો કે ભારતીયો સહિતનો ઇમિગ્રન્ટ સમુદાય ઇંગ્લિશ ભાષાની અવગણના કરી રહ્યો છે. ૨૦૧૬માં યુરોપિયન યુનિયન (ઇયુ) મામલે રેફરન્ડમ દરમિયાન બોરિસ જ્હોન્સન અને તેમના કેટલાક સાથીદારોએ સત્ય અને સમજદારીને નેવે મૂકીને કેટલાક વાહિયાત સવાલ ઉઠાવ્યા હતા જે જગજાહેર છે. તે વેળા ઇમિગ્રન્ટ્સ સામેની તેમની સૂગ સ્પષ્ટ તરી આવતી હતી અને અસહિષ્ણુ મતદારોના સમર્થનથી બ્રેક્ઝિટની તરફેણમાં નજીવી સરસાઇ હાંસલ કરી હતી.
ખેર, આ બધી વાતો ગઇકાલની છે. પાણી વહી ગયું છે એટલે તેના પર હરખ-શોક કરવાના બદલે આપણે વર્તમાન પર વધુ ધ્યાન આપીએ તે આવશ્યક છે. ઇમિગ્રન્ટ્સે ઇંગ્લિશ શીખવી જ જોઇશે તેવું કહીને બોરિસ જ્હોન્સન અટકી ગયા છે તેવું નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ‘અહીં આવનાર દરેક ઇમિગ્રન્ટ બ્રિટિશ હોવાની અનુભૂતિ કરે તે અત્યંત આવશ્યક છે. તે માટે ઇંગ્લિશ ભાષા શીખવી જ પડશે.’ વધુમાં પોતાના બેજવાબદાર અભિગમને વધુ ખુલ્લો પાડતાં જ્હોન્સને કહ્યું કે બ્રિટનમાં એવા કેટલાય વિસ્તારો છે, જ્યાં ઇંગ્લિશ લોકોની પસંદગીની પહેલી ભાષા નથી. (મતલબ કે લોકો પોતાની ભાષાને - માતૃભાષાને વિશેષ પ્રાધાન્ય આપે છે.) જ્હોન્સનભાઇ, ભાષાના મામલે આવાં જોકરવેડાં કરવાની જરૂર શી છે? વડા પ્રધાન થવાના અભરખા રાખો છો તો તે માટે જરાક ગરિમા પણ જાળવતાં શીખો. આ દેશની શાસન પ્રણાલી તો શું પોતાના કે શું પારકા - સહુ કોઇને સમાન નજરે જોવામાં માને છે તો તમે કાં વિખવાદના બીજ વાવો? અરે, બ્રિટિશ સંસ્કાર (કલચર) એક નહીં, અનેક સારા લક્ષણો ધરાવે છે. તો ભારતીય સહિતના અન્ય વસાહતીઓ તેમની સાથે સૈકાઓથી સમૃદ્ધ બનેલાં સંસ્કાર વારસાને લઇને આવ્યા છે. એટલું જ નહીં તેને સાચવવા માટે પણ તેઓ એટલા જ આતુર છે, ઉત્સુક છે. અમારું કલ્ચર જ ઊંચું એવી માન્યતામાં રાચવું એ તો ગુરુતાગ્રંથિની ચરમસીમા જ ગણી શકાય.
જોકે વાચક મિત્રો, અન્યો ભલે ગુરુતાગ્રંથિના ખયાલમાં રાચતા, આપણે - ઇમિગ્રન્ટ્સ સમુદાયે - કોઇ પણ જાતની લઘુતાગ્રંથિથી પીડાવાની લગારેય જરૂર નથી.
બ્રિટનમાં વસતાં નાગરિકો એક સમાન કાયદો-વ્યવસ્થા તેમજ એક સમાન તક મેળવી રહ્યા છે. રાજકીય દાવપેચમાં ગળાડૂબ મહત્ત્વાકાંક્ષીઓ એ વાતે કદાચ અજાણ હશે કે નવા ઇમિગ્રન્ટ્સ બ્રિટિશ સંસ્કાર (કલ્ચર)માંથી પણ અનેક આકર્ષક અને જરૂરી પરિમાણો સહજ રીતે આત્મસાત કરતા રહ્યા છે તો સાથોસાથ પોતાના પરંપરાગત પારિવારિક સંસ્કાર વારસાનું પણ સહજ રીતે જતન-સંવર્ધન કરતા રહ્યા છે. આથી જ કહી શકાય કે બ્રિટિશ ભારતીય સમાજ અન્ય ઇમિગ્રન્ટ્સ તો શું, આમ બ્રિટિશ સમાજ કરતાં પણ શિક્ષણ, નોકરી, વેપાર-વણજ વગેરે ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે. એટલું જ નહીં, જેલમાં બંદીવાનોની સંખ્યામાં તેમનું (આપણું) સૌથી
ઓછું પ્રમાણ જોઇ શકાય છે. આ બધું દર્શાવે છે કે તેઓ દેશના કાયદા-કાનૂનને પૂરતા આદર-સન્માન આપે છે.
આધુનિક યુગમાં બ્રિટિશ કલ્ચર વધુ સ્વીકૃતિ પામ્યું છે તેમાં બેમત નથી. સૈકાઓ પુરાણો ગુલામીપ્રથાનો કલંકિત કાળ જ નહીં, આજથી ૩૦૦ વર્ષ પૂર્વે શરૂ થયેલો ઔદ્યોગિક ક્રાંતિનો યુગ પણ હવે ભૂતકાળ બની ગયો છે. સામ્રાજ્યવાદના અંત સાથે બ્રિટિશ સમાજમાં વધુ સમરસતા જોઇ શકાય છે. બ્રિટિશ સમાજના ઉત્થાનમાં નવા આગંતુક ઇમિગ્રન્ટ્સનું અનુદાન પણ અવશ્ય સ્વીકારવું જ રહ્યું.
૧૮૩૫ની સાલમાં ભારત ઉપર ઇસ્ટ ઇંડિયા કંપની રાજ કરતી હતી. તેના શિક્ષણ વિભાગના એક વરિષ્ઠ સનદી અધિકારી થોમસ બેબિંગ્ટન મેકોલેએ ગવર્નર જનરલને માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે સુધારાવધારાના કેટલાક કઢંગા સુચનો કર્યા હતા. મેકોલે ભારતીય પરંપરા અને સંસ્કારથી નાખુશ હતા. પશ્ચિમનો ધર્મ અને નીતિરીતિ સહજ રીતે ભારતીયોને ગળે ઉતારવા માટે મેકોલેએ શિક્ષણ ક્ષેત્રે માતૃભાષાની નાબુદી માટે ભારપૂર્વક રજૂઆત કરી હતી. તેમણે ભારતીયોને ‘કુલી’માંથી ‘બાબુ’ બનાવવા હતા, પરંતુ ૧૮૦ વર્ષ પછી આપણે જોઇ શકીએ છીએ કે કંપની રાજ ગયું, બ્રિટિશ સામ્રાજ્યવાદ રફેદફે થઇ ગયો, પણ આજનું - નૂતન ભારત બ્રિટન સહિત વિશ્વના અન્ય દેશોનું સમોવડિયું બનીને ઉભરી રહ્યું છે.
કારણ?
આપણો વૈવિધ્યપૂર્ણ સંસ્કાર વારસો અનેકપ્રકારે ઉપયોગી છે, લાભદાયક છે. તેને નીજી જીવનમાં રોજબરોજના જીવન સાથે આસાનીથી વણી શકાય છે. આ દેશમાં સાડા ચાર - પાંચ દસકા પૂર્વે રંગદ્વેષ ખુલ્લેઆમ આચરવામાં આવતો હતો. એટલું જ નહીં, તે પીડાજનક પણ હતો. જોકે આપણા સહુ માટે રાહતની બાબત તો એ છે કે એ માઠા દિવસો પણ સમયના વહેણ સાથે વહી ગયા છે. આપણા સમાજે આ બધું સહન કરતાં કરતાં પણ પોતીકી આગેકૂચ જારી રાખી છે. તેને પણ આપણા સંસ્કાર - સંસ્કૃતિનું એક સબળું પાસું જ ગણવું રહ્યું. સંસ્કારી વ્યક્તિનું વલણ નદીના પટ પરના નેતર જેવું કહી શકાય. ભારતીય સનાતન સંસ્કૃતિ યુગો પુરાણી છે અને વધુ શક્તિસભર રીતે શાશ્વત રહી શકવા માટે સક્ષમ છે.
કેટલાક દસકાઓ પૂર્વે આપણા વડીલોનો એક વર્ગ ચિંતા કરતો હતો કે પશ્ચિમી જીવનશૈલી સાથે સંકળાયેલા માઠાં પાસાં આપણી ભાવિ પેઢી માટે નુકસાનકારક સાબિત થશે. પશ્ચિમી જીવનશૈલીનું આકર્ષણ આપણી યુવા પેઢીને આપણા સંસ્કાર, મૂલ્યો, સંસ્કૃતિ અને પરિવારજનોથી વિખૂટાં પાડી દેશે. જોકે - આપણા સહુના સદભાગ્યે - વડીલ વર્ગની આ ચિંતા, ડર, બીક, આશંકા નિરર્થક ઠર્યા છે. આને આપણા સંસ્કાર વારસાની તાકાત ગણો કે પારિવારિક મૂલ્યોના ઊંડા મૂળિયાને યશ આપો, પરંતુ હકીકત આ જ છે.
વાચક મિત્રો, બે ઉદાહરણ સાથે મારી વાતને જરા વિગતે સમજાવું.
તાજેતરમાં ૯૨ વર્ષના એક ડાયાબિટિક વડીલે મને પત્ર લખ્યો. પોતાની જીવનશૈલી જણાવવા માટે વડીલ મહાશયે તેમનું આતિથ્ય માણવા નિમંત્ર્યો હતો. આપણા કન્સલ્ટીંગ એડિટર જ્યોત્સનાબહેન શાહ, તેમના પતિ ડી.આર. શાહ, સહયોગી સુરેન્દ્ર પટેલને લઇને બંદા તો વડીલની મહેમાનનવાજી માણવા. જઇ પહોંચ્યા તેમના હેરોસ્થિત નિવાસસ્થાને. એક જ છત નીચે ત્રણ પેઢીનો વસવાટ. ભારતમાં પણ આવા દૃશ્યો દુર્લભ બની રહ્યા છે ત્યારે પશ્ચિમી દેશમાં એક પરિવારનો આવો સહિયારો વસવાટ જોઇને આનંદ થવો સ્વાભાવિક હતો. શુદ્ધ શાકાહારી ભોજન માણ્યું અને નાના બાળકથી માંડીને સહુ કોઇ સાથે આપણી માતૃભાષામાં જ વિચારવિનિમય કર્યો. યોગ્ય સંસ્કાર સિંચન થકી સુખી-સમૃદ્ધ જીવનશૈલી સહજ રીતે જ પ્રાપ્ત થાય છે, તેનું અહીં જીવંત ઉદાહરણ નિહાળ્યું.
હવે બીજું ઉદાહરણ... તાજેતરમાં બીજો એક શુભ પ્રસંગ સહપરિવાર માણ્યો. એક તેજસ્વી અને સાચા અર્થમાં સંસ્કારી પુત્રવધૂની ૪૦મી વર્ષગાંઠ ઉજવવા પરિવારજનોએ લંડનના સીમાડે ઉભા કરેલા મહાલય શા નિવાસસ્થાને અફલાતુન પાર્ટી યોજી હતી. સોએક જેટલા નજીકના સ્નેહી-સંબંધીઓનો મેળાવડો જામ્યો હતો. ભારતથી આવેલા ગીત-સંગીતના ઉંચા દરજ્જાના કલાકારોએ સંગીતની રસલ્હાણ પીરસીને લોકોના મન મોહી લીધા હતા. રાસ-ગરબાની રમઝટે મનને તરબતર કર્યું તો જાતભાતના શુદ્ધ શાકાહારી વ્યંજનોએ તનને તરોતાજા કર્યું. મોટા ગજાના આ પરિવારે તેમની શાખને શોભે તેવી ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું, પરંતુ ‘છાંટોપાણી’નું ક્યાંય નામોનિશન નહોતું! આપણે સહુ જાણીએ છીએ કે આ દેશમાં નાની-મોટી પાર્ટીઓમાં આલ્કોહોલ સામાન્ય ગણાય છે, પરંતુ અહીં મહેમાનોને દારૂનું ટીપુંય પીરસાયું નહોતું, અને કોઇએ ઇચ્છા પણ વ્યક્ત કરી નહોતી. આ પરિવાર વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે ટોચની હરોળમાં સ્થાન ધરાવે છે, પરંતુ પોતાના ધર્મ-પરંપરા-રીતરિવાજ-મૂલ્યોને તેણે ક્યારેય કોરાણે મૂક્યા નથી. આ મેળાવડામાં મેં ચાર - ચાર પેઢીના સભ્યોને એકમેકના સંગાથમાં આનંદપૂર્વક મોજમજા માણતા નિહાળ્યા હતા.
આવી તો અનેક પ્રવૃત્તિઓ આપણા સમાજમાં નાના-મોટા પાયે ચાલતી જ રહે છે, તેના આપણે સહુ એક યા બીજા સમયે સાક્ષી બન્યા હોઇશું. ખરુંને?! આમ, એક તરફ, આપણો સમાજ એક યા બીજા પ્રકારે સંયુક્ત કુટુંબજીવનને પ્રોત્સાહક, સાત્વિક જીવનશૈલી ધરાવતું, પરંપરા-મૂલ્યોને ઉત્તેજન આપે તેવું આવકારદાયક, પ્રેરણાદાયક આયોજન કરીને બ્રિટનના સંસ્કાર-મૂલ્યોને વધુ સમૃદ્ધ બનાવી રહ્યા છે. તો બીજી તરફ, બોરિસ જ્હોન્સન જેવા નેતાઓ બકવાસ કરીને, ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ સ્થાનિક પ્રજાના દિમાગમાં ઝેર ભરી રહ્યા છે.
એક તબક્કે ભલે કેટલાકના મનમાં સવાલ હતા કે આપણે અહીં આવીને અઢળક સંપત્તિ તો મેળવશું, પણ આસપાસનો માહોલ જોતાં તો લાગે છે કે આપણે સંસ્કાર અને સંતતિથી વિમુખ થઇ જઇશું. પરંતુ આપણે આપણી ભારતીય સંસ્કૃતિ - સંસ્કારના પ્રભાવ થકી અસંભવને સંભવ કરી દેખાડ્યું છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. બ્રિટનનો ગઇકાલનો ઇમિગ્રન્ટ્સ સહજ અને સરળ હતો. આજના ઇમિગ્રન્ટ્સમાં સહજતા અને સરળતા હોવા ઉપરાંત સ્કીલ (કૌશલ્ય)નું નવું પાસું ઉમેરાયું છે. સવાયા બ્રિટિશર્સ એવા આપણે - સવિશેષ ભારતવાસીઓ - સર્વાંગી ક્ષેત્રે વધુ રોનક ઉમેરી રહ્યા છીએ. એટલું જ નહીં, પણ આમ જીવનને વધુ જીવવા યોગ્ય બનાવી રહ્યા છીએ. (ક્રમશઃ)


comments powered by Disqus