અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાની ધરતી પર પગ મૂકનારા પ્રથમ અમેરિકી પ્રમુખ બનવાનું બહુમાન હાંસલ કરી લીધું છે. પ્રમુખ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને આ ઘટનાને ઐતિહાસિક ગણાવી છે. એક રીતે કહીએ તો ‘હિન્દી-ચીની ભાઈ-ભાઈ’ની માફક ‘ટ્રમ્પ-કિમ ભાઈ-ભાઈ’ના નારા લાગે તેવા સંજોગો સર્જાયા છે. પ્રમુખ ટ્રમ્પ અનેક મોરચે લડી રહ્યા છે. એક તરફ, ટ્રમ્પે ઈરાન સામે કઠોર પ્રતિબંધો લાદી વાતાવરણને અશાંત બનાવી દીધું છે તો બીજી તરફ, ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મંત્રણા કરી વેપારયુદ્ધની સ્થિતિ હળવી બનાવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું વર્તન આગાહી કરી શકાય તેમ નથી. તેમણે અચાનક જ ઉત્તર કોરિયા જઈ તાનાશાહ શાસક કિમ જોંગ ઉન સાથે બેઠક પણ યોજી હતી એટલુ જ નહીં, કિમ જોંગને વ્હાઈટ હાઉસની મુલાકાત લેવા માટે પણ આમંત્રણ પાઠવી દીધું છે. ટ્રમ્પે ઉત્તર કોરિયાની ધરતી પર જવાને પોતાના માટે ગર્વની વાત હોવાનું કહ્યું તેની સામે કિમે આ મુલાકાતને અમેરિકન પ્રમુખ સાથે તેમના સંબંધો ઘણા સારાં હોવાનું પ્રતીક ગણાવી છે.
ટ્રમ્પ અને કિમ જોંગની મુલાકાતે આશ્ચર્ય અવશ્ય સર્જ્યું છે કારણ કે, થોડા સમય અગાઉ જ ટ્રમ્પે ઉત્તર કોરિયાને પરમાણુ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી અને ઉત્તર કોરિયા
પણ ધમકીના સૂરમાં ઉત્તર વાળતું હતું. સામે એવો જ ધમકીભર્યો જવાબ આપતું હતું. હવે સ્થિતિ બદલાઇ છે.
કિમ સાથે આ રીતે મુલાકાત થશે તેની કોઈએ કલ્પના કરી ન હતી. કોઈ પણ રાજદ્વારી મંત્રણા વિના જ ટ્રમ્પે ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેના બિનલશ્કરી ઝોનમાં મુલાકાતનો પ્રસ્તાવ મોકલ્યો તેનો કિમે સારો પ્રતિભાવ આપતા તે શક્ય બન્યું હતું. બિનલશ્કરી ઝોનમાં મુલાકાત થઈ ત્યારે કિમે ટ્રમ્પને કહ્યું કે તમે થોડાક કદમ આ તરફ આવશો તો ઉત્તર કોરિયાની ભૂમિ પર પગ મુકનારા પ્રથમ અમેરિકી પ્રમુખ બની જશો. સ્વાભાવિક રીતે સતત સમાચારોમાં ચમકતા રહેવા માગતા ટ્રમ્પને આ વાત ગમી અને ઐતિહાસિક ઘટના બની હતી. અગાઉ, પ્રમુખ રિચાર્ડ નિક્સને ફેબ્રુઆરી ૧૯૭૨માં ચીનની મુલાકાત લઈને ચોંકાવી દીધા હતા.
ટ્રમ્પે ૨૦૧૪ના એક ટ્વીટમાં કહ્યું હતું કે નોર્થ કોરિયા જવું તેમના માટે પૃથ્વી પરનું આખરી સ્થળ હશે. ટ્રમ્પ અને કિમ વચ્ચે સિંગાપુરમાં પહેલી મુલાકાત થઇ ત્યારે પરમાણુ નિઃશસ્ત્રીકરણની દિશામાં વાતચીત આગળ વધે તેમ જણાતું હતું. જોકે, તેની રૂપરેખા નિશ્ચિત થઈ ન હતી. ગત ફેબ્રુઆરીમાં હેનોઈ ખાતે બીજી મુલાકાતમાં મંત્રણાઓ નિષ્ફળ જવા સાથે કડવાશ વધી ગઈ. અમેરિકાની માગણી ઉત્તર કોરિયા પરમાણુ કાર્યક્રમ અટકાવી દે તેની હતી તો સામા પક્ષે ઉત્તર કોરિયા કમરતોડ આર્થિક પ્રતિબંધોમાં રાહત ઈચ્છતું હતું.
બંને નેતાઓ મંત્રણા થકી તણાવ ઘટાડવા અને સંબંધોને સુધારવા સહમત થયાં છે ત્યારે આ મુલાકાત બંને દેશોના સંબંધોને સામાન્ય બનાવશે તેવી આશા અસ્થાને નથી. વિશ્લેષકો ભલે આ મુલાકાતને રાજદ્વારી સ્ટંટ ગણાવે, પરંતુ તે ભવિષ્યની મંત્રણાનો આધાર બની શકે છે તે ન ભૂલીએ.
