અમદાવાદઃ યુએસથી આવેલા એનઆરઆઈનો લેટેસ્ટ વર્ઝનનો આઈફોન-૧૧ પ્રો તાજેતરમાં અમદાવાદ એરપોર્ટના કસ્ટમના કાઉન્ટર પરથી બદલાઈ જતાં આખો મામલો વડા પ્રધાન સુધી પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં અમેરિકાથી આવેલા એક એનઆરઆઈ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. ઈમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરીને કન્વેયર બેલ્ટ પરથી લગેજ લઈને તેઓ કસ્ટમ તરફ આગળ વધ્યા હતા.
કસ્ટમ વિભાગમાં બેગેજ સ્કેનરમાં બોક્સ પેકમાં આઈફોન હોવાથી લગેજ ખોલાવાયું હતું. કસ્ટમના ફોર્મમાં ડિક્લેરેશન કર્યું ન હોવાથી એનઆરઆઈને લગેજ ખોલાવી તેમાં આઈફોન-૧૧ પ્રો હોવાનું જણાવતા કસ્ટમે તેની પર ડ્યૂટી ભરવાનું કહ્યું હતું, પરંતુ એનઆરઆઈ પાસે ભારતીય ચલણ ન હોવાથી તેઓ કાઉન્ટર પર ફોન મૂકીને ટર્મિનલની બહાર એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા. તેઓએ પરત આવીને ડ્યૂટી ભરી. એ પછી ફોન ખુલ્લો જોઈને જ તેમના હોશ ઊડી ગયા હતા.
કસ્ટમને જાણ કરી પણ...
દરમિયાન તેમણે કસ્ટમના ફરજ પરના અધિકારીને જણાવ્યું કે આ મારો ફોન બોક્સ પેક હતો એટલું જ નહીં આઈફોન લેટેસ્ટ વર્ઝન-૧૧ પ્રો હતો. જ્યારે આ ફોન આઈફોન-૧૧ છે. ચિંતાતૂર એનઆરઆઈએ કસ્ટમના અધિકારી સાથે રકઝક કરતાં જણાવ્યું કે, આ મારો ફોન છે જ નહીં. મારો ફોન બોક્સ પેકિંગમાં એસેસરીઝ સાથે હતો. તમે ચેક કરો મારો ફોન ક્યાં ગયો?, પણ કસ્ટમના અધિકારીઓએ ગોળગોળ ફેરવીને વાત કરી અને એનઆરઆઈની વાત માનવા તૈયાર ન થયા.
સીસીટીવી ઓપન કરવા ના!
એનઆરઆઈએ અધિકારીઓને જણાવ્યું કે, સીસીટીવી ઓપન કરાવો તો સામે કહેવાયું કે હાલમાં વર્કિંગ અવર્સમાં કેમેરા ઓપન ન થાય. અંતે એનઆરઆઈ કંટાળીને જૂનો આઈફોન લઈને ત્યાંથી નીકળી ગયા, પણ પછી તેમણે વડા પ્રધાનને ઓનલાઈન રજૂઆત કરીને વિનંતી કરી કે બનાવના દિવસના સીસીટીવી ફૂટેજ ઓપન કરવામાં આવે. હવે સમગ્ર મામલે પીએમઓમાંથી તપાસના આદેશ આવતાં કસ્ટમના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
પીએમઓનો આદેશ છતાં...
પીએમઓના આદેશ પછી યુદ્ધના ધોરણે કસ્ટમે એનઆરઆઈને ફોન કરી બોલાવી ફેરવી તોળ્યું કે આ ફોન કોઈ પેસેન્જર ભૂલથી લઈ ગયો હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું જે અમને પરત કરી ગયો છે. ફોન કોણ લઈ ગયું? તેની ફૂટેજ બતાવવા એનઆરઆઈએ કહેતાં તેમને ફરીથી ફૂટેજ બતાવવાનો ઈનકાર કરાયો હતો. મહત્ત્વનું એ છે કે આઈફોન ૧૧ પ્રોની કિંમત ભારતીય બજારમાં રૂ. ૧ લાખથી રૂ. ૧.૧૩ લાખ છે જ્યારે આઈફોન ૧૧ની કિંમત રૂ. ૬૫થી રૂ. ૭૦ હજાર છે.
