રુથ સ્ટ્રોસ ફાઉન્ડેશનના લાભાર્થે ૧૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવા માટે શ્રી સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી ખાતે ૭ ડિસેમ્બરને શનિવારે યોજાયેલી ૨૪ કલાકની ક્રિકેટ મેરેથોનમાં તમામ વયના ૧૫૦થી વધુ ક્રિકેટરોએ ભાગ લીધો હતો. ઈંગ્લેન્ડના જાણીતા ક્રિકેટર એંગસ ફ્રેઝરે આ નેરેતોનનો પ્રારંભ કરાવ્યો હતો.
સ્વામીનારાયણ સંપ્રદાયના વચનામૃત રચાયું તેને આ વર્ષે ૨૦૦ વર્ષ પૂરા થાય છે તેમજ શ્રી સ્વામીનારાયણ ગાદી પંથના ઈતિહાસના અગ્રણી આધ્યાત્મિક ગુરુ જીવનપ્રાણ અબજી બાપાશ્રીના પ્રાગટ્યને ૧૭૫ વર્ષ પૂરા થાય છે. આ બન્ને પ્રસંગોની ઉજવણીના અંતમાં મંદિરના શ્રી મુક્તજીવન સ્વામીબાપા એકેડેમી ઓફ સ્પોર્ટના ભાગરૂપ સ્વામીબાપા ક્રિકેટ ક્લબ દ્વારા આ ક્રિકેટ મેરેથોનનું આયોજન કરાયું હતું. તેમાં પાંચ વર્ષથી ૬૫ વર્ષની વય સુધીના છોકરાં-છોકરીઓ, પુરુષો અને મહિલાઓએ શનિવારને ૭મીથી રવિવારને ૮મી સુધી સતત ચાલેલી ક્રિકેટ સેશનમાં ભાગ લીધો હતો.
મંદિરના ગ્લોબલ સ્પિરિચ્યુઅલ ગુરુ આચાર્ય સ્વામીશ્રી મહારાજનું માનવું છે કે અન્ય લોકોની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દેવું તે જ ઉત્સવની સાચી ઉજવણી છે. આ ક્રિકેટ મેરેથોન મંદિર ખાતે યોજાતા ધાર્મિક મહોત્સવો સાથે સંકળાયેલું ચેરિટી અભિયાન હતું.
સ્પોન્સરશિપના નાણાંનો પ્રવાહ સતત ચાલુ રહ્યો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ ૧૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવાનો છે. મેરેથોનમાં જે વ્યક્તિએ ભાગ લીધો હતો તે તમામે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન સર એન્ડ્રયુ સ્ટ્રોસે પોતાની પત્ની રુથની સ્મૃતિમાં સ્થાપેલી ચેરિટી રુથ સ્ટ્રોસ ફાઉન્ડેશન માટે ફંડ એકત્ર કર્યું હતું. રુથને ફેફ્સાનું કેન્સર થયું હતું અને તેનું ઓપરેશન થઈ શકે તેમ ન હતું. રુથનું ગયા ડિસેમ્બરમાં મૃત્યુ થયું હતું. તેથી ક્રિકેટ મેરેથોન તેમને યોગ્ય શ્રદ્ધાંજલિ હતી. સર એન્ડ્રયુએ આ પ્રકારના અનુભવમાંથી પસાર થઈ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને લાગણીનો, માનસિક અને મદદરૂપ થવા માટે તેમની યાદમાં આ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. તેઓ ભાગ્યે જ જોવા મળતા ફેફ્સાના કેન્સરના રિસર્ચ માટે પણ ફંડ પૂરું પાડે છે.

