દેશની જનતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપ સરકારને બીજી વખત શાસનસૂત્રો સોંપ્યા ત્યારે ખુશહાલીનો માહોલ હતો પરંતુ, છેલ્લાં કેટલાક સમયથી દેશમાં આર્થિક વિકાસમાં સુસ્તી, ભયનો માહોલ પ્રવર્તી રહ્યો હોવાનું જણાય છે. સરકાર તેની નીતિઓ પરત્વે ટીકા સહન ન કરી શકતી હોવાનો સૂર થોડો વધુ બુલંદ થયો છે. ‘ઈકોનોમિક ટાઈમ્સ’ અખબારના ઈટી એવોર્ડ ૨૦૧૯ કાર્યક્રમ દરમિયાન બજાજ ગ્રૂપના ચેરમેન રાહુલ બજાજે ગૃહપ્રધાન અમિત શાહ તેમજ નાણાં પ્રધાન, રેલવે અને વાણિજ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં પોતાની લાગણી વ્યક્ત કરતા નવો વિવાદ છેડાયો છે. તેમણે લિન્ચિંગ મામલે એક્શનના અભાવ, ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરના વિવાદાસ્પદ નિવેદનો તેમજ કોર્પોરેટ વિશ્વમાં ભારત સરકારની કટુ આલોચના કરવાની ઘટેલી હિંમતનો મુદ્દો ઉઠાવ્યો હતો.
હવે મુખ્ય પ્રશ્ન એ થાય કે કોર્પોરેટ વિશ્વમાં સરકારની કટુ આલોચના કરવાની હિંમત કેમ ઘટી છે? એક કારણ એ છે કે તેમને સરકારી પગલાંનો ભય લાગતો હોય. સરકાર પાસે અમાપ સત્તા છે જેનાથી તે વેપારીઓ કે ઉદ્યોગપતિઓને ડરાવી શકે, તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચાર કે અયોગ્ય આચરણના કેસ કરી શકે. જો, વેપારીઓ કે ઉદ્યોગપતિઓ ખોટું કે ગેરકાયદે આચરણ કરતા ન હોય અથવા લોકો કે સરકારી સંસ્થાઓ સાથે છેતરપીંડી આચરતા ન હોય તો તે સંજોગોમાં તેમના માટે ડરનું કોઈ કારણ રહેતું નથી. અગાઉ, ઈન્ફોસિસના નારાયણ મૂર્તિએ પણ સરકારની ટીકાઓ કરી જ છે. તેમને કોઈ ડર નડ્યો? નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન હોય કે રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન હોય, તેમણે સરકારની યોગ્ય ટીકા કરવામાં જરા પણ પાછીપાની કરી નથી. સરકારની નીતિઓ વિરુદ્ધ ૫૦ હસ્તી દ્વારા ખુલ્લા પત્રો પણ લખવામાં આવે છે અને તેમની વિરુદ્ધ અન્ય હસ્તીઓ પણ પત્ર લખે છે. આ જ દર્શાવે છે કે લોકશાહી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જીવંત છે.
સવાલ પહેલું કોણ બોલે તેનો જ રહે છે. બજાજે કરેલી ટીકા પછી બાયોકોનના કિરણ મજૂમદાર શો, આરપીજી ગ્રૂપના હર્ષ ગોએન્કાએ પણ પોતાની વાત રજૂ કરી છે. સામાન્ય રીતે સરકારની આલોચના કરવી તે ખોટું નથી. ઘણી નીતિઓ રાષ્ટ્ર માટે હિતકારક ન પણ હોય અથવા લાંબા ગાળે તેની અસર થવાની હોય તે શક્ય છે. રાહુલ બજાજે યુપીએ-૨ સરકારમાં કોઈની પણ ટીકા કરી શકાતી હોવાનું ઉદાહરણ આપ્યું હતું. જો તે સમયે ટીકા થઈ શકતી હોય તો અત્યારે શા માટે નહિ? ગૃહપ્રધાન અમિત શાહનો ઉત્તર જરા પણ ખોટો નથી કે ડરનો કોઈ માહોલ નથી કે ડરવાની આવશ્યકતા નથી. સરકારની ત્રુટિ દર્શાવાય તો તેને સુધારવાનો પ્રયાસ થઈ શકે છે.
વર્તમાન સંજોગોમાં સામાન્ય જનતા મોંઘવારી, બેરોજગારીથી ત્રસ્ત છે. લોકોને જો સારી રીતે જીવન ગુજારવા મળે તો સરકાર સામે ફરિયાદનું તેમને કોઈ કારણ રહેતું નથી. બીજી તરફ, સરકારે પણ પારદર્શિતા જાળવી લોકો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓને શી તકલીફ છે તે જાણવા તેમની સાથે સતત સંવાદ કરવાની પણ આવશ્યકતા છે જેથી આવી ફરિયાદ કરવાની જરૂર ન રહે.