વડા પ્રધાન બોરિસ જહોન્સને BAPS નીસડન મંદિરની મુલાકાત લીધી

Wednesday 11th December 2019 05:20 EST
 
 

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જહોન્સને ૭મી ડિસેમ્બરને શનિવારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર - નીસડન ટેમ્પલ - ની મુલાકાત લીધી હતી. યોગાનુયોગ તે દિવસે આ મંદિર તેના પ્રેરક અને સર્જક પ.પૂ. પ્રમુખ સ્વામીનો ૯૮મો જન્મદિન ઉજવી રહ્યું હતું. જહોન્સનની BAPS નીસડન મંદિરની આ ચોથી મુલાકાત હતી. ૨૦૧૨માં તેઓ લંડનના મેયર હતા ત્યારે તેમણે ભારતના નવી દિલ્હીમાં સ્વામીનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. આ વખતની મુલાકાતમાં બ્રિટિશ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ અને તેમના પાર્ટનર કેરી સિમન્ડ્સ સાથે હતા.

મંદિરમાં વડા પ્રધાન જહોન્સનનું પરંપરાગત હિંદુ પદ્ધતિથી સ્વાગત કરાયું હતું. મંદિરમાં પ્રવેશ પહેલા તેમણે શ્રી નીલકંઠવર્ણીને અભિષેક કર્યો હતો. મંદિરમાં તેમણે ભગવાન સ્વામીનારાયણની મૂર્તિને પુષ્પની પાંદડીઓ અર્પણ કરી હતી.

મંદિરની મુલાકાતની સાથે સાથે જહોન્સન BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના જૂના અને નવા વોલન્ટિયર્સને પણ મળ્યા હતા અને પરિવારો, બાળકો તેમજ વડીલો અને સમાજની સેવા માટેની મંદિરની બહુવિધ પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી. વડા પ્રધાન બોરિસ જહોન્સન અન્ય હિંદુ સંસ્થાઓના કેટલાંક અગ્રણીઓ તેમજ હિંદુ કોમ્યુનિટીના સભ્યોને પણ મળ્યા હતા. તેઓ એસેમ્બલી હોલમાં પહોંચ્યા તે પછી મંદિરના હેડ યોગી વિવેકદાસ સ્વામીએ તેમને BAPSના હાલના ગુરુ પૂ. મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પાઠવ્યા હતા. વડા પ્રધાન બોરિસ જહોન્સને સભાને સંબોધન પણ કર્યું હતું અને સૌ પ્રથમ તો યુકેને આ ભવ્ય મંદિરની ભેટ આપવા બદલ પૂ. પ્રમુખ સ્વામીનો આભાર માન્યો હતો.

ત્યારબાદ જહોન્સને પ્રમુખ સ્વામી મહારાજે પારિવારિક સંપ, સેવા અને ફરજ જેવા જે મૂલ્યોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તેની પ્રસંસા કરી હતી. તેમણે ઉમેર્યું,‘ તેમણે અન્ય લોકોની સેવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પી દીધું હતું. જાહેર જીવનમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે જેણે સમાજની આટલા લાંબા સમય સુધી ઉત્કૃષ્ટ સેવા કરી હોય, સખત મહેનત કરી હોય, ઘણાં લોકોને એકસૂત્રમાં બાંધવા માટે ઘણો પરીશ્રમ કર્યો હોય. તેઓ તેમની પાછળ ભવ્ય વીરાસત છોડી ગયા છે જેનું આપણે પાલન કરવાનું છે.’

આવતા વર્ષે ઓગષ્ટમાં આવતી મંદિરની ૨૫મી એનીવર્સરીની ઉજવણી વિશે વડા પ્રધાન જહોન્સને જણાવ્યું,‘ આ મંદિર, દેશને મળેલી શ્રેષ્ઠ ભેટો પૈકીનું એક છે. આ મંદિર માત્ર એક બિલ્ડીંગ નથી, તેનાથી વિશેષ છે. આપ જે ચેરિટેબલ પ્રવૃત્તિઓ કરો છો તેના દ્વારા તમે સમાજને ઘણું પાછું વાળી આપો છો. આ દેશ માટે આપે જે કર્યું છે તે બદલ હું આપ સૌનૌ આભાર માનું છું. લંડન અને યુકે નસીબદાર છે કે તેને આપ મળ્યા છો.’

વડા પ્રધાન જહોન્સને ગ્રેટ બ્રિટનની સંસ્કૃતિ, જાહેર સેવાઓ અને વેપારને સમૃદ્ધ બનાવવામાં બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીએ આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી.

તેમણે મંદિરમાંથી વિદાય લીધી ત્યારે તેમને મેમેન્ટો ભેટ અપાયા હતા.


comments powered by Disqus