શ્વેત બાળક દત્તક લેવાના કેસમાં બ્રિટિશ ભારતીય દંપતીની જીત

Wednesday 11th December 2019 05:44 EST
 
 

લંડનઃ ભારતીય વારસાના કારણે શ્વેત બાળકને દત્તક નહિ લઈ શકાય તેમ જણાવાયા પછી બ્રિટનમાં જન્મેલા શીખ દંપતી સંદીપ અને રીના માન્ડેરે બર્કશાયર કાઉન્સિલ સામે દાખલ કરેલો ભેદભાવનો સીમાચિહ્ન મુકદ્દમો તેઓ જીતી ગયા હતા. જજ મેલિસા ક્લાર્કે જણાવ્યું હતું કે માન્ડેર દંપતી સાથે વંશીય આધારે ભેદભાવ કરાયો હતો. આ દંપતીને ડેમેજીસ પેટે ૧૨૦,૦૦૦ પાઉન્ડ ચૂકવવા કાઉન્સિલને આદેશ કરાયો હતો. માન્ડેર દંપતીએ ૨૦૧૫માં બાળકને દત્તક લેવાની અરજી કરી હતી. દંપતીએ કાઉન્સિલ સત્તાવાળાઓને તેમના પેરન્ટ્સનો જન્મ ભારતમાં થયો હોવાનું જણાવ્યું હતું. સત્તાવાળાએ જણાવ્યું હતું કે તેમની પાસે આ દંપતી માટે ભારતીય બાળક નથી.

મેઈડનહીડના માન્ડેર દંપતીએ જણાવ્યું હતું કે એડોપ્ટ બર્કશાયરે જ્યારે તેમને એમ કહ્યું કે ભારતીય વારસાને લીધે તમારે અરજી માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ત્યારે તેમને સીધો જ વંશીય આધારે ભેદભાવ થયો હોવાનું લાગ્યું હતું.

ચુકાદા બાદ તેમણે જણાવ્યું હતું કે આપ કોઈ પણ જાતિ, ધર્મ અથવા રંગના હો આપની સાથે એકસમાન વર્તન થવું જોઈએ અને અન્ય કોઈ સંભવિત એડોપ્ટરની માફક જ તેમનું મૂલ્યાંકન થવું જોઈએ તે આ ચુકાદો સુનિશ્ચિત કરે છે. અમને લાગ્યું કે પરિવર્તન જરૂરી છે. એડોપ્શન તરીકે જાણીતી આ સરસ પ્રક્રિયા કરવા ઈચ્છતા અન્ય લોકો સાથે અમારા જેવું ન બને તે સુનિશ્ચિત કરવા માટે અમે આ કેસ કર્યો હતો.

માન્ડેર દંપતીએ ઓક્સફર્ડ કાઉન્ટી કોર્ટમાં રોયલ બરો ઓફ વિન્ડસર એન્ડ મેઈડનહીડ કાઉન્સિલ અને એડોપ્શન સર્વિસ ‘એડોપ્ટ બર્કશાયર’ વિરુદ્ધ કાનૂની દાવો માંડ્યો હતો.


comments powered by Disqus