• ૩૭ SUV સામે માત્ર એક ઈલેક્ટ્રિક કારનું વેચાણ !
એક ઈલેક્ટ્રિક કારની સામે ૩૭ સ્પોર્ટ્સ યુટિલીટી કારનું વેચાણ થતું હોવાથી વાહનો દ્વારા થતાં પ્રદૂષણને ઘટાડવાના પ્રયાસોની અવગણના થઈ રહી છે. પેટ્રોલ અને ડીઝલથી ચાલતી મોટી કારની વધી ગયેલી માગ ગ્રીન ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવાના પ્રયાસોની મજાક ઉડાવી રહી હોવાનું અભ્યાસમાં જણાયું હતું.
• કેન્સર સામેની લડાઈ જીતવાની આશા - નિષ્ણાતોનો દાવો
કેન્સરથી પીડાતા લોકોનું જીવન લંબાવવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાનું કહીને નિષ્ણાતોએ જણાવ્યું હતું કે વૈજ્ઞાનિકોએ માત્ર તેનો ઈલાજ શોધવાને બદલે તેમને મદદ કરવા પર ધ્યાન આપવું જોઈએ. ઈન્સ્ટિટ્યુટ ઓફ કેન્સર રિસર્ચ દ્વારા કેન્સરના દર્દીને લાંબુ અને સ્વસ્થ જીવન આપી શકે તેવી દવાઓ આપવા અનુરોધ કર્યો હતો. છેલ્લાં ૪૦ વર્ષમાં કેન્સરનું નિદાન થયા પછી દર્દીના સંભવિત દસ વર્ષના આયુષ્યનું પ્રમાણ વધીને વીસ વર્ષ થયું છે.
• જાતીય સતામણી બદલ £ ૪૪ મિલિયન ચૂકવવા આદેશ
૫૧ વર્ષીય બ્રિટિશ બિલ્યોનેર આલ્કી ડેવિડને જાતીય સતામણી બદલ ૪૪ મિલિયન પાઉન્ડ ડેમેજીસ પેટે પીડિતાને ચૂકવવા માટે આદેશ કરાયો હતો. ડેવિડે જણાવ્યું હતું કે તેમની આ ‘ખરાબ’ છબી તો માત્ર એક મહોરું છે. લોસ એન્જલસની કોર્ટે તેમની એક મીડિયા કંપનીમાં કામ કરતી ૩૬ વર્ષીય પ્રોડક્શન આસિસ્ટન્ટ માહિમ ખાનની જાતીય સતામણી કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા. ડેવિડ આ વર્ષે આવો આ ત્રીજો કેસ હારી ગયા હતા.
• દર વર્ષે વધુ વ્યાજ ચૂકવતા ખર્ચાળ મોર્ગેજ ડીલમાં ફસાયેલા લોકો
ખર્ચાળ મોર્ગેજ ડીલ્સમાં ફસાયેલા લોકો બેંકો અને હેજ ફંડ્સને દર વર્ષે વ્યાજ પેટે વધારાના ૧૨૬ મિલિયન પાઉન્ડ ચૂકવતા હોવાનું સત્તાવાર આંકડાના વિશ્લેષણમાં જણાયું હતું. દર વર્ષે સરેરાશ ૧,૦૦૦ પાઉન્ડ વધારે ચૂકવતા આ લોકો સસ્તા ડીલ્સમાં પણ તેમનું મોર્ગેજ ટ્રાન્સફર કરી શકતા નથી. સ્ટ્રેટફર્ડમાં ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટીના મુખ્યમથક બહાર વળતરની માગણી સાથે સેંકડો ‘મોર્ગેજ પ્રિઝનર્સ’ એકઠા થયા હતા.
• લોકોને શાકાહારી બનાવવા મીટ ટેક્સ નાખવા અનુરોધ
બ્રેક્ઝિટ પછીની યુકેની ફૂડ અને ફાર્મિંગ પોલીસીઝની સમીક્ષા કરનારા ટોચના સરકારી વૈજ્ઞાનિક પ્રો. સર ઈયાન બોયડે જાહેર કર્યું હતું કે તેમણે ફાર્મિંગ ક્ષેત્રે કરેલા કાર્યથી શાકાહારી બન્યા હતા. તેમણે છોડ આધારિત ડાયેટ તરફ વધુ બ્રિટિશર્સને વાળવા માટે ‘મીટ ટેક્સ’ જરૂરી હોવાનું સૂચવ્યું હતું. તેમણે ચેતવણી પણ ઉચ્ચારી હતી કે હવે થોડા દાયકા સુધી જ ખેતી થશે. વિશ્વને ક્લાઈમેટ ચેન્જ સામે લડવાની તક મેળવવી હશે તો લોકોએ ફેક્ટરીઓમાં બનતું ફૂડ જ ખાવું પડશે.
• સિઝેરિયન બાળકોની સ્થૂળ થવાની શક્યતા નહીં
ગર્ભાશયના માર્ગે સામાન્ય ડિલીવરી થયેલા બાળકોની સરખામણીમાં સિઝેરિયન સેક્શન દ્વારા જન્મેલા બાળકો પણ મોટા થઈને સ્થૂળ થાય તેવી શક્યતા ન હોવાનું સંશોધકોએ જણાવ્યું હતું. અગાઉના સંશોધનોમાં સૂચવાયું હતું કે ગર્ભાશય વાટે સામાન્ય જન્મ દરમિયાન કુદરતી બેક્ટેરિયાના સંપર્કમાં આવતા બાળકોના ‘માઈક્રોબાયોમ્સ’ તંદુરસ્ત રહેતા જે તેમને સ્થૂળતા અથવા અસ્થમા જેવી બિમારી સામે રક્ષણ પૂરું પાડતા હતા.
• ફૂડ એલર્જીને લીધે રિએક્શન આવતા યુવતીનું મૃત્યુ
નોર્થ લંડનના વુડ ગ્રીનમાં પોતાના ઘરે ખાવાની વસ્તુની એલર્જીને લીધે રિએક્શન આવતા ૧૮ વર્ષીય શેન્ટ તુરે-થોમસનું ગયા સપ્ટેમ્બર ૨૦૧૮માં મૃત્યુ થયું હતું. ઈન્ક્વેસ્ટમાં જણાવાયું હતું કે મૃત્યુ પહેલા જ તેણે તેની માતાને કહ્યું હતું,‘ મને છાતીમાં દુઃખાવો થાય છે, ગળું સુકાય છે અને મને લાગે છે કે મારું મૃત્યુ થશે.’ તે પછી થોડીવારમાં જ તે બેભાન થઈ ગઈ હતી અને તેના હોઠ વાદળી થઈ ગયા હતા. તે જે વસ્તુ ખાતી હતી તેમાં હેઝલનટ્સ હોવાનું મનાય છે.
• વજન ઉતારવા દસ કલાકના ગાળામાં જ તમામ ભોજન લો
સ્વાસ્થ્યપ્રદ ભોજન ખાવાની વાત આવે ત્યારે વધતી કેલરીને રોકવા માટે ઘડીયાળ જોવાનું સારું રહેશે તેમ અભ્યાસમાં જણાયું હતું. ૧૨ અઠવાડિયા સુધી દરરોજ દસ કલાકના ગાળામાં જ તમામ ભોજન લઈ લેવાથી વધુ પડતું વજન ધરાવતા લોકોનું વજન ત્રણ કિલો જેટલું ઘટી શકે છે. તેમાં સવારે ૮ વાગે બ્રેકફાસ્ટ, બપોરે લંચ અને સાંજે ૬ પહેલા ડીનર તેમજ આ સમયગાળા દરમિયાન પાણી સિવાય બહારનું કશું ખાવું જોઈએ નહીં. પરીક્ષણમાં એમ પણ જણાયું હતું કે તેમનું બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને પેટની ચરબી ઓછી થવાથી હૃદયરોગ, સ્ટ્રોક અને ડાયાબિટીસનું જોખમ પણ ઘટી જાય છે.
• દુષ્કર્મ ગુજાર્યા બાદ બાળકીને વેચી દીધી
શ્રોપશાયરના ટેલફર્ડમાં ૧૨ વર્ષની એક બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેને દેહવિક્રય માટે વેચી દેવાઈ હતી. ત્યારથી વર્ષો સુધી તેનું શોષણ થતું રહ્યું હોવાનું બર્મિંગહામ ક્રાઉન કોર્ટને જણાવાયું હતું. આ મામલે મોહમ્મદ અલી સુલતાન (૩૩), અમજદ હુસૈન (૩૮), મોહમ્મદ રિઝવાન (૩૭), શફીક યુનુસ (૩૫) અને નઝમ અખ્તર (૩૫) પર ચાલી રહેલા બળાત્કાર અને જાતીય હુમલાના કેસમાં તમામે તેમની પરના આરોપોનો ઈન્કાર કર્યો હતો. કેસની ટ્રાયલ ચાલુ છે.
• હાઈ સ્ટ્રીટ સ્ટોર્સ પર સ્કીમમાં જંગી વ્યાજદર વસૂલવાનો આરોપ
બ્રિટનના સૌથી મોટા હાઈ સ્ટ્રીટ સ્ટોર્સ પર ૩૦ ટકા સુધી વ્યાજ વસૂલતી સ્કીમો દ્વારા ગ્રાહકોના ખિસ્સામાંથી લાખો પાઉન્ડ સેરવી લઈને તેમને દેવામાં ડૂબાડવાનો આરોપ મૂકાયો હતો. તેને લઈને ગ્રાહકોને ‘બાય નાઉ પે લેટર’ સ્કીમનો ઉપયોગ કરતા અટકાવવા માટે મોટા સ્ટોર્સને તેમની વેબસાઈટ પર ‘ઓપ્ટ આઉટ’નું બટન મૂકવા અનુરોધ કરાયો હતો.
• ડાયાબિટીસથી પીડાતી માતાના પુત્રોને હૃદયરોગની શક્યતા
ડાયાબિટીસથી પીડાતી માતાના બાળકોને ૪૦ વર્ષની વય પહેલા હૃદયરોગ થવાની શક્યતા ૩૩ ટકા વધી જતી હોવાનું અભ્યાસમાં જણાયું હતું. ડેન્માર્કના સંશોધકોએ માટે નેશનલ રજિસ્ટ્રી ડેટામાં ૧૯૭૭થી ૨૦૧૬ વચ્ચે જન્મજાત હૃદયરોગ વિના જન્મેલા ૨.૪ મિલિયન બાળકોનું વિશ્લેષણ કર્યું હતું.
• મોટી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર BAMEની સંખ્યામાં ઘટાડો
બ્રિટનની સૌથી મોટી કંપનીઓમાં બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનીક (BAME) પશ્ચાદભૂમિ ધરાવતા ડિરેક્ટરોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું હતું. FTSE 100ની ૪૭ કંપનીઓના બોર્ડ અને એક્ઝિક્યુટિવ કમિટીઓમાં BAME પશ્ચાદભૂમિવાળું કોઈ નથી. કુલ પૈકી આ ગ્રૂપના માત્ર ૩.૩ ટકા એટલે કે માત્ર દસ ચેરમેન, ચીફ એક્ઝિક્યુટિવ અને ફાઈનાન્સ ચીફનું બોર્ડ કે એક્ઝિક્યુટિવ કમિટીમાં સ્થાન છે.
