અમિતાભે સંજય દત્ત માટે માર્ગ મોકળો કર્યો

Friday 13th September 2019 07:27 EDT
 
 

અમિતાભ બચ્ચનની ફૂટબોલ આધારિત ફિલ્મ ‘ઝૂંડ’ ૨૦મી સપ્ટેમ્બરે રજૂ થવાની હતી. તેની સાથે સંજય દત્તની ‘પ્રસ્થાનમ્’, વિદ્યુત જામવાલની ‘કમાન્ડો- થ્રી’ અને સોનમ કપૂરની ‘ધ ઝોયા ફેકટર’ પણ રજૂ થવાની હતી. નોંધનીય છે કે ‘ઝૂંડ’માં અમિતાભ ફૂટબોલ કોચની ભૂમિકા ભજવે છે અને તેના દિગ્દર્શક નાગરાજ મંજુળે છે, પરંતુ જયારે બિગ બીને ખબર પડી કે પોતાની ફિલ્મ સાથે સંજયની ફિલ્મ રજૂ થાય છે તો તેમણે પોતાની ફિલ્મની રજૂઆત પાછળ ધકેલી દીધી છે. સંજયના પિતા સુનીલ દત્તે અમિતાભને કારકિર્દીના આરંભે ફિલ્મ ‘રેશ્મા ઓર શેરા’માં બ્રેક આપ્યો હતો. બચ્ચન અને દત્ત પરિવાર વચ્ચે ખૂબ સારા સંબંધો છે. આથી જ બિગ બીએ પોતાના ફિલ્મમેકર સાથે વાત કરીને ફિલ્મની રજૂઆત પાછળ ધકેલી છે. હવે ફિલ્મ ‘ઝૂંડ’ કયારે રજૂ થશે તેની તારીખ નક્કી થઇ નથી, પરંતુ શકયતા તો આવતા વર્ષની જ લાગે છે. જો કે, વિદ્યુતની ફિલ્મને પણ પાછળ ધકેલવામાં આવે એવી શકયતા છે. છેવટે એક જ દિવસે રજૂ થતી સારી ફિલ્મો બોક્સ ઓફિસ પર પટકાઇ પડે છે અને અમિતાભને આ ઇતિહાસનું પુનરાવર્તન કરવું નથી.


comments powered by Disqus