વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ સૃષ્ટિના મંડાણ થયા ત્યારથી જ જીવમાત્ર પ્રેમ ઝંખે છે. પ્રેમના અનેક પ્રકાર. સંતાનનો પ્રેમ, માતા-પિતાનો પ્રેમ, પતિ-પત્નીનો પ્રેમ... આવા તો અનેક પ્રકારના પ્રેમ વિશે આપણે સહુ જાણીએ છીએ. અને ઓછાવતા અંશે અનુભવી પણ ખરા જ ને?! સાચા પ્રેમની નિશાની શું? તેની પરખ કેમ થાય? આવા પ્રેમને જાણવો કેમ? તેને માણવો કેમ? જેવા પ્રશ્નોની કોઇ ભાંજગડમાં પડવાની હું જરૂર જાણતો નથી, અને આવો કોઇ ઉદ્દેશ પણ નથી. હું તો બસ, આજે એક એવા પ્રેમાળ, સમાજ માટે પ્રેરણાદાયી દંપતીની વાત કરવા માગું છું, જેમને હું વર્ષોથી જાણું છું, તેમને અત્યંત સન્માનથી નિહાળતો આવ્યો છું.
મિત્રો, આમ જૂઓ તો એક યા બીજા પ્રસંગે આપના પ્રિય સાપ્તાહિકો ગુજરાત સમાચાર - Asian Voice તેમજ કેટલાય વિશેષાંકોમાં તેમની અદભૂત કહી શકાય તેવી પ્રેરણાદાયી જીવનકથા અમુક અંશે આલેખી જ છે, પરંતુ આવો... આજે આપણે ફરી એક વાર આ પ્રેમાળ - પ્રસન્નતાસભર દંપતીને જાણીએ. તેમના નામ છે - પ્રભાકાંત મણિકાંત પટેલ (વતનઃ પાળજ, જિલ્લોઃ આણંદ) અને કાંતાબહેન કેશવલાલ દવે (વતનઃ ગુજરાત). કાંતાબહેનની એક બીજી ઓળખ આપું તો... તેઓ આપણી માતૃભાષાના મૂર્ધન્ય સર્જક ન્હાનાલાલ દલપતરાય કવિના દોહિત્રી છે. સૌભાગ્યવતી કાંતાબહેન અને પ્રભાકાંતભાઇને હું આદર્શ દાંપત્યજીવનના ઉમદા પ્રતિનિધિ ગણતો આવ્યો છું.
પ્રભાકાંતનો જન્મ પૂર્વ આફ્રિકામાં. ૧૯૪૩માં. કાંતાબહેનનો જન્મ ભારતમાં. ૧૯૨૫માં. બન્નેની વયમાં ખાસ્સો ૧૮ વર્ષનો તફાવત. લંડનમાં નિવાસ કરતાં આ દંપતીના સંપર્કમાં છેલ્લા ચાલીસેક વર્ષથી છું. ૯૪ વર્ષની વયે કાંતાબેન પ્રમાણમાં સારું આરોગ્ય ધરાવે છે. હા, વયના કારણસર અવારનવાર હોસ્પિટલની મુલાકાત લેવી પડે. જોકે ઘર હોય કે હોસ્પિટલ, પતિ પ્રભાકાંત હર પળે અને હર સ્થળે તેમની જે સારસંભાળ લે છે તે કાબિલે તારીફ છે. તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. આપણા સમાજમાં પતિ-પરાયણ પત્નીઓ તો આપ સહુએ ઘણી નિહાળી હશે, પરંતુ પ્રભાકાંત જેવા પત્ની-પરાયણ પતિદેવ જોવાનું સદ્ભાગ્ય બહુ જવલ્લે જ સાંપડતું હોય છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. આજે જ મેં પ્રભાકાંતને ફોન કર્યો હતો, કાંતાબહેનના ખબરઅંતર પૂછવા. થોડાક દિવસ પૂર્વે જાણવા મળ્યું હતું કે કાંતાબહેનને હોસ્પિટલમાં રોકાવું પડ્યું હતું. હવે ઘરે પાછી આવી ગયા છે અને પંખીનો માળો ફરી હર્યોભર્યો થઇ ગયો છે.
પતિ અને પત્ની વચ્ચે ભલે વયનો મોટો તફાવત રહ્યો, પરંતુ તેઓ એકબીજાને સંપૂર્ણ સમજે છે, સાચવે છે. તેમની વચ્ચે સાચા અર્થમાં સહચર્ય હોવાનું આપણે જોઇએ શકીએ છીએ. આ દંપતીને મળનાર - જોનાર વ્યક્તિ પણ અનુભવી શકે એવું પારદર્શક જીવન તેઓ જીવી રહ્યા છે.
વાચક મિત્રો, ચાલો, આવું ઉમદા વ્યક્તિત્વ ધરાવતા દંપતીના પૂર્વજીવન વિશે પણ થોડુંક જાણીએ.
કાંતાબહેને મુંબઇ યુનિવર્સિટીમાંથી ગુજરાતી, ઇંગ્લીશ અને સંસ્કૃતમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. મુંબઇ અને અમદાવાદમાં શિક્ષક તરીકે જ્વલંત કારકીર્દિ. શ્રેષ્ઠ અને કાર્યકુશળ માણસોની બધે જ જરૂર વર્તાતી હોય છે એમ કંઇ અમસ્તું નથી કહેવાયું. ૧૯૫૫માં તેઓ મબાલે સિનિયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. અને ચાર જ વર્ષમાં તેઓ પોતાની ક્ષમતા - સજ્જતાના જોરે શાળામાં સિનિયર મિસ્ટ્રેસ બની ગયાં.
આ જ અરસામાં પ્રભાકાંતભાઇ મબાલેમાં હાયર સ્કૂલ સર્ટિફિકેટનો અભ્યાસ કરતા કરતા બ્રિટીશ ટ્યુટોરિયલ કોલેજ - મબાલેના મેનેજર તરીકે કામ કરતા હતા. પ્રભાકાંતનો એક વિદ્યાર્થી તરીકે શિક્ષિકા કાંતાબહેન સાથે પરિચય થયો. સમયના વહેવા સાથે આ પરિચય વધુ ગાઢ બન્યો અને પ્રેમમાં પરિણમ્યો.
ઉંમરનો તફાવત, જ્ઞાતિનો તફાવત, જન્મસ્થળમાં ફરક. સ્વાભાવિક છે કે બન્ને પરિવારના વડીલો આ સંબંધ અંગે મનમાં મૂંઝાતા હતા, પરંતુ યુવા હૈયાનો પ્રેમ પાક્કો હતો. સહજીવનની બીજી કેડી કેવી રીતે કંડારવી તે મામલે ચિત્ર અસ્પષ્ટ જણાતું હતું. આથી પ્રભાકાંત અને કાંતાબહેન મબાલેમાં જ સ્થાયી થયેલા ટોચના ધારાશાસ્ત્રી અને સમાજસેવક તરીકે આગવી નામના ધરાવતા જશભાઇ એસ. પટેલ (ઉત્તરસંડા)ને મળ્યા. પોતિકી મૂંઝવણ રજૂ કરી. પટેલસાહેબે બધી વાત સાંભળી લીધા બાદ ‘ચુકાદો’ સંભળાવી દીધોઃ સીધી ને સટ વાત છે, જો તમને સમાજની ચિંતા ન હોય તો રજિસ્ટર મેરેજ કરી લો.
વાચક મિત્રો, આ એ સમયગાળાની વાત છે જ્યારે લોકો પર જ્ઞાતિમાં તો ઠીક, સમાન જ્ઞાતિ ધરાવતા એક ગોળના લોકો બીજા ગોળમાં લગ્ન કરતાં પણ ખચકાતા હતા. જ્યારે પ્રભાકાંત અને કાંતાબહેનના કિસ્સામાં તો જ્ઞાતિ પણ અલગ હતી અને વયનો પણ ખાસ્સો તફાવત હતો. પ્રેમીયુગલે બહુ ચર્ચાવિચારણા બાદ સ્વેચ્છાએ, પણ પરિપકવ નિર્ણય કર્યો.
૧૯૬૫માં પ્રભાકાંત પૂર્વ આફ્રિકા છોડીને લંડન આવી ગયા. પાંચેક વર્ષ જાણીતી ખાનગી પેઢીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કર્યું. કંપાલા પરત ગયા અને આઠમી જાન્યુઆરી ૧૯૭૦ના રોજ કાંતાબહેન સાથે રજિસ્ટર મેરેજ કરી લીધા. નવદંપતીએ બ્રિટન પહોંચીને ઘરસંસાર વસાવ્યો. બન્નેએ ૧૪ વર્ષ એક જ પેઢીમાં કામ કર્યું. પછીના ૧૪ વર્ષ પોતાની સબ પોસ્ટ ઓફિસ ચલાવી. આ દરમિયાન તેઓ યુગાન્ડા અને લંડનમાં સાંસ્કૃતિ, સામાજિક, સેવાકીય પ્રવૃત્તિઓમાં હોંશભેર જોડાતા રહેતા હતા.
૨૦૦૨માં પ્રભાકાંતના માતુશ્રી ચંચળબાને અલ્ઝાઇમર્સ અને ડિમેન્શિયાની બીમારીનું નિદાન થયું. કટોકટીના આ સમયે કાંતાબહેન બાને હોસ્પિટલ કે કેરહોમના ભરોસે મૂકી દેવાના બદલે પોતાની સાથે રહેવા લઇ આવ્યા. અને ઉભા પગે તેમની સેવાસુશ્રુષા કરી. અલ્ઝાઇમર્સ કે ડિમેન્શિયાની બીમારીથી પીડાતી વ્યક્તિની સારસંભાળમાં દવા કરતાં પણ પ્રેમાળ, લાગણીસભર કાળજી વિશેષ અસર કરતી હોય છે. દંપતીએ બાને ભરપૂર પ્રેમ આપ્યો. આ વાતનો તો હું પણ સાક્ષી છું. ચંચળબાના ખબરઅંતર પૂછવા એક વખત હું અને મેનેજિંગ એડિટર કોકિલાબહેન ગયા હતા. આ જ અરસામાં ‘ગુજરાત સમાચાર’ના ઉપક્રમે શ્રવણ સન્માન સમારંભ યોજાયો હતો. આ જાહેર સમારંભમાં દંપતીની માતૃસેવાને બિરદાવવામાં આવી હતી. પુત્ર-પુત્રવધૂની લાગણીસભર સેવાચાકરીથી ગદ્ગદ્ ચંચળબા ૮૫ વર્ષની વયે સ્વર્ગવાસી બન્યાં.
નમ્રતા અને સંવેદનશીલતા ધરાવતા સામાન્ય કહેવાય તેવા દંપતિએ જાતકમાઈમાંથી એક કરોડ પચાસ લાખ રૂ.થી વધુ રકમની અસામાન્ય સખાવત કરી દીધી છે. વિરાસતમાં મોટી રકમ પણ ફાળવવા આયોજન કર્યું છે.
વાચક મિત્રો, આપણા સમાજમાં કાંતાબહેન અને પ્રભાકાંતભાઇ જેવા કેટલાય યુગલો હશે જેઓ અન્યો માટે પ્રેરણાદાયી જીવન જીવી રહ્યા હશે. આપ પણ જો આવા કોઇ દંપતી કે પરિવાર વિશે જાણતા હો તો અમને અવશ્ય જણાવશો. આજના ભૌતિકવાદના જમાનામાં મોટા ભાગના સંબંધ સ્વાર્થના ત્રાજવે તોળાઇ રહ્યા છે ત્યારે પોતાની જાત ભૂલીને, પોતાના સુખસગવડને કોરાણે મૂકીને સ્વજનની પ્રેમપૂર્વક સારસંભાળ લેનારા લોકોને આપણે બિરદાવવા જ રહ્યા. અમે આ અખબારના માધ્યમથી આવા સંબંધોની વાત સમાજના બહોળા વર્ગ સુધી પહોંચાડવા માગીએ છીએ. કાંતાબહેન-પ્રભાકાંત જેવું દાંપત્ય એ જીવનનો અદભૂત લ્હાવો છે, ઇશ્વરની અમૂલ્ય દેન છે. આવું ઉમદા, પરોપકારી, સમર્પિત જીવન જોઇએ છીએ ત્યારે આપણું હૈયું પુલકિત થઇ જાય છે. (ક્રમશઃ)

