પીઢ ગાયિકા લતા મંગેશકરનું સુપરહિટ ગીત ‘એક પ્યાર કા નગમા હૈ’ દ્વારા ઇન્ટરનેટ પર છવાઇ જનાઇ રાનુ માંડલ થોડા સમયથી ચર્ચામાં છે. વિધવા રાનુ રેલવે સ્ટેશન પર ગીત ગાઇને પોતાનું ગુજરાન ચલાવતી હતી. એવામાં તેનો વીડિયો વાયરલ થયો અને તેને બોલિવૂડમાં ગીત ગાવા માટેની તક સાંપડી છે. સંગીતકાર હિમેશ રેશમિયાએ તેને ગાયનનો ચાન્સ આપ્યો છે અને બોલિવૂડ દબંગ અભિનેતા સલમાન ખાને મુંબઈમાં તેને રહેવાની સગવડ કરી આપતાં ફ્લેટ અપાવ્યો છે. તેવામાં લતા મંગેશકરે જણાવ્યું કે, મને ખુશી છે કે કોઇની કારકિર્દી બની રહી છે. મારા નામ અને કામથી કોઇનું ભલું થતું હોય તો હું સ્વયંને ભાગ્યશાળી સમજું છું. જોકે મને લાગે છે કે, તમે કોઇની નકલ લાંબા સમય સુધી કરી શકો નહીં. કિશોર દા, મોહંમદ રફી, મુકેશ ભૈયા અને આશા ભોંસલેના ગીત ગાઇને નવા ગાયકો ટૂંકો સમય સુધી જ લોકપ્રિય થઇ શક્યા છે. આવી સફળતા લાંબા સમય સુધી રહેતી નથી. મને આજે ફક્ત સુનિધિ ચૌહાણ અને શ્રેયા ઘોષાલ જ યાદ છે.
પીઢ ગાયિકાએ રાનુને સલાહ આપતાં કહ્યું હતું કે, તારે ઓરિજિનલ થવું પડશે. તમે મારા અને મારા સાથીઓના ગીત ગાતા રહો, તેમાં કોઇ વાંધો નથી, પરંતુ એક સમયે તમારે તમારી સ્ટાઇલ અને ઓળખ બનાવવી પડશે. જો આશાએ પોતે પોતાની સ્ટાઇલ ન બનાવી હોત તો તે ફક્ત મારો પડછાયો બનીને રહી ગઇ હોત.
આશા ભોંસલે આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે ગાયકોએ પોતાની સ્ટાઇલ ડેવલપ કરવી જોઇએ.

