આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો સંબંધો એકબીજાની ગરજ પર રચાતા હોય છે અને ક્યારે તેમાંથી ઉષ્મા દૂર થઈ જાય તેની જાણ થતી નથી. જોકે, ભારત અને રશિયાના સંબંધો જરૂરતના સમયે સાથ આપે તે જ સાચો મિત્રની ઉક્તિને ખરા અર્થમાં સાર્થક કરતી હોવાથી સમયની કસોટીઓમાં પાર ઉતર્યાનું અવશ્ય કહી શકાય. શીતયુદ્ધના ગરમાગરમ દિવસોમાં પણ સોવિયેત યુનિયન અને વર્તમાન રશિયા સાથેના સંબંધોમાં સ્થિરતાનું પરિબળ નોંધપાત્ર રહ્યું છે. સોવિયેત યુનિયન સાથેનો ૧૯૭૧નો મૈત્રીકરાર આજે પણ મજબૂત છે. કાશ્મીર મુદ્દો હોય કે પાકિસ્તાન સાથેનું યુદ્ધ, રશિયાએ ભારતને સતત સમર્થન આપી મિત્રતા નિભાવી છે. હવે બંને દેશોના સંબંધોમાં આર્થિક પરિમાણનો પણ ઉમેરો થયો છે અને ભારતની ભૂમિકા પણ બદલાઈ છે, જે વ્લાદિવોસ્તોકમાં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની તાજેતરની બેઠકમાં સ્પષ્ટપણે બહાર આવ્યું છે. ભારતને રશિયાના પૂર્વીય વિસ્તારોમાં આવેલા ઊર્જા ક્ષેત્રોમાં વિશેષ રસ હોવાથી સક્રિય ભાગીદારીને આગળ વધારી છે.
રશિયાના પૂર્વીય ભાગના વિકાસ માટે ભારતે એક બિલિયન ડોલર એટલે કે તો ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની સોફ્ટ લોન આપવાની જાહેરાત કરી છે. ભારત કોઈ દેશના ચોક્કસ ક્ષેત્રના વિકાસ માટે આટલી જંગી રકમની લાઈન ઓફ ક્રેડિટ આપી રહ્યું હોવાની આ પ્રથમ ઘટના છે. અમેરિકાએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદયા હોવા છતાં ભારતે ઊર્જા અને સંરક્ષણ જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં મોસ્કો સાથે સહકાર વધાર્યો છે. પ્રતિબંધોને અવગણીને ભારતીય કંપનીઓએ રશિયન ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં જ્યારે રશિયન કંપનીઓએ ઊર્જા, સંરક્ષણ અને ભારતમાં ટેક્નોલોજી ટ્રાન્સફરમાં રોકાણ કર્યું છે. ભારતની ઓએનજીસી વિદેશ અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા રશિયાના ઓઈલ અને ગેસ ક્ષેત્રોમાં નોંધપાત્ર રોકાણ કરાયું છે.
બીજી તરફ, ભારત બધા મહત્ત્વના હિસ્સેદારો સાથે મિત્રતાના ધોરણે આગળ વધી રહ્યું છે. આ એક પ્રકારની તટસ્થતાની વિદેશ નીતિ જ છે. ભારત હંમેશાં અમેરિકા અને સોવિયેત યુનિયન પાસેથી મદદની આશા રાખતો દેશ હતો. અત્યાર સુધી મોસ્કો અને નવી દિલ્હીના સંબંધોમાં ભારત દ્વારા સંરક્ષણની આયાતો પરની નિર્ભરતા મુખ્ય બાબત હતી, જે હવે આર્થિક સંબંધોમાં પરિવર્તિત થઈ છે.
ભારત અને રશિયાનો વેપાર પણ રશિયા દ્વારા કાચી સામગ્રીની આયાત અને તૈયાર માલસામાનની નિકાસનો જ હતો. હવે સંજોગો બદલાયા છે. ભારત અને રશિયાના એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમના કરાર હેઠળ ભારતમાં હેલિકોપ્ટર્સ, ફ્રિગેટ્સ, રાઈફલ્સનું ઉત્પાદન કાર્ય હાથ ધરાશે. ભારતીય નૌકાદળ અને વાયુસેના સાથે હજુ વધુ સોદા પણ પાઈપલાઈનમાં છે.
ભારત આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ રહ્યું છે. અમેરિકા, રશિયા, જાપાન હોય કે ચીન, આ બધા દેશોને ભારતનો સહકાર ખપે છે કારણ કે ભારતનું કન્ઝ્યુમર બજાર ગંજાવર છે. રશિયા પણ જાણે છે કે ચીન સાથે તેની વર્તમાન વ્યૂહાત્મક નિકટતા લાંબા ગાળા સુધી રહેવાની નથી. આ સંજોગોમાં ભારત સાથે દીર્ઘકાલીન સ્થિર સંબંધોના નિભાવમાં જ તેને હિત દેખાય છે. તે ચીન પરનો આધાર ઘટાડવા જ એશિયન દેશો સાથે વ્યૂહાત્મક સંબંધો વધારી રહ્યું છે.
