• ૧૮ મિલિયન બ્રિટિશર્સનો ફેસબુક ડેટા લીક થયો
ફેસબુક ડેટા લીક થતાં ૧૮ મિલિયન બ્રિટિશર્સની અંગત માહિતી અને ટેલિફોન નંબરો ગુનેગારોએ મેળવી લીધા હશે તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. અજાણ્યા લોકો દ્વારા દુનિયાભરના લગભગ ૪૨૦ મિલિયન લોકોની વિગતો સોશિયલ નેટવર્ક પરથી હેક કરી દેવાઈ હતી અને કોઈ પણ વ્યક્તિ જોઈ શકે તેવા ફોર્મેટમાં ઓનલાઈન સ્ટોર કરવામાં આવી હતી.
• ગર્ભાવસ્થામાં માતાની એન્કઝાઈટીની અસર બાળક પર પડે
ગર્ભાવસ્થા દરમિયાન જે બાળકોની માતાઓને એન્ક્ઝાઈટી હોય તેમને વયસ્ક થતાં પર્સનાલિટી ડિસઓર્ડર થવાની શક્યતા સાડા ત્રણ ગણી વધી જતી હોવાનું સંશોધનમાં જણાયું હતું. ૧૯૭૦ના દાયકાના મધ્યભાગમાં ફિનલેન્ડમાં જન્મેલા લગભગ ૪,૦૦૦ બાળકોના અભ્યાસ બાદ આ તારણ બહાર આવ્યું હતું.
• ગોળીબાર કરવાની મજાક બદલ વિદ્યાર્થી જેલભેગો
ક્લાસરૂમમાં નકલી ગન સાથે આવીને ગોળીબાર કરવાની મજાક એક યુવકને ભારે પડી હતી. ગયા જૂનમાં એક્સેટર યુનિવર્સિટીમાં મા્ટર્સનો અભ્યાસ કરતો ચીનનો ૨૫ વર્ષીય યીહ ઝિયોંગ નકલી બેરેટા ૯૨ ગન લઈને આવ્યો હતો. આ ગનથી તેણે ‘ગોળીબાર કરવાની’ ધમકી ઉચ્ચારી હતી. એક્સેટર ક્રાઉન કોર્ટે તેને આઠ મહિનાની જેલની સજા કરી હતી.
• દરરોજ બે ડાયટ ડ્રિંક્સથી વહેલા મૃત્યુનું જોખમ વધે
કૃત્રિમ રીતે ગળ્યું બનાવેલું ડ્રિંક્સ દરરોજ બે વખત લેવાથી વહેલા મૃત્યુ થવાનું જોખમ લગભગ ૨૫ ટકા વધી જતું હોવાનું યુરોપમાં અંદાજે ૪૫૦,૦૦૦થી વધુ લોકોના અભ્યાસમાં જણાયું હતું. અભ્યાસનું નેતૃત્વ સંભાળનારા પ્રો. મોર્ફીએ જણાવ્યું કે તમામ પ્રકારના કારણોથી થતાં મૃત્યુ સાથે સુગર દ્વારા ગળ્યા તેમજ આર્ટિફિસિયલ સ્વીટનરથી બનેલા સોફ્ટ ડ્રિંક્સને હકારાત્મક સંબંધ હોવાનું જણાયું હતું.
• બ્રિટનમાં અઢળક કમાણી સામે એમેઝોને નજીવો ટેક્સ ભર્યો
ગયા વર્ષે બ્રિટનમાં બિઝનેસ દ્વારા કુલ ૧૦૯ બિલિયન પાઉન્ડની આવક થઈ હોવા છતાં એમેઝોને યુકેમાં ડાયરેક્ટ ટેક્સ પેટે કુલ ૨૨૦ મિલિયન પાઉન્ડ જ ભર્યા હતા. ડાયરેક્ટ ટેકસેશનમાં એમ્પ્લોયર ટેક્સીસનો ફાળો સૌથી વધુ રહ્યો હતો કારણ કે યુકેમાં એમેઝોન ૨૭,૫૦૦ લોકોને રોજગારી પૂરી પાડે છે.
• યહૂદી ટીવી સ્ટાર્સ લેવા બદલ બીબીસી ફિલ્મની ટીકા
નાઝીઓ વિશેની ડોક્યુમેન્ટરી ફિલ્મમાં ભૂમિકા ભજવવા માટે ડાબેરી પાંખના શિક્ષણવિદને આમંત્રણ આપવા બદલ બીબીસીની ભારે ટીકા થઈ હતી. સેન્ડબર્ગ ઈન્સ્ટિટ્યુટમાં ભણાવતા નોવારા મીડિયાના સિનિયર એડિટર ૨૭ વર્ષીય એશ સરકારને બીબીસી ૨ પર ‘રાઈઝ ઓફ નાઝીસ’ ફિલ્મમાં ભાગ લેવા જણાવાયું હતું.
• યોગ કરવાથી હૃદયરોગના દર્દીઓનું જીવન લંબાઈ શકે
યોગ કરવાથી મોટા હાર્ટ એટેકનો ભોગ બનેલા લોકોનું આયુષ્ય લાંબુ થઈ શકે. હાર્ટ સર્જરી બાદ જે લોકો યોગ, ધ્યાન અને શ્વાચ્છોશ્વાસની વિવિધ ટેક્નીકનો ઉપયોગ કરે છે તેમને યોગ ન કરતા લોકોની સરખામણીએ મૃત્યુની શક્યતા છ ગણી ઓછી રહેતી હોવાનું ૨,૫૦૦ દર્દીઓના અભ્યાસમાં જણાયું હતું. નિષ્ણાતોનું માનવું છે કે યોગ કરવાથી હૃદય મજબૂત બને છે અને બ્લડ સરક્યુલેશનમાં પણ સુધારો થાય છે. વધુમાં, હૃદય પર દબાણ વધારતા શારીરિક તણાવમાં પણ ઘટાડો થાય છે.
• હવેફાર્મસી દ્વારા મફત ઓન- ધ- સ્પોટ હાર્ટ ચેકની સુવિધા
આગામી દસ વર્ષમાં ૧૫૦,૦૦૦ લોકોની જીંદગી બચાવવાની યોજનાના ભાગરૂપે ઈંગ્લેન્ડની હાઈ સ્ટ્રીટ ફાર્મસીઝ આગામી ઓક્ટોબરથી લોકોને મફત ઓન-ધ-સ્પોટ હાર્ટ હેલ્થ ચેકઅપની સુવિધા પૂરી પાડશે. હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ભોગ બનતા લોકોની સંખ્યા ઘટાડવાના એનએચએસ ઈંગ્લેન્ડના અભિયાનમાં રેપીડ ડિટેક્શન સર્વિસનો સમાવેશ થાય છે. તેના દ્વારા રોજિંદી ટોઈલેટરીઝ અને ઓવર- ધ -કાઉન્ટર દવાઓ ખરીદતી વખતે ગ્રાહકોને ફ્રી હેલ્થ ચેકની સુવિધા અપાશે.
• ભારે વ્યાજની પ્રાઈવેટ લોન ન લેવા વિદ્યાર્થીઓેને ચેતવણી
સરકારના ફંડથી ચાલતી સ્કીમો દ્વારા લેવાતા મહત્તમ વ્યાજથી બમણાં કરતાં વધુ વ્યાજ વસૂલતી ખાનગી લોન કંપનીઓ પાસેથી લોન ન લેવા માટે વિદ્યાર્થીઓને ચેતવણી અપાઈ રહી છે. નેશનલ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સ (NUS) વેલ્સના પ્રમુખે વધુ વ્યાજની બાબતને ‘કલંક’ સમાન ગણાવી હતી. વિદ્યાર્થીઓ સરકારની સ્કીમ વિશે જાણતા ન હોવાથી અથવા તો ખાનગી લોન કંપનીઓ દ્વારા લોન વિશે કરવામાં આવતા માર્કેટિંગને લીધે મૂંઝાયેલા હોવાથી તેઓ આ કંપનીઓ પાસેથી લોન લે છે.
• બ્રિટિશ વિદ્યાર્થીઓ વધુ ‘જરૂરતમંદ’ હોવાનો દાવો
બ્રિટિશ વિદ્યાર્થીઓ માગણી કરતા અને તેમને દરેક વાતમાં સહાયની સૌથી વધુ જરૂર રહેતી હોવાનો મેક્સિકો સિટીના સેન્ટર ફોર રિસર્ચ એન્ડ ટીચીંગ ઈન ઈકોનોમિક્સના રિસર્ચ પ્રોફેસર માર્ક એસ્પિનવોલે દાવો કર્યો હતો. તેમણે ઉમેર્યું કે મેક્સિકોમાં વિદ્યાર્થીઓ વધુ ખુશ હોય છે અને તેમને સહાયની ઓછી જરૂર હોય છે.
