ગત ૨૮ ઓગસ્ટને બુધવારે સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (SPMS) યુકેએ ભારતીય ડાયસ્પોરા સાથે મળીને લંડનમાં ઈન્ડિયન જીમખાના ખાતે બાઈકિંગ ક્વિન્સના સન્માન માટે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. લાયકા રેડિયોના રવિ શર્માએ અદભૂત પ્રેઝન્ટેશન દ્વારા દર્શકોનું ધ્યાન ખેંચ્યુ હતું. આ સલુણી સંધ્યાનો પ્રારંભ કેનાપી અને રિફ્રેશમેન્ટ સાથે થયો હતો. ત્યારબાદ ભારતના રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું અને સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી.
સરદાર પટેલ મેમોરિયલ સોસાયટીના ચેરમેન સી બી પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું અને સંસ્થા દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો આપી હતી. સાંસદ વીરેન્દ્ર શર્માએ અદભૂત સાહસ માટે બાઈકિંગ ક્વિન્સને અભિનંદન પાઠવ્યા હતા. ભારતીય હાઈ કમિશનના ફર્સ્ટ સેક્રેટરી (ઈકોનોમિક વિંગ) રોહિત વઢવાણાએ બાઈકિંગ ક્વિન્સના સાહસ અને સફર દરમિયાન તેમણે અનુભવેલી મુશ્કેલીઓનો ટૂંકો ચિતાર આપ્યો હતો.
ગુજરાતની બાઈકિંગ ક્વિન્સ, બાઈકર્સ ડો. સારીકા મહેતા અને રુતાલી પટેલે ૨૧,૦૦૦ કિ.મી, ત્રણ ખંડ અને ૨૧ દેશોનો પ્રવાસ કરીને તેઓ ભારતથી લંડન પહોંચનારી પ્રથમ મહિલાઓ બની હોવાનો દાવો કર્યો હતો. તેમણે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અને ‘રાઈડ ફોર વિમેન્સ પ્રાઈડ’ એમ બે સામાજિક ઉદ્દેશોના પ્રચાર-પ્રસાર માટે આ પ્રવાસ ખેડ્યો હતો.
આ બાઈકિંગ અભિયાનનો પ્રારંભ જૂન ૨૦૧૯માં ઉત્તર પ્રદેશથી થયો હતો. કાર્યક્રમ મુજબ તેઓ ૨૬ ઓગસ્ટે લંડન પહોંચવાના હતા. જોકે, અભિયાન દરમિયાન તેમને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રશિયામાં એક બાઈકરનો પાસપોર્ટ અને અન્ય મહત્ત્વના દસ્તાવેજો ચોરાઈ જતાં તેમને અધવચ્ચેથી પાછા ફરવું પડ્યું હતું. તેટલું ઓછું હોય તેમ ઓગસ્ટના બીજા સપ્તાહમાં આમસ્ટર્ડમમાં હોટલ પાર્કિંગમાંથી તેમના મોટરબાઈક ચોરાઈ ગયા હતા. જોકે, તેમણે આ સાહસપૂર્ણ સફર સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે નવા મોટરબાઈક ખરીદ્યા હતા. ઉપસ્થિત દર્શકોને સંબોધતાં ડો. સારીકા મહેતાએ જણાવ્યું,‘ અમે વિવિધ મુશ્કેલીઓનો સામનો કર્યો, પરંતુ અખતરા અને તકલીફો વચ્ચે પણ અમારો પ્રવાસ ખરેખર જબરદસ્ત રહ્યો. અમે દુર્ગમ વિસ્તારો અને અત્યંત ખરાબ હવામાનમાં પણ બાઈક ચલાવ્યા. પરંતુ, અમે જે લક્ષ્ય રાખ્યું હતું તે અંતે સફળતાપૂર્વક હાંસલ કર્યું.’ રુતાલી પટેલે જણાવ્યું હતું, ‘આંતરરાષ્ટ્રીય પ્રદેશમાં પ્રથમ વખત બાઈક ચલાવવું એ મારા માટે વિશેષ અનુભવ હતો. આ અનુભવે મને કોઈકને કોઈ પણ રીતે મદદરૂપ થવાનો જીવનભરનો પાઠ શીખવ્યો છે.’
બાઈકિંગ ક્વિન્સને મોટરબાઈક પર એશિયા, યુરોપ અને આફ્રિકા એમ ત્રણ ખંડનો પ્રવાસ ખેડવા બદલ તેમજ આ ત્રણેય ખંડોમાં મહિલાઓના ગૌરવ વિશે જાગૃતિ ફેલાવવા બદલ સી બી પટેલ અને સાંસદ વીરેન્દ્ર શર્મા તથા ભારતીય હાઈ કમિશનની ઈકોનોમિક વિંગના ફર્સ્ટ સેક્રેટરી રોહિત વઢવાણાના હસ્તે સરદાર પટેલ – સ્પિરિટ ઓફ યુનિટી સન્માન એનાયત કરાયું હતું. તેમની સફર દરમિયાન ખૂબ જ વિઘ્નો આવ્યા હોવાથી પણ તેમના આ સાહસને ખરેખર બીરદાવવા લાયક હતું.
સરદાર પટેલ મેમોરિયલ સોસાયટીના સેક્રેટરી જનરલ ક્રિશ્રા પૂજારા તેમજ ગીતા ફાઉન્ડેશન, ઈન્સ્પાયરિંગ ઈન્ડિયન વિમેન, સોજીત્રા સમાજ, મંગલમ, હિંદુ મંદિર, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ ઓફ લંડન, વિમેન ટુ વિમેન ડાયમન્ડ ગ્રૂપ, આસામ યુકે, બિહારી કનેક્ટ, એન્ફિલ્ડ સહેલી, યુકે ઓલ લેડીઝ લીગ, ઈન્ડો બ્રિટિશ કલ્ચરલ એક્સચેન્જ, હરિયાણા ઈન યુકે, અનૂપમ મિશન, લોહાણા મહાપરિષદ અને અન્ય કોમ્યુનિટીઝ દ્વારા બાઈકિંગ ક્વિન્સનું શાલ ઓઢાડીને તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરાયું હતું.
આભાર પ્રવચનમાં પ્રવિણભાઈ જી પટેલે જણાવ્યું હતું કે સરદાર પટેલ વિના અખંડ ભારત ન હોત. તેમણે કાર્યક્રમને સહકાર આપવા બદલ તમામ કોમ્યુનિટી સંસ્થાઓ, મેનેજમેન્ટ ઓફ ઈન્ડિયન જીમખાનાનો અને ખાસ કરીને મેહદૂત સલિમી, હિતેન્દ્ર શેઠ અને કમિટી સભ્યોનો તેમાં પણ રેમી રેન્જર, જીતુભાઈ પટેલ, જી પી દેસાઈ, રાજેશ પટેલ, શરદ પરીખ, ક્રિશ્રા પૂજારા, કલા પટેલ, જયરાજભાઈ અને સુલોચના સેઠીનો આભાર માન્યો હતો.
સ્વાદિષ્ટ ડિનર, નેટવર્કિંગ અને ફોટો સેશન્સ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
સંપર્ક. ક્રિશ્રા પૂજારા 07931 708 028

