હમ હોંગે કામિયાબનો મહામંત્ર

Tuesday 10th September 2019 12:21 EDT
 

શુક્રવાર અને શનિવારની સંધિરૂપ રાતે સમગ્ર વિશ્વના લોકો મહાન ભારતની મહાન સિદ્ધિને નિહાળવા આતુર હતા અને અચાનક ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું મિશન ચંદ્રયાન-૨નું સ્વપ્ન રોળાઈ ગયું. મોં નજીક આવેલો કોળિયો છીનવાઇ જાય તેમ ૩,૮૪,૪૦૦ કિલોમીટરના અંતરે ચમકતા ચંદ્રની અંધારી ધરતીથી માત્ર ૨.૧ કિલોમીટરના અંતરે રહેલા લેન્ડ રોવર વિક્રમ સાથે ઇસરોના વડા મથકનો અચાનક સંપર્ક તૂટી ગયો. જાણે લોકોના ધડકતાં દિલ બંધ થઈ ગયાં અને નિરાશા-ગમગીની વ્યાપી ગઈ. જોકે, આપણે ગુજરાતના મહાકવિ મણિલાલ નભુભાઈ દ્વિવેદીના શબ્દો યાદ રાખીએ કે ‘કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે.’ કસોટીઓ અને મુશ્કેલીઓ તો આવતી રહે છે, પરંતુ આ મિશનના વિજ્ઞાનીઓ ધન્ય છે કે તેમણે પડકારોનો મક્કમતાપૂર્વક સામનો કર્યો છે. અવકાશક્ષેત્રે ઈતિહાસના સર્જનથી માત્ર બે ડગલાં દૂર રહેવાથી આભ તૂટી પડ્યું નથી કે પડવાનું નથી. જોકે, ભારતના નાગરિકો અને રાજકીય નેતાઓ અને પક્ષોએ આ ઘડીએ પણ પોતાના વૈજ્ઞાનિકોની પીઠ થાબડીને તેમને બિરદાવ્યા છે.
ઇસરોના સંસ્થાપક ડો. વિક્રમ સારાભાઇના નામ પરથી રાખવામાં આવેલા અને ૧,૪૭૧ કિલોગ્રામનું વજન ધરાવતું વિક્રમ લેન્ડર તેમજ ૨૭ કિલોગ્રામનું પ્રજ્ઞાન રોવર કામ કરી ન શક્યાં, ચંદ્રયાન-૨ મિશન ભલે અપેક્ષા મુજબ આગળ વધ્યું ન હોય, પરંતુ ૯૫ ટકા સફળતા તો હાથ લાગી જ છે. આનું કારણ એ છે કે ચંદ્રયાન-૨નું ઓર્બિટર હજુ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહી પોતાનું કામ કરી રહ્યું છે. તેના દ્વારા પણ મહત્ત્વપૂર્ણ માહિતીભંડાર મળવાનો છે. દેશભરમાં ભલે નિરાશાનો માહોલ છવાયો હોય પરંતુ ઇસરોના વડા કે. સિવને કહ્યું હતું કે અમે ટુંક સમયમાં સારા સમાચાર અવશ્ય આપીશું. અને આવું જ થયું છે. તેમણે લેન્ડરની ભાળ મળી ગયાની જાહેરાત કરી છે. હવે તેની સાથે સંપર્ક સ્થાપિત કરવા પ્રયાસ ચાલી રહ્યા છે અને ચાલુ જ રહેવાના છે.
કોઇ પણ સ્પેસ મિશન કોઇ એક બાબત પર આધારિત નથી હોતું. દરેક મિશનના જુદાં જુદાં તબક્કા હોય છે અને દરેક તબક્કો નવી માહિતી આપે છે. ઇસરોના વૈજ્ઞાનિકો ૧૧ વર્ષથી દિવસ-રાત આ સપનાને હકીકતમાં બદલવાની કોશિશમાં લાગેલા હતા. વિશ્વમાં સૌપ્રથમ વખત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવાની તૈયારીનો માર્ગ પણ સરળ પણ ન હતો. ઇસરો પાસે પોતાનું લેન્ડર ન હતું. રશિયાની સ્પેસ એજન્સી પાસેથી લેન્ડર મળવાનું હતું, પરંતુ કોઈ કારણસર શક્ય બન્યું નહિ. આ સમયે ઇસરોના વૈજ્ઞાનિકોએ હિંમત હાર્યા વિના જ અપના હાથ જગન્નાથના ધોરણે લેન્ડર વિકસાવ્યું, ટેકનિકલ મુશ્કેલીઓના લીધે લોન્ચિંગની તારીખો પણ બદલવામાં આવી. આમ છતાં, ગત ૨૨ જુલાઇએ અવકાશમાં ચંદ્રયાન-૨ના પ્રક્ષેપણ પછી તેને ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરવું, નિર્ધારિત ઊંચાઇએ પહોંચાડવું, યાનનો પાંચ વખત કક્ષામાં બદલાવ, ચંદ્રયાનના ઓર્બિટર અને લેન્ડરને અલગ પાડવા સહિતના કાર્યો સારી રીતે પૂર્ણ કરાયા જ છે. આ કાર્યોમાં ટેકનોલોજીની કોઈ નિષ્ફળતા નથી. લેન્ડર અને રોવરની કામગીરી ચંદ્રની સપાટી અને વાતાવરણ સંબંધિત જાણકારી, તાપમાન તેમજ ચંદ્રની ભૂમિ પર આંતરિક ઉથલપાથલ અથવા તો સીસ્મિક પ્રવૃત્તિના અભ્યાસની હતી. આ સિવાય ચંદ્ર પર પાણી હોવા સહિતની મહત્ત્વપૂર્ણ માહિતી મેળવવાનું કાર્ય ઓર્બિટરનું છે જે હજુ પણ કાર્યરત છે.
સમગ્ર વિશ્વના વિજ્ઞાનીઓ અને અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ભારતીય મિશન અને ઈસરોના વૈજ્ઞાનિકોની ભારે સરાહના કરી છે. નાસા કહે છે તેમ મૂન મિશન અઘરાં હોય છે. ગત ૬૦ વર્ષમાં ૧૦૯ મૂન મિશનમાંથી ૬૧ને સફળતા પ્રાપ્ત થઈ છે. આટલા મોટા પ્રોજેક્ટને સ્વદેશમાં અને સ્વદેશી ટેકનિકથી તૈયાર કરીને ચંદ્ર સુધી પહોંચાડવાની ક્ષમતાએ ભારતની કાબેલિયત સિદ્ધ કરી છે. પાકિસ્તાન જેવા દેશો અને ભારતમાં પણ કેટલાક લોકો ભલે નિષ્ફળતાના ગાણાં ગાઈને પોતાને વામણા સિદ્ધ કરે, પરંતુ ભારત અને વૈજ્ઞાનિકોની સ્થિતિ વિશે આપણે અવશ્ય કહી શકીએ કે માંહી પડ્યા તે મહાસુખ માણે દેખણહારા દાઝે જોને. ભારતે સાબિત કરી દીધું છે કે અંતરિક્ષની દોડમાં દુનિયાની લાઇનમાં ઉભું રહેવામાં કાબેલ થઇ ચૂકયું છે. સમાનવ ગગનયાન સહિત ઇસરોના બધા જ મિશન નિશ્ચિત સમયે પૂરા થશે તેમાં કોઈ બેમત નથી.


comments powered by Disqus