વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે વાજતેગાજતે સત્તાગ્રહણ કરી લીધું છે અને કામકાજનો શુભારંભ પણ થયો છે. ભારે બહુમતીની સરકાર સામે મજબૂત વિરોધ પક્ષ નથીની કાગારોળ પણ ચાલી રહી છે ત્યારે એક પ્રશ્ન અવશ્ય કરવો જોઈએ કે મુખ્ય રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો પાસે સાથે મળીને મજબૂત વિપક્ષ બનાવવાની તક હતી પણ તેમણે ખુદ આ તકને રોળી નાખી છે. સમગ્ર દેશમાં એક મહાગઠબંધન રચવામાં સાથ આપવાના બદલે કોંગ્રેસે અલગ રાહ અપનાવી. આંધ્ર પ્રદેશના ચંદ્રાબાબુ નાયડુ અને બંગાળમાં મમતા બેનરજીએ પણ જોરશોરથી મહાગઠબંધનના નારા લગાવ્યાં, પરંતુ સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદી અને ભાજપનો વિજયરથ અટકાવી ન શકાયો. હવે, કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોમાં પરાજયનું ઠીકરું કોના માથે ફોડવું તેની ભારે મથામણ ચાલી રહી છે.
એક વાત અવશ્ય કરવી જોઈએ કે સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવ અને બસપાના સુપ્રીમો માયાવતીએ ઉત્તર પ્રદેશમાં ગઠબંધન કર્યુ અને થોડો સમય નિભાવ્યું પણ ખરું. બંને પક્ષો એક સમયના હરીફ અને દુશ્મન પણ હતા. જોકે, યુવાન અખિલેશની નજર દૂર સુધી હતી કે બંને પક્ષ સાથે મળે, દલિત, મુસ્લિમ અને યાદવ મત એક થાય તો માત્ર લોકસભાની ચૂંટણી પૂરતા જ નહિ, આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ સાથે મળીને ભાજપ સામે મજબૂત હરીફ તરીકે લડી શકાય અને ચૂંટણીની વૈતરણી પાર થઈ શકે. માયાવતીની તો વાત જ અલગ છે. તેમની નીતિ સામેના પક્ષનો ઉપયોગ કરી સત્તા નજીક પહોંચવાની છે. ગઠબંધનના મામલે અખિલેશ નવા નિશાળિયા કહેવાય, પરંતુ માયાવતી અનેક કોઠા પાર કરી ચુકેલાં રાજકારણી છે. આથી, તેઓ માયાવતીની રમત સમજી શકતા નથી. તેમના પિતા ‘નેતાજી’ મુલાયમ સિંહ યાદવ અને ‘બહનજી’ માયાવતી વચ્ચે ડખો ન થાય તે માટે તેમણે માયાવતી સાથે ‘બુઆજી’નો સંબંધ પણ વિકસાવ્યો હતો. મુલાયમ સિંહે અખિલેશનો ભ્રમ દૂર કરવા અનેક નિષ્ફળ પ્રયાસો પછી હથિયાર છોડી દીધા અને માયાવતી સાથે ચાલવાનો નિર્ણય કર્યો. કોંગ્રેસને સાથે રાખવાના આગ્રહને માયાવતીએ ફગાવી દીધો હોવાં છતાં, ભવિષ્યને ધ્યાનમાં લઈ અખિલેશ યાદવ આ બલિદાનનો પ્રયોગ કરવા આગળ વધ્યા તે સારા રાજકારણીનું વર્તન હતું.
માયાવતીની વડા પ્રધાન બનવાની મહેચ્છા જગજાહેર છે. અખિલેશ તેમને આ માટે ટેકો આપે તેના બદલામાં અખિલેશને રાજ્યના મુખ્ય પ્રધાન બનાવવાની યોજના હતી. લોકસભાની ચૂંટણીમાં ‘મોદીસુનામી’ પરિણામો પછી વડા પ્રધાન બનવાની માયાવતીની આશા અધૂરી રહી ગઈ એટલે મુખ્ય પ્રધાનની ખુરશી પર તેમની નજર રહી. આથી જ, ગઠબંધન તોડવાની અને પેટા-ચૂંટણીઓ એકલા હાથે લડવાની જાહેરાત કરવા સાથે તેમણે ‘બુઆજી’ના સંબંધનો અખિલેશનો ભ્રમ તોડી નાખ્યો છે. રાજકારણમાં કોઈ કોઈનો સગો રહેતો નથી. સમાજવાદી પક્ષના સપોર્ટથી લોકસભામાં માયાવતીના શૂન્ય સાંસદ હતા તે વધીને ૧૦ થઈ ગયા એટલે અખિલેશ નામના પગથિયાને તેમણે તોડી નાખ્યું.
અખિલેશ યાદવની સ્થિતિ તો ‘લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ’ જેવી થઈ છે. તેમને માત્ર પાંચ બેઠક મળી હોવાથી ગઠબંધનનો કોઈ વિશેષ લાભ મળ્યો નથી. પ્રયોગ નિષ્ફળ પણ જઈ શકે અને સફળ થાય તો સત્તા પણ મળી શકે. અખિલેશ યાદવની વ્યૂહરચના તો સારી હતી, પરંતુ સાથીદારની પસંદગી ખોટી હતી. હવે ઉત્તર પ્રદેશની પેટા-ચૂંટણીઓ અને ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીઓ પર સહુની નજર છે. લોકસભાના નિરાશાજનક પરિણામો પછી મુલાયમ સિંહ યાદવ પરિવાર તથા યાદવ, મુસ્લિમ, પછાત વર્ગ અને દલિત જનાધારને એક કરવામાં લાગી ગયા છે. માયાવતી પણ મેદાનમાં છે ત્યારે કોંગ્રેસ શું કરશે તેની કોઈ ખબર નથી. ઉત્તર પ્રદેશમાં યોગીલહેર ભલે નહિ હોય પણ મોદીલહેર તો રહેશે તેમાં કોઈ શંકા નથી.
