બિઝનેસ સામયિક ‘ફોર્બ્સ’ દ્વારા અમેરિકાની ૮૦ ધનવાન મહિલાઓની યાદી જાહેર કરાઇ છે, જેમાં ત્રણ ભારતીય-અમેરિકન મહિલાઓ જયશ્રી ઉલ્લાલ, નીરજા શેઠ અને નેહા નારખેડે સ્થાન મેળવ્યું છે. આ ત્રણ મહિલાઓની કુલ સંપત્તિનો આંકડો અધધધ ૧૯૦૪૪ કરોડ રૂપિયાને આંબે છે. યાદીમાં ૨૧થી ૯૨ વર્ષના અમેરિકન મહિલા ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ થાય છે.
કમ્પ્યુટર નેટવર્કિંગ ફર્મ અરિસ્તા નેટવર્ક્સના પ્રેસિડેન્ટ જયશ્રી ઉલ્લાલની સંપત્તિ ૧.૪ બિલિયન ડોલર છે. અમેરિકાનાં ધનવાન ઉદ્યોગ સાહસિકોમાં તેમણે ૧૮મું સ્થાન મેળવ્યું છે. સિન્ટેલના સહસ્થાપક નીરજા શેઠી ૧ બિલિયન ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં ૨૩મા ક્રમે છે. નીરજા અને તેમના પતિ ભરત દેસાઈએ ૧૯૮૦માં ૨૦૦૦ ડોલરની રકમથી કંપનીની શરૂઆત કરી હતી. ગયા વર્ષે આ કંપનીને ૩૪૦ કરોડમાં ફ્રાન્સના બિઝનેસમેને ટેકઓવર કરી છે. જ્યારે સ્ટ્રીમિંગ ડેટા ટેકનોલોજી કંપની કોફ્લુઅન્ટના સહસ્થાપક નેહે નારખેડે ૩૬૦ મિલિયન ડોલરની સંપત્તિ સાથે યાદીમાં ૬૦મા ક્રમે છે.
‘ફોર્બ્સ’ લિસ્ટમાં એસીબી સપ્લાય કંપનીના પ્રમુખ ડાએન હેન્ડરિક્સન ૭ બિલિયન ડોલરની સંપત્તિ સાથે પ્રથમ ક્રમે છે. જાણીતી ઓનલાઇન શોપિંગ કંપની ઈ-બેના સીઈઓ મેગ વાઈટમેન ૩.૮ બિલિયન ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે અને સીઝર્સ પિત્ઝાના સહસ્થાપક મેરિયન ઈલિચન ૩.૭ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. આ યાદીમાં ઓપ્રા વિન્ફ્રે ૧૦મા સ્થાને જ્યારે રિઆલિટી ટીવી સ્ટાર કાયલી જેનર ૧૩મા ક્રમે છે.
ભારતવંશી મહિલા ઉદ્યોગસાહસિકો વિશે જાણવા જેવું
જયશ્રી ઉલ્લાલ
કમ્પ્યુટર નેટવર્કિંગ ફર્મ અરિસ્તા નેટવર્ક્સનાં સીઈઓ અને પ્રેસિડેન્ટ જયશ્રી ઉલ્લાલનો જન્મ લંડનમાં થયો છે. તેમણે દિલ્હીમાં પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ કર્યો હતો. તેમણે અમેરિકાની સાન ફ્રાન્સિસકો યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. ૧૯૯૩માં સિસ્કો સિસ્ટમ સાથે કામ શરૂ કર્યું હતું. ૨૦૦૮માં કંપનીના સ્થાપકોએ જયશ્રી ઉલ્લાલને કંપનીના સીઈઓ અને પ્રેસિડેન્ટ બનાવ્યા હતા. જયશ્રી ઉલ્લાલ કંપનીના ૫ ટકા શેર ધરાવે છે. તેમના નેતૃત્વમાં કંપનીએ અમેરિકામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
નીરજા શેઠી
ગુજરાતી મૂળના ઉદ્યોગ સાહસિક ભરત દેસાઈ સાથે મળીને નીરજા શેઠીએ અમેરિકામાં ૧૯૮૦માં સિન્ટેલ કંપની સ્થાપી હતી. એ વખતે માત્ર ૨૦૦૦ ડોલરમાં શરૂ થયેલી કંપની આજે ૧.૩૦ બિલિયન ડોલરની નેટવર્થ ધરાવે છે. નીરજા શેઠીની સંપત્તિ ૧૦૦ કરોડ ડોલર છે. ફ્રાન્સની કંપનીએ સિન્ટેલનો હિસ્સો ખરીદ્યો ત્યારે નીરજાના શેરના બદલામાં તેમને લગભગ ૫૧ કરોડ ડોલરનો હિસ્સો મળ્યો હતો એવો દાવો અહેવાલોમાં થયો હતો. ભારતીય મૂળના સૌથી શક્તિશાળી દંપતીમાં નીરજા-ભરતનો સમાવેશ થાય છે.
નેહા નારખેડે
સ્ટ્રીમિંગ ડેટા ટેકનોલોજી કંપની કોફ્લુઅન્ટના સહસ્થાપક નેહા નારખેડેની સંપત્તિ ૨૪૮૪ કરોડ ડોલર છે. છેલ્લી ત્રણ-ચાર વર્ષથી ‘ફોર્બ્સ’ની યાદીમાં તેમનો સમાવેશ અચૂક થાય છે. ૩૪ વર્ષના આ મહિલા ઉદ્યોગ સાહસિક તેમના પુસ્તક માટે પણ અમેરિકામાં જાણીતા છે. સોફ્ટવેર એન્જિનિયર નેહાએ અપાચે કાફ્કા નામનું પ્લેટફોર્મ બનાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. ડેટાનો સોર્સ જાણવા માટે આ કંપની ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

