થેરેસા મેઃ બ્રેક્ઝિટે અપાવી ગાદી અને એક્ઝિટ

Wednesday 12th June 2019 06:28 EDT
 

આખરે વડા પ્રધાન થેરેસા મેએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સલાહને ગણકાર્યાં વિના જ પોતાની જબાન પર મક્કમ રહીને પદત્યાગ કરી દીધો છે. હવે તેઓ - કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતાની વરણી ન થાય ત્યાં સુધી - કાર્યવાહક વડા પ્રધાન તરીકે હોદ્દો સંભાળવાના છે, જે કદાચ જુલાઈ મહિનાના અંત સુધી હોઈ શકે છે. થેરેસા મેએ ટોરી પાર્ટીના હોદ્દાનો સત્તાવાર ત્યાગ કર્યો તેનો કોઈ સમારંભ પણ ન યોજાયો કે લગભગ કોઈએ તેની નોંધ પણ ન લીધી કારણ કે બધું પહેલેથી નિશ્ચિત હતું. તેમના નેતાપદના આખરી દિવસે પણ પીટરબરા પેટા-ચૂંટણીમાં ટોરી પાર્ટીનો કરુણ રકાસ તેમને નિહાળવો પડ્યો છે. વિધિની વિચિત્રતા તો એ છે કે બ્રેક્ઝિટના કારણે તેમને વડા પ્રધાન પદ મળ્યું અને બ્રેક્ઝિટના કારણે જ આ પદ ગુમાવવાનો વારો આવ્યો. તત્કાલીન વડા પ્રધાન ડેવિડ કેમરને ૨૦૧૬માં યુરોપિયન યુનિયન (ઈયુ)થી અળગા થવાનો જુગાર ખેલી લીધો અને વિભાજીત મત સાથે બ્રિટિશ પ્રજા ઈયુમાં જ રહેવા જનાદેશ આપશે તેવો તેમનો વિશ્વાસ ખોટો પડ્યો. કેમરનના તાત્કાલિક રાજીનામા પછી શાસક ટોરી પાર્ટીના નેતાપદની ચૂંટણીમાં આન્દ્રેઆ લીડસોમે પીછેહઠ કરી અને હોમ સેક્રેટરી થેરેસા મેના મોંમાં વડા પ્રધાન પદનું પતાસું આવી પડ્યું.
બ્રિટનને ઈયુમાંથી બહાર લઈ જવાના વચન સાથે થેરેસા મેએ દેશના દ્વિતીય મહિલા વડા પ્રધાન પદનો કાંટાળો તાજ પહેરી લીધો. શરૂઆત ૨૦૧૭ની સામાન્ય ચૂંટણી કરાવવાના ખોટા નિર્ણયથી હાઉસ ઓફ કોમન્સમાં બહુમતી ગુમાવવા સાથે થઈ અને ડીયુપીની શરતો માન્ય રાખીને ટોરી પાર્ટીની સરકાર તો બનાવી, પરંતુ તેમનો મોટા ભાગનો સમય બ્રેક્ઝિટની વાટાઘાટોમાં જ વીતી ગયો અને સમજૂતી શક્ય બની તે પાર્લામેન્ટમાં ત્રણ ઐતિહાસિક પરાજયથી અશક્ય જ બની રહી છે.
થેરેસા મેને કયા સંજોગો અને કારણોસર રાજીનામું આપવું પડ્યું છે તે જગજાહેર છે. જ્યારે સેના જ સેનાપતિને હટાવી દેવાની વાત કરે તો સેનાપતિ કોની સામે લડે? વિશ્વ જીતવા નીકળેલા ખ્યાતનામ સેનાપતિ સિકંદર કે એલેકઝાન્ડર ભારત આવ્યા પછી તેમની સેનાએ બળવો કર્યો અને તેમને પાછા ફરવાની ફરજ પડી હતી. લગભગ આવું જ થેરેસા મે સાથે થયું છે. થેરેસા મેની ખામીઓ તો ઘણી હશે. આમ છતાં, બ્રેક્ઝિટ તેમણે ઉભી કરેલી સમસ્યા ન હતી. આ સમસ્યા તેમના પર થોપી દેવાઈ હતી. દેશના વડા પ્રધાન તરીકે પાર્ટી અને પ્રજાનો પૂરતો વિશ્વાસ નહિ મેળવી શકેલાં થેરેસા મેએ પાર્લામેન્ટમાં ચોથી વખત હાર ખમવાના બદલે આ ભાર પક્ષના આગામી નેતા અને વડા પ્રધાન પર નાખી દીધો છે.
થેરેસા મેનાં સત્તાવાર પદત્યાગ પછી હવે યુનાઈટેડ કિંગ્ડમના ૭૭મા વડા પ્રધાન શોધવાની કવાયત શાસક કન્ઝર્વેટિવ પાર્ટીમાં ચાલુ થઈ ગઈ છે. વડા પ્રધાન બનવા હાલ તો ૧૧ ઉમેદવાર મેદાનમાં છે, જેમાં પૂર્વ ફોરેન સેક્રેટરી અને બે વખત લંડનના મેયર રહી ચુકેલા બોરિસ જ્હોન્સન મોખરે છે. આ ઉપરાંત માઈકલ ગોવ, જેરેમી હન્ટ, ડોમિનિક રાબ, પાકિસ્તાની મૂળના સાજિદ જાવિદ, મેટ હેનકોક, રોરી સ્ટુઅર્ટ, માર્ક હાર્પર, સામ ગીમાહ તેમજ બે મહિલા સાંસદ આન્દ્રેઆ લીડસોમ અને એસ્થર મેક્વે પણ સ્પર્ધામાં છે. ટોરી પાર્ટીના સાંસદો બે આખરી સ્પર્ધકો સ્પષ્ટ ન થાય ત્યાં સુધી મતદાન કરશે અને લગભગ જુલાઈ માસના અંત સુધીમાં યુકેને નવા વડા પ્રધાન મળી જશે. જો નવા વડા પ્રધાન પણ બ્રેક્ઝિટની બબાલમાં ગુંચવાઈ જશે તો માથા પર સામાન્ય ચૂંટણી આવી પડશે તે પણ નિશ્ચિત છે.


comments powered by Disqus