દિગ્ગજ અભિનેતા - સાહિત્યકાર ગિરીશ કર્નાડનું લાંબી બીમારી બાદ અવસાન

Wednesday 12th June 2019 07:12 EDT
 
 

વરિષ્ઠ અભિનેતા, સાહિત્યકાર અને નાટ્યકાર ગિરીશ કર્નાડનું સોમવારે બેંગલુરુમાં નિધન થયું છે. તેઓ ૮૧ વર્ષના હતા. ગિરીશ કર્નાડ લાંબા સમયથી બીમાર હતાં. કલાકારો સહિત રાજકીય મહાનુભાવોએ અને તેમના ચાહકોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
‘માલગુડી ડેય્ઝ’ના સ્વામીથી પ્રચલિત ગિરીશ કર્નાડનો જન્મ ૧૯મીમે, ૧૯૩૮ના રોજ મહારાષ્ટ્રના માથેરાનમાં થયો હતો. તેમને ભારતના જાણીતા સમકાલીન લેખક, અભિનેતા, ફિલ્મ નિર્દેશક અને નાટ્યકારના તરીકે લોકો ઓળખતા હતા. ૧૯૬૦ના દાયકામાં ‘યયાતી’, ઐતિહાસિક નાટક ‘તુઘલક’માં તેમને લોકોએ ખૂબ જ પસંદ કર્યા હતા. તેમની કૃતિઓ ‘હયવદના’, ‘નાગા મંડલા’ અને તલેડેંગાને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ સરાહના મળી હતી. સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’ તેઓ બીમાર હોવા છતાં સુંદર અભિનય આપ્યો હતો.
કર્નાડને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. બે પદ્મ સન્માનો ઉપરાંત તેમને ૧૯૭૨માં સંગીત નાટક અકાદમી, ૧૯૯૪માં સાહિત્ય અકાદમી, ૧૯૯૮માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. તેમજ કન્નડ ફિલ્મ સંસ્કાર માટે તેમને બેસ્ટ ડાયરેક્ટર તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો.
કર્નાડ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પૂણેના ડાયરેક્ટર પદ પર પણ કામ કરી ચૂક્યા છે. સંગીત નાટક અકાદમી અને નેશનલ અકાદમી ઓફ પરર્ફોર્મિંગ આર્ટસના ચેરમેનનું પદ પણ તેમણે સંભાળ્યું હતું.


comments powered by Disqus