બીકે શિવાનીના કાર્યક્રમ ‘ફાસ્ટ ફોરવર્ડ ટુ ન્યૂ પોસિબિલિટીઝ’ની ફ્રી ટિકિટો મેળવવાની છેલ્લી તક

Wednesday 12th June 2019 06:12 EDT
 
 

૨૩ જૂને સાંજે લંડનના વેમ્બલીમાં એસએસઈ અરેના ખાતે બી કે શિવાનીને સાંભળવા માટે જે ૧૦,૦૦૦ ફ્રી ટિકિટો રિલિઝ કરવામાં આવી હતી તેમાંથી અડધા કરતાં વધુ ટિકિટો પહેલા અઠવાડિયામાં જ જતી રહી હતી. આંતરરાષ્ટ્રીય વક્તા અને લોકપ્રિય ટીવી પ્રોગ્રામ ‘ અવેકનિંગ વીથ બ્રહ્મા કુમારીઝ’ના હોસ્ટ આપણા જીવનને સ્પર્શતા ગાઢ મુદ્દાઓ અંગે પોતાના મંતવ્યો ૨૩ જૂને સાંજે ૬ વાગે તેમના લાઈવ શોમાં રજૂ કરશે. તેમના લેસ્ટર (૨૦મી) અને માન્ચેસ્ટર (૨૪મી)ના લાઈવ શો માટેની તમામ સીટો બુક થઈ ગઈ છે.

લંડનના શોમાં તેમનો વિષય ‘ફાસ્ટ ફોરવર્ડ ટુ ન્યૂ પોસિબિલિટીઝ’ રહેશે, જે વ્યક્તિગત રીતે આપણે આપણા જીવનમાં પરિવર્તન લાવીને આપણા સમાજ, આપણા દેશ અને વિશ્વને કેવી રીતે અસર કરી શકીએ તે શોધવાની એક તક છે.

‘આપણે સૌ પરિવર્તન પામી રહેલા વિશ્વ વિશે, જાગૃતિના અનુભવ વિશે, આકાર લેનારા નવા વિશ્વ વિશે સાંભળીએ છીએ. પરંતુ, પ્રશ્ર એ રહે છે કે - કોણ નવા વિશ્વમાં જશે અને ક્યારે ? શું આપણે દેશો અથવા નેતાઓ વિશ્વનું પરિવર્તન કરે તેની રાહ જોઈ રહ્યા છીએ ? અથવા તે ફેરફાર આપણામાંના દરેકથી શરૂ થશે ?’ (બી કે શિવાની)

ભારતના પ્રાચીન રાજ યોગના અતિ અર્વાચીન ચહેરા સમાન બી કે શિવાની ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે લંડન આવી રહ્યા છે. તેઓ આગામી ૧૭મી જૂને લંડન આવશે. યુરોપની ‘અવેકનીંગ’ ટુર માં તેઓ ૧૯ દિવસમાં ૧૩ શહેરોનો પ્રવાસ કરશે. પ્રવાસ દરમિયાન ૨૦મી જૂને સાંજે ૭ વાગે લેસ્ટરના મોર્નિંગસાઈડ અરેનામાં અને ૨૪મીએ માન્ચેસ્ટરના ધ લોરી, લિરીક થિયેટર ખાતે તેમના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સમજશક્તિ અને વિદ્વત્તાનું તેમનું અજોડ મિશ્રણ આપણા જીવનું કલ્યાણ કરવાની સાથે મનોવૃત્તિમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટેનું જરૂરી ટોનિક પૂરવાર થશે.

લંડનના વેમ્બલીમાં એસએસઈ અરેના ખાતે યોજાનારા કાર્યક્રમની ટિકિટો સંપૂર્ણ મફત છે. જોકે, તે મેળવવા માટે બુકિંગ કરાવવું જરૂરી છે. વેબસાઈટ www.brahmakumaris.uk/shivaniપર ટિકિટો બુક કરાવી શકાશે. સંપર્ક. 020 8727 3350


comments powered by Disqus