લંડનઃ ભારત અને ઇંગ્લેન્ડની દાવેદારી આ વર્લ્ડ કપમાં સૌથી મજબૂત દેખાઈ રહી છે. આ બન્ને ટીમનું હાલનું પ્રદર્શન, મોટી મેચોમાં જીત તેમજ બન્ને ટીમનો ઇંગ્લેન્ડની પિચો પર રમવાનો અનુભવ – આ ત્રણ માપદંડ જોતાં કહી શકાય કે કયા દેશની ટીમ જીતવાની શક્યતા સૌથી વધારે છે.
આ ત્રણેય માપદંડ પર રેકોર્ડસ જોઈએ તો ભારતની દાવેદારી સૌથી વધુ ૬૬ ટકા છે, જ્યારે ઇંગ્લેન્ડ ૬૪ શક્યતા સાથે બીજું સૌથી મોટું દાવેદાર છે. સાઉથ આફ્રિકા આ ક્રમમાં ૫૦ ટકા અને ત્રીજું છે. જોકે શરૂઆતની મેચોમાં તેનો પરાજય થયો છે તે જોતાં હવે તે સેમી-ફાઇનલ સુધી પહોંચે છે કે કેમ તે પણ સવાલ છે.
ટીમ ઇન્ડિયાની વાત કરીએ તો છેલ્લાં કેટલાંક વર્ષોમાં તે સતત સારું ને સાતત્યપૂર્ણ પ્રદર્શન કરતી ટીમ બનીને ઊભરી છે. ટીમ ઇન્ડિયાનો ૨૦૧૧ના વર્લ્ડ કપમાં વિજય, પછી ૨૦૧૫ વિશ્વ કપમાં સેમી ફાઇનલમાં સ્થાન, આ ઉપરાંત છેલ્લી બે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી એકમાં જીત અને એકમાં ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
આ સફળતા દર્શાવે છે કે ભારત એક મજબૂત ટીમ છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડનું પ્રદર્શન પણ સારું રહ્યું છે. તેને હોમ ગ્રાઉન્ડનો પણ ફાયદો મળશે. છેલ્લા દોઢેક વર્ષમાં તેણે ૬૮ ટકા મેચ જીતી છે. એક જમાનામાં કહેવાતું હતું કે, ડચ ફૂટબોલ ટીમ ટોટલ ફૂટબોલ રમે છે. આજે આ સ્થિતિ ઇંગ્લેન્ડમાં છે. તેઓ ટોટલ ક્રિકેટ રમી રહ્યા છે. તેમની પાસે બધા જ સારા બેટ્સમેન છે. કોઈ પૂંછડીયા નથી. જ્યારે ટીમ ઇન્ડિયામાં મોહમ્મદ શમી, બુમરાહ, કુલદીપ, ચહલ વગેરે નબળા બેટ્સમેન છે.
સૌથી વધુ રન ભારતીય ખેલાડીના
• છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ-૫ બેટ્સમેનમાં ભારતના ત્રણ છે. તેમાં ૫૬ મેચમાં ૩૬૩૧ રનની સાથે વિરાટ કોહલી પહેલા નંબરે છે. ત્યાર પછી રોહિત શર્મા, રોસ ટેલર, જો રૂટ અને શિખર ધવન છે.
• બોલિંગમાં છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી સફળ બોલર અફઘાનિસ્તાનનો રાશિદ ખાન છે. તેણે ૪૩ મેચમાં ૯૮ વિકેટ લીધી છે. ત્યાર પછી ટ્રેન્ટ બોલ્ટ, કુલદીપ યાદવ, અબ્દુલ રશીદ અને બુમરાહ છે.
બે વર્લ્ડ કપ યજમાન દેશે જીત્યા
ઇંગ્લેન્ડ પાસે સારા ઝડપી બોલર્સ છે, પરંતુ સાઉથ એશિયન દેશોમાં મેચ રમતી વેળા તેઓ પ્રભાવશાળી રહેતા નથી. જોકે ઇંગ્લન્ડમાં સ્થિતિ અલગ અને તેમની તરફેણમાં છે. ગત બે વર્લ્ડ કપમાં યજમાન ટીમ ચેમ્પિયન બની છે. ૨૦૧૧માં ભારત અને ૨૦૧૫માં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું હતું.
૮ વાર નંબર-૧ ટીમ ફાઇનલમાં
ક્રિકેટમાં વર્લ્ડ રેન્કિંગ ઘણા માપદંડના આધારે નક્કી થાય છે, આ કારણે જ તેનું આગવું મહત્ત્વ છે. ફૂટબોલમાં તો જર્મની નંબર-૧ ટીમ રહીને પણ વર્લ્ડ કપના ગ્રૂપ સ્ટેજમાં બહાર થઈ ગઈ હતી. અત્યાર સુધીના ૧૧ ક્રિકેટ વર્લ્ડ કપમાં ૮ વખત નંબર-૧ રેન્કિંગવાળી ટીમ ફાઇનલમાં પહોંચી હતી.
સટ્ટા બજાર ૪ વખત સાચું
સટ્ટા બજારનું એનાલિસિસ મોટા ભાગે સાચું સાબિત થાય છે. ૨૦૦૩, ૨૦૦૭ અને ૨૦૧૫ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને ૨૦૧૧માં ભારત પર દાવ લાગ્યો હતો અને આ ચારેય સાચા સાબિત થયા. છેલ્લા પાંચ વર્લ્ડ કપમાંથી માત્ર ૧૯૯૯માં સટ્ટા બજાર ખોટું પડ્યું, આ વખતે સટ્ટા બજારની નજરે ઇંગ્લેન્ડ ફેવરિટ છે.

