યુવા અધિવેશનમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું, ‘મુખ્ય સાધન નિષ્ઠા જ છે.’

Wednesday 12th June 2019 06:06 EDT
 
 

BAPS ના વડા પૂ. મહંત સ્વામીની નિશ્રામાં સારંગપુર ખાતે ૩ જૂનથી અખિલ ભારતીય યુવક-યુવતી અધિવેશન યોજાયું હતું. ૫ જૂને સવારે ‘નિષ્ઠાવાન ભવ’ થીમ પર યુવા શિબિર યોજાઈ હતી. આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું, ‘મુખ્ય સાધન નિષ્ઠા જ છે. અનંત સાધન કરીએ પણ નિષ્ઠા જેવું કાંઈ નહીં.’ ૫ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ હતો તેને અનુલક્ષીને પૂ. મહંત સ્વામીએ લીમડાના બે વૃક્ષને પ્રસાદીભૂત કર્યા હતા. સાંજે ઈનામ વિતરણ યોજાયું હતું. તા.૬થી ૮ દરમિયાન અધિવેશનનો બીજો ભાગ શરૂ થયો હતો. તેમાં બીએપીએસ છાત્રાલયો, વિદ્યામંદિરો, ગાર્મીણ વિસ્તારો અને પરપ્રાંતના યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. ૮મીએ અધિવેશનના બીજા ભાગની ‘નિષ્ઠાવાન ભવ’ શિબિરમાં તેમને આશીર્વચન પાઠવતા પૂ. મહંત સ્વામીએ કહ્યું ,‘ જેમ ટેક્સી કરો એટલે મીટર ચડવાનું ચાલુ થઈ જાય તેમ તમે જ્યારથી અધિવેશનનો સંકલ્પ કર્યો ત્યારથી રાજીપાનું મીટર ચડતું ગયું. ૯મીએ યુવા તાલીમ કેન્દ્રની ૨૦મી બેચનું ઓપનીંગ થયું હતું. તે દિવસે પ્રમુખ વરણી દિનની ઉજવણી કરવામાં આવી હતી. જે દિવસે પ્રમુખ સ્વામીને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા તેની આ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. પ્રમુખ સ્વામીએ સંસ્થા માટે કર્તવ્યનિષ્ઠા, વફાદારી, સિદ્ધાંતનિષ્ઠાના મૂલ્યો પર કેવી રીતે કામ કર્યું હતું તેની નૃત્ય, પ્રસંગકથન જેવા વિવિધ માધ્યમો દ્વારા રજૂઆત કરાઈ હતી. આ પ્રસંગે પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ પ્રમુખ સ્વામીનું નામ પ્રમુખ પડ્યું પણ તેઓ આખી જીંદગી સેવક થઈને રહ્યા છે.’ યુવા તાલીમ કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે તેમણે યુવકોને કહ્યું, ‘તમે પથ્થર થઈને આવ્યા છો, ગુલાબ થઈને જશો. ૬૦ વર્ષનું કામ છ મહિનામાં થઈ જશે.’ ૧૧મીએ પૂ. મહંત સ્વામીએ વિચરણ માટે મોરબી જવા પ્રસ્થાન કર્યું હતું.


comments powered by Disqus