‘બાદશાહ, ‘ખિલાડી’ જેવી ફિલ્મો અને કેટલીય ટીવી સિરીયલોમાં અભિનય આપી ચૂકેલા પીઢ અભિનેતા દિનયાર કોન્ટ્રેકટરનું પાંચમીએ મુંબઈમાં નિધન થયું હતું. તેઓ ૭૯ વર્ષના હતા. તેમના પરિવારે જણાવ્યા પ્રમાણે વૃદ્ધાવસ્થાને કારણે તેમનું નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર પારસી સમુદાયના વરલીસ્થિત સ્મશાનગૃહમાં કરાયા હતા. આ વર્ષે દિનયારને પદ્મશ્રીથી નવાજાયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોન્ટ્રેકટર સાથેની તસવીર શેર કરતાં ટ્વિટ કર્યું પદ્મશ્રી દિનયાર કોન્ટ્રેકટર ખાસ હતા. કારણ કે તેમણે ખુશી ફેલાવવાનું કામ કર્યું છે. તેમના અભિનયે અનેક લોકોના ચહેરા હસતા કરી દીધા હતા. ભલે, પછી એ થિયેટર હોય, ટીવી હોય કે ફિલ્મ. તેઓ દરેક માધ્યમમાં શ્રેષ્ઠ રહ્યા. તેમના નિધનથી દુઃખી છું. મારી સંવેદનાઓ તેમના પરિવાર અને ચાહકો સાથે છે.
કેન્દ્રીય પ્રદાન સ્મૃતિ ઈરાનીએ પોસ્ટ કર્યું કે, પદ્મશ્રી સન્માનિત, થિયેટરના દિગ્ગજ, ઉત્કૃષ્ટ અભનેતા દિનયાર કોન્ટ્રેક્ટર તમારા આત્માને શાંતિ મળે.

