સંક્ષિપ્ત સમાચાર (બ્રિટન)

Wednesday 12th June 2019 06:36 EDT
 

• માઈગ્રન્ટ્સને ડીએનએ સેમ્પલ આપવા ફરજ પડાઈ

યુકેમાં રહેવા અને કામ કરવા માટેની અરજીઓ સાથે ગુરખા પરિવારો સહિત ૧,૩૫૦થી વધુ માઈગ્રન્ટ્સને ડીએનએ સેમ્પલ પૂરા પાડવા ગેરકાયદેસર રીતે ફરજ પડાઈ હોવાનું સરકારના રિવ્યૂમાં જણાયું હતું. અરજીમાં ડીએનએ પૂરા પાડવાનું જરૂરી હોવાનું તેમને કહેવાયું હતું. પરંતુ, હોમ ઓફિસને તેની માગણી કરવાની કોઈ કાનૂની સત્તા નથી. હોમ સેક્રેટરી સાજિદ જાવિદે ડીએનએ માટેની ‘અસ્વીકાર્ય’ માગણી બદલ માફી માગી હતી અને કોઈ વ્યક્તિને આર્થિક નુક્સાન ગયું હોય તો તે ભરપાઈ કરવાનું વચન આપ્યું હતું.

ટીનેજરોને બપોરે સ્કૂલમાં ઝોકું ખાઈ લેવા વૈજ્ઞાનિકોનું સૂચન

બપોરના સમયે ઝોકું ખાઈ લેનારા ૧૨થી ઉપરની વયના બાળકો વધુ ખુશ અને હોંશિયાર જણાતા વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે ૧૨થી વધુની વયના વિદ્યાર્થીઓને બપોરે સ્કૂલમાં થોડી ઉંઘ લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. ૩,૦૦૦ ચીની બાળકોના અભ્યાસમાં જણાયું હતું કે અઠવાડિયા દરમિયાન ઓછામાં ઓછું ત્રણ વખત ૩૦થી ૬૦ મિનિટની ઉંઘ લેનારા બાળકોનો જાત પર સારો કાબૂ હતો. તેઓ વધુ સાહસિક અને ઉંચો આઈક્યૂ ધરાવતા હતા. તેમને વર્તણુંકને લગતી સમસ્યાઓ થવાની શક્યતા પણ ઓછી હતી.

                                             • અપૂરતી ઉંઘથી નાના બાળકોને સ્થૂળતાનું જોખમ

પ્રાઈમરી સ્કૂલમાં ભણતા બાળકોમાંથી ૩૩ ટકાને પૂરતી ઉંઘ મળતી ન હોવાથી તેઓ સ્થૂળ થવાનું જોખમ રહે છે. બ્રિટિશ ન્યૂડ્રીશન ફાઉન્ડેશન માટેના સર્વેમાં જણાયું હતું કે ૪૩ ટકા વયસ્કો રાત્રે ભલામણ મુજબની સાત કલાકની ઉંઘ કરતાં ઓછું સૂએ છે. પ્રાઈમરી સ્કૂલોના ૩૨ ટકા અનેસેકન્ડરી સ્કૂલોના ૭૦ ટકા વિદ્યાર્થીઓ નવ કલાકથી ઓછું ઉંઘે છે. પ્રાઈમરી અને સેકન્ડરી સ્કૂલોના ૬,૦૦૦થી વધુ વિદ્યાર્થી અને ૧,૫૦૦થી વધુ વયસ્કોને આ સર્વેમાં આવરી લેવાયા હતા.

                                          • લિસ્ટેરિયાથી થતાં મોતને અને પેકેજ્ડ સેન્ડવિચને સંબંધ

પેકેજ્ડ સેન્ડવિચ સાથે સંકળાયેલો લિસ્ટેરિયા રોગ ફાટી નીકળતાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ત્રણ દર્દીનું મૃત્યુ થયું હતું. તેઓ નોર્થવેસ્ટ ઈંગ્લેન્ડની બે હોસ્પિટલોમાં હતા. આ રોગ સાથે સંબંધિત સેન્ડવીચ અને સલાડનો જથ્થો પાછો ખેંચી લેવાયો હતો અને સપ્લાયર ગુડ ફૂડ ચેઈન દ્વારા તપાસ ચાલુ રહે ત્યાં સુધી સ્વૈચ્છિક રીતે ઉત્પાદન બંધ કરાયું હતું.

                                         • બ્રિટિશ પાસપોર્ટ માટે ઈયુ નાગરિકોની વિક્રમજનક અરજી

બ્રિટિશ સિટીઝનશિપ માટે દરરોજ ૨૦૦ ઈયુ નાગરિકો અરજી કરી રહ્યા છે. બ્રેક્ઝિટ પછી વધુ લોકો સલામતી મેળવવા માગતા હોવાથી વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં આ સંખ્યા વિક્રમજનક સ્તરે પહોંચી છે. ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઈયુ નાગરિકોની અરજીઓની સંખ્યા ૧૧,૮૦૦ હતી તે આ વર્ષે આ સમયમાં પ૨ ટકા વધીને ૧૮,૦૧૧ પર પહોંચી હતી.

                                          • ઈયુ બહારની નર્સિસને નેનીની જોબ લેવા પડતી ફરજ

યુકેમાં પ્રેક્ટીસ માટે નોંધણીની પ્રક્રિયા ખર્ચાળ અને જટિલ હોવાને લીધે ઈયુ બહારથી આવેલી અનુભવી નર્સિસ બ્રિટનમાં નેની અને વેઈટર તરીકે કામ કરવા માટે તેમની મેડિકલ કારકિર્દી છોડી રહી છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ચીફ નર્સિંગ ઓફિસરે ચેતવણી ઉચ્ચારી હતી કે નોંધણીની પ્રક્રિયા સરળ અને સસ્તી નહીં બનાવાય તો એનએચએસ ‘ઓછું સલામત’ થઈ જશે. ઈયુ બહારની નર્સિસે પરીક્ષા આપવા અને નર્સિંગ એન્ડ મીડવાઈફરી કાઉન્સિલ સાથે નોંધણી કરાવવા ૧,૧૭૭ પાઉન્ડ ચૂકવવા પડે છે.

વર્તણુંક સુધારતા દરેક વિદ્યાર્થીને બીરદાવો

વર્તણુંક સુધારવા માટેના ક્લાસમાં પ્રવેશતા દરેક વિદ્યાર્થીને ટીચરોએ બીરદાવવા જોઈએ તેમ અહેવાલમાં સૂચવાયું હતું.એજ્યુકેશન એન્ડાઉમન્ટ ફાઉન્ડેશનના ગાઈડન્સમાં જણાવાયું હતું કે વ્યક્તિગત શુભેચ્છા અને ડેઈલી રિપોર્ટ કાર્ડ જેવા વ્યક્તિગત અભિગમોની હકારાત્મક અસર પડે છે.

યુકેમાં દસમાંથી એક વ્યક્તિ કેશ વાપરે છે

યુકેમાં દસમાંથી એક વ્યક્તિ મહિનામાં માત્ર એકજ વખત રોકડનો ઉપયોગ કરે છે, જે વર્ષે ૬૦ ટકાનો વધારો હોવાનું અહેવાલમાં જણાયું હતું. ટ્રેડ એસોસિએશન યુકે ફાઈનાન્સ દ્વારા જણાવાયું હતું કે ૧૦ ટકા ગ્રાહકો - ૫.૪ મિલિયન જેટલાં લોકો - એ વર્ષ ૨૦૧૮માં ભાગ્યે જ રોકડ રકમનો ઉપયોગ કર્યો હતો.

                                               • શેરોન વ્હાઈટ જહોન લુઈસના પ્રથમ ચેરવુમન

જહોન લુઈસે તેના ૧૫૫ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલા ચેરવુમનની નિમણુંક કરી હતી. ઓફ્કોમમાં ચીફ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા શેરોન વ્હાઈટ આવતા વર્ષની શરૂઆતમાં જહોન લુઈસના હાલના ચેરમેન સર ચાર્લી મેફિલ્ડ પાસેથી આ હોદ્દો સંભાળશે. ૫૨ વર્ષીય વ્હાઈટ મીડિયા અને ટેલિકોમ રેગ્યુલેટરમાં જે આવક મેળવતા હતા તેનાથી બમણી એટલે કે ૯૯૦,૦૦૦ પાઉન્ડનો બેઝિક પગાર મેળવશે.

ગુનેગાર વિદ્યાર્થિની ઓક્સફર્ડ યુનિવર્સિટી પાછી નહીં ફરે

પોતાના બોયફ્રેન્ડને છૂરો મારવા છતાં જેલની સજામાંથી બચી ગયેલી ઓક્સફર્ડની મેડિકલની ૨૬ વર્ષીય વિદ્યાર્થિની લેવિયાના વુડવર્ડ યુનિવર્સિટીમાં પાછી આવશે નહીં. નશાની હાલતમાં ક્રાઈસ્ટ ચર્ચ ખાતે બોયફ્રેન્ડને ગેરકાયદેસર રીતે ઈજા પહોંચાડવા બદલ તેને ૨૦૧૭માં દોષી ઠેરવાઈ હતી. ઓક્સફર્ડ ક્રાઉન કોર્ટના જજ ઈયાન પ્રિંગલ QC એ તાત્કાલિક કસ્ટડીથી તેની કારકિર્દીને નુક્સાન થશે તેમ જણાવીને તેની જેલની સજા સસ્પેન્ડ કરી હતી.

                                           • ગોનોરિયાના કેસોની સંખ્યા ૪૧ વર્ષની સૌથી વધુ

ગોનોરિયાના કેસોની સંખ્યા ૪૧ વર્ષમાં તેની સૌથી ઉંચી સપાટીએ પહોંચી હતી. ૨૦૧૮માં તેના કુલ ૫૬,૨૫૯ કેસો નોંધાયા હતા જે તેના અગાઉના વર્ષ કરતાં ૨૬ ટકા વધુ હતા. આ આંકડો ૧૯૭૮થી અત્યાર સુધીનો સૌથી વધુ છે. છેલ્લાં દસ વર્ષમાં તેમાં ૨૪૯ ટકાનો વધારો નોંધાયો હતો પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા જણાવાયું હતું સમલૈંગિક અને ઉભયલિંગી વ્યક્તિઓના કેસો વધતાં ગોનોરિયામાં વધારો થયો હતો.

                                          • માત્ર બે ટકા સ્ક્રીન એક્ટરો જ ગુજરાન ચલાવી શકે છે

 ક્વિન મેરી યુનિવર્સિટી ઓફ લંડન દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાયું હતું સ્ક્રીન એક્ટરો પૈકી માત્ર ૨ ટકા જ તેમના વ્યવસાયમાંથી જીવનગુજરાન ચલાવી શકે છે. ૧૮૮૮થી અત્યાર સુધીના ૨.૫ મિલિયન સ્ક્રીન એક્ટરોના અભ્યાસમાં જણાયું હતું કે ૯૦ ટકા એક્ટરો એક સમયે બેરોજગાર હતા.

                                       • જેલની સજા સાંભળતા જ ઈમામ કોર્ટમાં બેભાન થઈ ગયા

નોર્મન્ડીના ૩૯ વર્ષીય મુસ્લિમ ધર્મોપદેશક મોહમ્મદ બરૈકચીગાલેશને ખાડીમાંથી માઈગ્રન્ટ્સની હેરફેર માટે તસ્કરોને ઈન્ફ્લેટેબલ બોટ વેચવા બદલ કોર્ટે બે વર્ષની જેલની સજા સંભળાવતા તે કોર્ટમાં જ બેભાન થઈ ગયા હતા. નાની ઝોડિયાક હોડી ખરીદીને તેને માનવ તસ્કરોને વેચીને હજારો યુરો કમાવવાના બોલોન-સુર-મેરની કાર્યવાહીમાં મોહમ્મદને ગુનેગાર ઠેરવાયો હતો. તે રોએન નજીક પેટીટ – કોરોનની મસ્જિદમાં નમાઝ અને બંદગી કરાવે છે. તેની ટોળકીના સેનેગલના એક સભ્ય સાથે ગઈ ૨૯ એપ્રિલે તેની ધરપકડ કરાઈ હતી.

ડેટિંગ એપ્સથી ક્રેશ- ડાયેટીંગ માટે લલચાતા પુરુષો

ડેટિંગ એપ્સને લીધે ખાસ કરીને પુરુષો જોખમી ક્રેશ – ડાયેટીંગ કોર્સ માટે લલચાતા હોવાનું હાર્વર્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં જણાયું હતું. તેમાં જે લોકો આ એપ્સ વાપરતા હોય તેઓ અને ઉપવાસ, વોમિટીંગ અને જુલાબની ગોળીઓના ઉપયોગ જેવી વજન નિયંત્રણમાં લેવાના બિનઆરોગ્યપ્રદ વર્તન વચ્ચે મજબૂત કડી હોવાનું જણાયું હતું.

                                            • નવી માતા બનેલી મહિલાઓને પેન્શન આપવા માગણી

નવી માતા બનેલી મહિલાઓ નિવૃત્તિની વયે પહોંચે ત્યારે તેમને નુક્સાન ન જાય તે માટે તેમને ૨,૦૦૦ પાઉન્ડનું પેન્શન આપવા ગ્રાહક સંસ્થા વીચ દ્વારા માગણી કરાઈ હતી.

                                              • વીકેન્ડમાં હૃદયરોગના દર્દીના મોતની શક્યતા નહીં

અઠવાડિયાના ચાલુ દિવસો દરમિયાન દાખલ કરાયેલા હૃદયરોગના દર્દીઓની સરખામણીમાં વીકેન્ડમાં દાખલ કરાયેલા દર્દીનું મૃત્યુ થવાની શકયતા ન હોવાનું એનએચએસના સંશોધનમાં જણાયું હતું. સામાન્ય રીતે વીકેન્ડમાં એનએચએસ હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીઓની બચવાની ટકાવારી ઓછી હોય છે. પરંતુ, વીકેન્ડમાં દાખલ કરાયેલા ૪,૮૦૦ દર્દીઓના અભ્યાસમાં જણાયું હતું કે હૃદયરોગના દર્દીઓ માટે તે લાગૂ પડતું નથી.

સમૃદ્ધ માતા-પિતા બાળકોને રસી અપાવતા નથી

લંડનના કેટલાંક સમૃદ્ધ વિસ્તારોમાં છેલ્લાં ચાર વર્ષમાં ઓરી, ગાલપચોળિયું અને રુબેલાના રસીકરણના દરમાં ઘટાડો થયો હોવાનું એનએચએસના આંકડામાં જણાયું હતું. વર્ષો સુધી સરેરાશ કરતાં પણ આ દર ઓછો રહ્યો હતો. હાલ સ્કૂલે જતાં બાળકો અને વયસ્કોને ઓરીની રસી અપાતા તેના દરમાં વધારો થઈ રહ્યો છે.

                                                 • નાસ્તિકો અલૌકિક શક્તિમાં માને છે

મોટાભાગના નાસ્તિકો અને અજ્ઞેયવાદીઓ ઈશ્વરમાં માનતા હોવાનું જરૂરી નથી. પરંતુ, તેઓ અલૌકિક શક્તિમાં અને શુભ અને અશુભ બળો અસ્તિત્વમાં હોવાનું માને છે. યુનિવર્સિટી ઓફ કેન્ટના નેતૃત્વ હેઠળના ‘અન્ડરસ્ટેન્ડિંગ અનબિલિફ પ્રોગ્રામ’માં બ્રિટન, અમેરિકા, બ્રાઝિલ, ચીન, ડેન્માર્ક અને જાપાન એમ છ દેશમાં નાસ્તિકો અને અજ્ઞેયવાદીઓ તરીકે ઓળખાયેલા હજારો લોકોનો ઈન્ટરવ્યૂ લેવાયો હતો.

                                        • મોટાભાગના ડોક્ટરો દ્વારા દર્દીઓના અભિપ્રાયોની અવગણના

ડોક્ટરોની કામગીરી અંગે દર્દીઓએ વ્યક્ત કરેલા પ્રતિભાવોને મોટાભાગના ડોક્ટરો ધ્યાને ન લેતા હોવાનું અભ્યાસમાં જણાયું હતું. પાંચમાંથી એક ડોક્ટર પોતાને માટે કરાયેલી ટીકા-ટિપ્પણ વાંચે છે. ‘એનએચએસ ચોઈસીસ’ જેવી સાઈટો પર દર્દીઓને તેમને અપાયેલી સારવારનું મૂલ્યાંકન કરવાનો વિકલ્પ અપાય છે. મોટાભાગના જીપીને એવું લાગે છે કે તે નકારાત્મક હોય છે અને જે પ્રકારની સારી સારવાર અપાઈ હોય છે તે તેમાં ચોક્કસપણે જણાતું નથી.

                                              • ટ્યૂશન ફીમાં ફેરફારથી ગરીબોને નુક્સાન

યુનિવર્સિટી ટ્યૂશન ફીમાં ફેરફારની યોજનાનો અર્થશાસ્ત્રીઓ અને કન્ઝર્વેટિવ પાર્ટીના સીનીયર સભ્યોએ એમ કહીને ટીકા કરી હતી કે આ ફેરફારથી સૌથી ધનવાન ગ્રેજ્યુએટ્સને વધારે લાભ થશે. ઈન્સ્ટિટ્યૂટ ફોર ફિસ્કલ સ્ટડીઝ દ્વારા જણાવાયું હતું કે ભૂતપૂર્વ બેંકર ફિલીપ ઔગર દ્વારા લખાયેલો રિવ્યૂ પ્રત્યાવર્તી હતો કારણ કે કમાણી કરનારા ટોચના પાંચમા ગ્રેજ્યુએટની કુલ બાકી રહેતી સ્ટુડન્ટ લોનમાં લગભગ ત્રીજા ભાગનો ઘટાડો થતો હતો.

                                          • પતિએ હેમર અને ચાકુના ઘાથી પત્નીની હત્યા કરી

૫૯ વર્ષીય મુહમ્મ્દ જાવેદે તેની ૫૩ વર્ષીય પત્ની સઈદા હુસૈનને કોઈકની સાથે પ્રણયસંબંધ હોવાની શંકાના આધારે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા બાદ હેમર અને ચાકુના ઘા મારીને તેની હત્યા કરી હતી. ઓલ્ડ બેલી જ્યૂરીએ પત્નીની હત્યા કરવા માટે જાવેદને ગુનેગાર ઠેરવ્યો હતો. ગયા વર્ષે ૧૩મી ફેબ્રુઆરીએ જાવેદે તેના ઈસ્ટ લંડનના ઈલ્ફર્ડના ઘરના લિવિંગ રૂમમાં સઈદાની હત્યા કરી હતી. હત્યા બાદ તે જાતે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. જાવેદને ૨૧ જૂને સજા સંભળાવવામાં આવશે.


comments powered by Disqus