સલમાન સાથે ખટરાગમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મમાંથી પ્રિયંકા ચોપરા આઉટ?

Wednesday 12th June 2019 07:12 EDT
 
 

સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ‘ભારત’ આ ઈદે એટલે કે પાંચમી જૂને વિશ્વભરના સિનેમાગૃહોમાં આવી ગઈ છે. ફિલ્મ ‘ભારત’ બોક્સ ઉપર હિટ પણ સાબિત થઇ છે. ફિલ્મે પ્રથમ અઠવાડિયામાં જ રૂ. ૭૫ કરોડનો બિઝનેસ કરવા સાથે ટૂંક સમયમાં ‘ભારત’ સો કરોડના ક્લબમાં પણ પહોંચી જશે. જોકે ‘ભારત’ની ખુશી વચ્ચે પણ સલમાન ખાન પ્રિયંકા ચોપરા સાથેનો તેનો વિવાદ ભૂલ્યો નથી અને શક્ય છે કે પ્રિયંકા સાથે આગામી ફિલ્મોમાં કામ નહીં કરવાનો નિર્ણય તેણે લઈ લીધો છે. તેથી જ કદાચ સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘ઇન્શાહઅલ્લાહ’માંથી પ્રિયંકાને દૂર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે એનાલિસ્ટ કોમલ નાહટાએ તાજેતરમાં ટ્વિટર પર આ વાતની જાણકારી આપતાં જણાવ્યું હતું કે સલમાન ખાન અને સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ઇન્શાહલ્લાહ' વર્ષ ૨૦૨૦માં ઇદના દિવસે રિલીઝ થશે. સલમાન અને ભણસાલી આશરે દાયકા પછી ફરી એકસાથે કામ કરી રહ્યાં છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ઇન્શાહઅલ્લાહ’ લવ સ્ટોરી છે અને તેના સ્ક્રીનપ્લે પર અત્યારે કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મ માટે પ્રિયંકા ચોપરાને પહેલાં પસંદ કરવામાં આવી હોવાની વાત હતી, પણ આખરે આલિયા ભટ્ટની પસંદગી થઈ છે. બોલિવૂડમાં ચર્ચા છે કે પ્રિયંકા એક તબક્કે સલમાનની ભારતમાં હિરોઇન હતી પણ તેણે આ ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો અને નિક જોનાસ સાથે લગ્ન માટે બિઝી હોવાનું કારણ ધર્યું હતું. પ્રિયંકાએ ‘ભારત’ માટે ના કહેતાં સલમાન બહુ અપસેટ થયો હતો. ભારતના પ્રમોશન વખતે પણ ઘણી વખત સલમનની નારાજગી સ્પષ્ટ થઈ હતી. તેથી જ નારાજ સલમાનને રાજી રાખવા ભણસાલીની ફિલ્મમાંથી પ્રિયંકાને દૂર કરવામાં આવી હોવાની ચર્ચા છે.


comments powered by Disqus