ઘણા લોકો માટે સારી શારીરિક પ્રવૃત્તિનો અર્થ દોડવું કે જિમમાં કંઈક મહેનતવાળી એક્સરસાઇઝ કરવી હોય છે, પણ હવે તેની વ્યાપક પરિભાષા સામે આવી છે. અમેરિકામાં હવે સીડીઓ ચઢવી, સફાઈ કરવી, બર્ડ વોચિંગ જેવી પ્રવૃત્તિઓને એક્સરસાઇઝની યાદીમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવી છે. નિષ્ણાતોનો મત છે કે તે બધાથી વ્યક્તિને આયુષ્ય વધારવામાં પણ મદદ મળી શકે છે.
વર્ષ ૨૦૦૮ બાદ યુએસ સરકારે શારીરિક પ્રવૃત્તિઓ અંગેની તેની ગાઇડલાઇન્સમાં સુધારો કર્યો છે. તેમાં પહેલાની જેમ હવે પણ પુખ્તોને દર અઠવાડિયે ૭૫ મિનિટની સખત કે ૧૫૦ મિનિટની સામાન્ય એક્સરસાઇઝ કરવાની સલાહ અપાઈ છે. સાથે જ અઠવાડિયામાં બે વખત વેઇટલિફ્ટિંગ, યોગ જેવી પ્રવૃત્તિઓ કરવા પણ જણાવાયું છે. માત્ર ૨૩ ટકા અમેરિકીઓ આવી પ્રવૃત્તિ કરે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચોથા ભાગના અમેરિકી પુખ્તો રોજ આઠ કલાકથી વધુ બેસે છે.
ગાઇડલાઇન્સમાં નવી વાત સામાન્ય રોજિંદી પ્રવૃત્તિઓ અંગે છે. તેમાં કહેવાયું છે કે બેસો ઓછું અને સક્રિય વધુ રહો. એ વાતથી કોઈ ફરક નથી પડતો કે તમે શું પ્રવૃત્તિ કરો છો અને કેટલા સમય સુધી કરો છો?
રિસર્ચથી જાણવા મળ્યું કે રોજિંદા કામોની દોડધામ, બાથરૂમની સફાઈ જેવાં ઘણાં કામો પણ આયુષ્ય વધારી શકે છે.
ગયા વર્ષે અમેરિકન જેરિયાટ્રિક્સ સોસાયટીની જર્નલમાં પ્રકાશિત વૃદ્ધ મહિલાઓ અંગેના સ્ટડીમાં જણાવાયું છે કે રોજ ૩૦ મિનિટની હલકી-ફુલકી પ્રવૃત્તિઓ કરતી મહિલાઓમાં વહેલા મૃત્યુનું જોખમ નિષ્ક્રિય રહેતી મહિલાઓની તુલનાએ ૧૨ ટકા ઓછું રહ્યું. ૨૦૧૮માં વૃદ્ધ પુરુષોના અભ્યાસમાં જણાયું હતું કે ચાલવું, બગીચામાં કામ કરવું વગેરે જેવી સામાન્ય શારીરિક પ્રવૃત્તિઓથી વહેલા મૃત્યુનું જોખમ ૧૭ ટકા ઘટે છે.
ઇન્ડિયાના યુનિવર્સિટીના શારીરિક પ્રવૃત્તિ વિભાગના પ્રો. જેક રેગલિનનું કહેવું છે કે ફિટનેસ ઇન્ડસ્ટ્રી લોકોનું ધ્યાન જિમ કે એક્સરસાઇઝ ક્લાસ પર કેન્દ્રિત કરે છે, પણ જો તમે વૃદ્ધ હો, ફિટ ન હો કે વજન વધુ હોય તો તેમ કરવું શક્ય બનતું નથી. આ સમયે તમે કંઈક એવું કરવા ઇચ્છશો કે જે સરળ હોય અને જે ગમેત્યારે ગમે ત્યાં થઈ શકે.
અમેરિકન એક્સરસાઇઝ કાઉન્સિલના ટ્રેનર જેક ક્રોફર્ડ કહે છે કે ઊભા રહેવાથી કે ચાલતાં ચાલતાં ફોન પર વાત કરવા જેવી પ્રવૃત્તિઓની પણ સારી અસર પડે છે. અભ્યાસો દર્શાવે છે કે સાયન્સની ભાષામાં નોન-એક્સરસાઇઝ એક્ટિવિટીનો સંબંધ વજન ઘટવા, સારા આરોગ્ય અને આયુષ્ય વધવા સાથે છે.

