BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ મહારાષ્ટ્રમાં વિચરણ કરી રહ્યા છે. તા.૧૧ ફેબ્રુઆરી સુધી તેઓ ધૂળે ખાતે હતા. ૫મી ફેબ્રુઆરીએ પૂ. મહંત સ્વામી ધૂળે પહોંચ્યા હતા. ત્યાં નૂતન BAPS સ્વામીનારાયણ મંદિરની પ્રતિષ્ઠાના ઉત્સવ પ્રસંગે નિર્માણ થયેલા વિશાળ ‘સ્વામીનારાયણ નગર’ની પૂ. મહંત સ્વામીએ મુલાકાત લીધી હતી. તેના વિવિધ વિભાગોમાં ફરીને તેમણે તેની માહિતી મેળવી હતી. ૭મીએ સવારે પૂ. મહંત સ્વામીએ બે પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી. સાંજે દાન દાતા સમારોહમાં દાતાઓનું સન્માન કરાયું હતું. ૮મીએ સવારે ધૂળેમાં મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય નગરયાત્રા નીકળી હતી. તેમાં વિવિધ રથમાં ૨૧ મૂર્તિઓને બીરાજમાન કરાઈ હતી. મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો તેમાં જોડાયા હતા. ૯મીએ સવારે યોજાયેલી પૂજાનો ૨,૫૦૦ જેટલાં હરિભક્તોએ લાભ લીધો હતો. સાંજે ખાનદેશનો ઈતિહાસ વર્ણવતી નૃત્યનાટિકા ‘ખાનદેશ કથામંગલ’ની પ્રસ્તુતિ થઈ હતી. ૧૦મીએ વસંતપંચમી હતી. વસંતપંચમી પૂ. શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્યદિન છે અને તે દિવસે જ પૂ. મહંત સ્વામીએ ધૂળેના નૂતન મંદિરની પ્રતિષ્ઠા કરી હતી. ભાષ્યકાર ભદ્રેશ સ્વામીએ રચેલી નૂતન અક્ષરપુરુષોત્તમ પ્રતિષ્ઠાવિધિ મુજબ આ પ્રથમ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં જણાવ્યું હતું,‘ સારી દુનિયામેં ઈસ મંદિરકા પ્રભાવ પડેગા.દેશ-પરદેશ કે સભી લોગ યહાં દર્શન કરને આયેંગે.’ ત્યારબાદ તેમણે પૂ. શાસ્ત્રીજી મહારાજની પ્રથમ જન્મજયંતીની ઉજવણી જે ગામે થઈ હતી તે મોહાડીની મુલાકાત લીધી હતી. યોગાનુયોગ તે ઉજવણીના બરાબર ૧૦૦ વર્ષ બાદ પૂ. મહંત સ્વામીએ તે ગામની મુલાકાત લીધી હતી.
૧૧મીએ પૂ. મહંત સ્વામી વિચરણ માટે ધૂળેથી નાસિક પહોંચ્યા હતા. પૂ. મહંત સ્વામીએ નાસિકમાં તૈયાર થઈ રહેલા નૂતન BAPS સ્વામીનારાયણ શિખરબંધ મંદિરના પ્રથમ સ્તંભનું સ્થાપન કર્યું હતું.

