બંગાળી વાઘણ તરીકે ઓળખાતાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી તેમની મમતા નહિ, પરંતુ મમત એટલે કે જીદ માટે પણ જાણીતાં છે. મમતાએ કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર સામે સીબીઆઇની કાર્યવાહીમાંથી મોટું રાજકીય માઈલેજ અને સસ્તી લોકપ્રિયતા મેળવી લેવાનો પ્રયાસ કર્યો છે. નરેન્દ્ર મોદી સરકાર રાજ્યની એન્જસીઓ સહિત તપાસ એજન્સીઓ પર નિયંત્રણ રાખવા ઇચ્છતી હોવાના આક્ષેપ સાથે ત્રણ દિવસ ધરણા પર બેસી જવામાં પાછીપાની કરી નથી. ધરણા પર બેસીને જ તેમણે કેબિનેટ બેઠક યોજવા સાથે સરકારી ફાઈલોનો નિકાલ પણ કર્યો હતો. તેમણે તો મોદીએ ગુજરાત પાછા જતા રહેવું જોઈએ તેવી પણ ટીપ્પણી કરી છે. દેશના વડા પ્રધાન માટે આવી ટીપ્પણી કેટલી યોગ્ય ગણાય તે મહાપ્રશ્ન છે. મમતાના ધરણાને કેજરીવાલ, ચંદ્રાબાબુ નાયડુ, અખિલેશ યાદવ અને ઓમર અબ્દુલ્લા સહિતના વિપક્ષી નેતાઓએ સમર્થન આપ્યું કારણ કે તેમના માટે તો આ ચૂંટણી તમાશો જ હતો.
મોદી સરકાર અમને કામ નથી કરવા દેતી, મોદી મનમાની અને દાદાગીરી કરી રહ્યા છે, કોઈ વ્યક્તિ તેમનો વિરોધ કરે તો તેની ધરપકડ કરી લેવાય છે તેવા આક્ષેપો તેમજ ‘હું મરી જઈશ, પણ સમાધાન તો નહિ જ કરું...’ના લલકાર સાથે મમતાએ લોકોની સહાનુભૂતિ જીતવાનો પ્રયાસ કર્યો છે. સીબીઆઈની અરજીને ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારની ધરપકડ ન કરાય અને શિલોંગ જેવા તટસ્થ સ્થળે પૂછપરછ કરવાનો આદેશ કર્યો છે.
મૂળ મામલો આશરે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના શારદા ચીટ ફંડ અને રોઝ વેલી કૌભાંડ સાથે સંકળાયેલો છે. પોલીસ કમિશનર રાજીવ કુમાર અગાઉ કૌભાંડની તપાસ કરવા માટે રચાયેલી વિશેષ તપાસ ટીમ (SIT)નાં વડા હતા. તેમણે શારદા કૌભાંડનાં પુરાવાઓ સાથે ચેડાં કર્યા હોવાના આક્ષેપો છે. સ્વાભાવિક રીતે જ તેમની પાસે આ કૌભાંડ સંબંધિત તમામ ગુપ્ત માહિતી અને મહત્ત્વના પુરાવા સહિત ઘણી સામગ્રી છે, જે તેમણે સીબીઆઈને આપી નથી. સુપ્રીમ કોર્ટના ૨૦૧૪ના આદેશાનુસાર હવે આ તપાસ સીબીઆઈ હસ્તક છે. જોગવાઇ અનુસાર, સીબીઆઈને રાજ્યમાં જઈને તપાસ કરવાનો અધિકાર છે, પણ તે માટે સામાન્ય મંજૂરી જરૂરી હોય છે. જોકે, કોર્ટના આદેશમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામ પોલીસ તપાસમાં સીબીઆઈની મદદ કરે તેવી સૂચના પણ અપાઈ હતી. મોદી સરકાર અને સીબીઆઈ સાથે મમતા સરકારના વણસેલા સંબંધોને જોતા તેઓ કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ માટે મંજૂરી આપે તેવી શક્યતા જ ન હતી. ખરેખર તો, મુખ્ય પ્રધાને પારદર્શિતા દર્શાવી સીબીઆઈને તપાસની અનુકૂળતા કરી આપવી જોઈએ. પરંતુ, આમ થયું નથી કારણ કે મમતાની તૃણમૂલ પાર્ટીના પગ હેઠળ જ રેલો આવે તેમ છે.
મમતા બેનરજીની સ્થિતિ પેટમાં દુઃખવું અને માથું કુટવું જેવી છે. મમતા બેનરજીની મહત્ત્વાકાંક્ષા પોતાને રાષ્ટ્રીય કક્ષાએ ભાજપની તાકાત રોકનારા એકમાત્ર નેતા તરીકે ઉપસવાની છે અને આ બધા તેના જ ઉધામા છે. ગયા મહિને જ તેમણે કોલકાતામાં વિપક્ષી નેતાઓને આમંત્રીને પરેડ ગ્રાઉન્ડ પર મહારેલીનું આયોજન કર્યું હતું. હકીકતમાં તેમણે ભાજપનો સામનો પોતાના રાજ્યમાં પણ કરવાનો છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં પણ કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના ભોગે પંચાયતોની ચૂંટણીમાં જોર દર્શાવવા સાથે ભાજપ ઝડપથી મજબૂત બની રહ્યો છે. મમતા બેનરજી તેની અવગણના કરી શકે તેમ નથી. પશ્ચિમ બંગાળ પોતિકી જાગીર હોય તેમ મમતા બેનરજી સરકારે રાજ્યમાં સીબીઆઈની કામગીરી અટકાવવા ઉપરાંત, આયુષ્માન ભારત સહિત કેન્દ્રની ઘણી ઉપયોગી, આવશ્યક તેમજ લોકપ્રિય યોજનાઓ રાજ્યમાં લાગુ કરી નથી. રાજ્યના નિર્દોષ લોકોને લૂંટવાના કૌભાંડની કેન્દ્રીય તપાસમાં સાથ-સહકાર નહિ આપી મમતાએ લોકોનું શું કલ્યાણ કર્યું તે પણ મોટો પ્રશ્ન છે.
