પ્રિયંકા ગાંધી વાડરાને ઉત્સાહથી મહામંત્રી બનાવી કોંગ્રેસમાં જાન ફૂંકવાનો પ્રયાસ કરાયો અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસ મેદાન મારી જશે તેવી છાપ ઉભી કરાઈ છે. જોકે, પ્રિયંકાપતિ રોબર્ટ વાડરા સામેના આક્ષેપોથી કોંગ્રેસમાં હતાશા પ્રસરી છે. કોંગ્રેસનો ચૂંટણી પ્રચારનો સમય વાડરા સામેના આક્ષેપોના જવાબો તૈયાર કરવા અને વાળવામાં જ વહી જશે તેમ જણાય છે. ગાંધી પરિવાર લોકસભાના જંગમાં સક્રિય થઇ રહ્યો છે ત્યારે પરિવારના જમાઈ વાડરા ભ્રષ્ટાચારના આક્ષેપો હેઠળ દબાઈ રહ્યા છે. ભ્રષ્ટાચારીઓ સાથેની તેમની ઉઠક-બેઠકના કારણે કોંગ્રેસ વધુ બદનામ થઈ હતી.
ભારતીય રાજિન્દર વાડરા અને સ્કોટિશ મહિલા મૌરીનનું સંતાન રોબર્ટ વાડરા રાજકીય સત્તા પર ન રહ્યા હોવાં છતાં સત્તાધીશ કરતાં પણ વધુ માનપાન મેળવતા હતા. જમાઈનો પ્રભાવ યુપીએ સરકારના નિર્ણયો પર પણ પડતો હોવાથી કોંગ્રેસશાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોની સાથોસાથ વિવિધ સોદામાં દલાલો વગેરે પણ તેમને મળતા હતા. વાડરાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)નો કેસ રાજકીય ઇરાદાપ્રેરિત હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે, મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે ૧૬ ફેબ્રુઆરી સુધી વાડરાની ધરપકડ નહિ કરવા આદેશ આપ્યો છે.
કોઈને પણ પ્રશ્ન એ થાય કે મોરાદાબાદના વતની અને પિત્તળની વસ્તુઓનો વેપાર કરતા પરિવારના સભ્ય રોબર્ટ અચાનક કરોડપતિ કેવી રીતે બની ગયા? કંપની ખોલતી વખતે તેમની પાસે એક લાખ રૂપિયા પણ ન હતા અને આજે કરોડોની સંપત્તિના માલિક છે. ઈડીના અધિકારીઓએ લંડનમાં તેમની લગભગ રૂ. ૧૧૦ કરોડની સંપત્તિ અંગે ભારે પૂછપરછ કરી છે. મની લોન્ડરિંગના કેસમાં ફસાયેલા વાડરા પાસે લંડનમાં ગેરકાયદે ખરીદેલી ૮થી ૯ પ્રોપર્ટી છે અને તેના નાણા ૨૦૦૯માં પેટ્રોલિયમ ડિલના કમિશનમાંથી ઉભા કરાયા હતા. દિલ્હીમાં પણ વાડરાની એક પ્રોપર્ટી અંગે ગેરરીતિનો આક્ષેપ છે. બિકાનેરમાં પણ જમીન કૌભાંડમાં હવાલા સંબંધિત કેસ ચાલે છે.
મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ રોબર્ટ વાડરાની સતત પૂછપરછ જારી રાખી છે. આ સઘન પુછપરછમાં શંકાસ્પદ ઈ-મેઈલને આધાર બનાવાયો છે, જેમાં રોબર્ટ વાડરા અને સુમિત ચડ્ઢા નામની વ્યક્તિ વચ્ચે વાતચીત છે. ઈડીને વાડરા અને તેમની કંપની દ્વારા જે બેનામી સંપત્તિ મામલે શંકાસ્પદ લેવડદેવડ થઈ છે તે સંબંધિત દસ્તાવેજો મળ્યા છે, જેમાં હથિયારોના ડીલર સંજય ભંડારીના સંબંધી સુમિત ચડ્ઢાના એક શંકાસ્પદ ઈમેઈલનો પણ ઉલ્લેખ છે. આ મેઈલમાં વાડરા દ્વારા લંડનસ્થિત પ્રોપર્ટી મામલે કેટલીક સંદિગ્ધ લેવડદેવડ સંબંધિત ઉલ્લેખ છે. લંડનમાં બ્રાયન્સ્ટોન સ્કવેર ખાતે બ્રિટિશ દંપતીની માલિકીના અને હાલ ખાલી ૧.૯ બિલિયન પાઉન્ડની કિંમતના ફલેટના ગુપ્ત માલિક વાડરા હોવાનો આક્ષેપ છે. સુમિત ચડ્ઢાએ વાડરાને મોકલેલા ઈ-મેઈલમાં ફંડ ક્યાં સુધીમાં મોકલાશે તે વિશે પૂછાયું છે અને ચડ્ઢાએ આ પ્રોજેક્ટ વ્યવસાયિક ફાયદા માટે નહિ, પરંતુ, ફક્ત ફેવર માટે હોવાનું લખ્યું છે. સંબંધિત પ્રોપર્ટીમાં રિનોવેશનની વાત જણાવાઈ છે. વાડરાએ મેઈલના ઉત્તરમાં લખ્યું છે કે તેઓ મનોજ મારફતે આ મામલાની પતાવટ કરશે અને ટુંક સમયમાં લંડન પણ પહોંચશે.
પૂછપરછમાં વાડરાએ લંડનની મિલકતો સંદર્ભે કોઈ કબુલાત કરી નથી તેમજ શસ્ત્રસોદાગર સંજય ભંડારી કે તેમના સગા સુમિત ચઢ્ઢા સાથે સંબંધ પણ નકાર્યો છે. જોકે, મનોજ અરોરા તેમની કંપની સ્કાયલાઈટ હોસ્પિટાલિટી LLPનો પૂર્વ કર્મચારી હોવાનો એકરાર કર્યો છે. વાડરાના ઈ-મેઈલને ઈડી નક્કર પુરાવા તરીકે ગણાવે છે કારણકે જો કોઈ લેવાંદેવાં ન હોય તો તેમના દ્વારા ઈ-મેઈલ શા માટે કરાયા અને વાડરાએ તેના ઉત્તર કેમ આપ્યા તે પ્રશ્ન અત્યારે પણ અનુત્તર છે. કોંગ્રેસ માટે ચૂંટણી સુધીનો ગાળો અગ્નિ પરીક્ષા સમાન રહેશે તે નિર્વિવાદ છે.
