લિવર આપણા શરીરનો કેમિકલ પ્રોસેસિંગ પ્લાન્ટ છે. તે પ્રોટીન, કોલેસ્ટોરેલ અને પિત્તના ઉત્પાદન જેવા અનેક કામો કરે છે. શરીરમાં પ્રવેશેલા ટોક્સિક તત્ત્વોને શરીરમાંથી બહાર કાઢવાનું કામ પણ તેનું છે. શરીરને સ્વસ્થ રાખવા માટે લિવર સ્વસ્થ રાખવું જરૂરી છે.
• ગ્રીન ટીઃ ગ્રીન ટી એન્ટી-ઓક્સિડન્ટ્સથી સમૃદ્ધ છે. જાપાનમાં થયેલા સંશોધન મુજબ દિવસમાં પાંચ કપ જાપાનીઝ ગ્રીન ટી પીવાથી લિવર તંદુરસ્ત રહે છે. તેમજ જે લોકો ગ્રીન ટી પીવે છે તેમને લિવરનું કેન્સર થવાની શક્યતા ઓછી થઈ જાય છે.
• કોફીઃ લિવરને કોફી હેલ્ધી રાખશે. કોફી પીવાથી લિવરને થતી ઘણી બીમારીથી બચી શકાય. કોફી લિવરમાં એન્ટી-ઓક્સિડન્ટ્સનું પ્રમાણ વધારે છે. તેથી લિવરમાં સોજો આવ્યો હોય તો તે ઓછો થાય છે. જોકે, તેનું પ્રમાણ પણ જળવાવું જોઈએ. ડાયેટિશિયન કહે છે કે દિવસમાં ત્રણ કપથી વધુ કોફી ના પીવી જોઈએ.
• દ્રાક્ષઃ દ્રાક્ષ લિવરની ઉત્તમ મિત્ર છે. દ્રાક્ષમાં, ખાસ તો લાલ - જાંબલી દ્રાક્ષમાં સૌથી વધુ રેઝવેરાટ્રોલ હોય છે, જે એન્ટી-ઓક્સિડન્ટ્સ સ્તર વધારીને લિવરને સ્ટ્રોંગ બનાવે છે. આથી દ્રાક્ષ જરૂરથી ખાવી જોઈએ. લીલી દ્રાક્ષ ઉપરાંત કાળી અને લાલ દ્રાક્ષ પણ એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, જે લિવર માટે ગુણકારી છે.
• ડ્રાય ફ્રૂટ્સઃ અખરોટ, બદામ, કાજુ જેવા સુકા મેવામાં વિટામિન-ઈ, એન્ટી-ઓક્સિડન્ટ્સ અને બીજા અનેક પોષક તત્ત્વો છે, જે લિવર હેલ્ધી બનાવે છે. રોજ એક મુઠ્ઠી સૂકો મેવો અને સીડ્સ (સનફ્લાવર સીડ્સ, પમ્પકિન સીડ્સ વગેરે) ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
• બીટનો જ્યુસઃ બીટમાં નાઇટ્રેટ્સ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ છે, જેને બિટાલેન્સ કહે છે. તે હૃદયને અને લિવરને સ્વસ્થ રાખે છે અને સોજા ઘટાડે છે. જોકે, બીટને સલાડમાં ખાવા કરતાં તેનો જ્યુસ પીવો વધુ લાભદાયી છે. બીટ જ્યૂસ શરીરમાં રહેલા ઝેરી તત્ત્વોને કુદરતી રીતે બહાર કાઢે છે, જેથી લિવર સ્વસ્થ રહે છે.
• ઓલિવ ઓઇલઃ હૃદય અને મોટાબોલિક રેટ ઉપરાંત લિવર માટે પણ લાભકારક. ફેટી લિવરની સમસ્યાથી પીડાતા લોકોએ રોજ એક ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ ખોરાકમાં લેવું જોઈએ. લિવરમાં ચરબીનો ભરાવો એ લિવરની બીમારીની પહેલી નિશાની છે. ઓલિવ ઓઇલ ચરબી ઘટાડે છે ને પ્રોટીનનું સ્તર સુધારે છે. ઓલિવ ઓઇલના સેવનથી લિવરમાં રક્તપ્રવાહ પણ દુરસ્ત રહે છે.

