ગોવામાં રમાયેલી મહિલા ૪૦ પ્લસની બેડમિન્ટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાની ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ગુજરાત વતી રમતાં વલસાડના પૂજા મહેતાએ ડબલ્સમાં ચેમ્પિયન ટ્રોફી અને સિંગલ્સમાં રનર્સ અપ ટ્રોફી મેળવીને કરેલા ઉત્કૃષ્ટ દેખાવને ધ્યાનમાં રાખીને પોલેન્ડમાં રમાનાર ૪૦ પ્લસની મહિલા વર્લ્ડ ચેમ્પિયનશિપ બેડમિન્ટન ટૂર્નામેન્ટ માટે તેઓની પસંદગી થઇ છે. વલસાડમાં રહેતા અને એક સમયે ભારતીય મહિલા બેડમિન્ટનમાં ટોપ થ્રીમાં રહેલા તેમજ ૮ વખતના મધ્ય પ્રદેશ સ્ટેટ ચેમ્પિયન રહી ચૂકેલા પૂજા મહેતાએ વલસાડના ઉદ્યોગપતિ બાબુભાઇ મહેતાના ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ પુત્ર જિનેશભાઇ મહેતા સાથે લગ્ન કરી લીધા બાદ બેડમિન્ટનની રમત છોડી દીધી હતી. આશરે ૨૦ વર્ષ સુધી બેડમિન્ટનથી દૂર રહેલ પૂજા મહેતાએ વર્ષ ૨૦૧૭માં, ૪૨ વર્ષની ઉંમરે તેમના પતિ, પિતા સહિતના નજીકના પરિજનો તેમજ કેટલાક અંગત મિત્રોએ આપેલા પ્રોત્સાહનને કારણે ફરી બેડમિન્ટન રમવાનું શરૂ કરીને છેલ્લા સવા વર્ષમાં એક પછી એક ટાઇટલ જીતવાનું શરૂ કર્યુ.

