વસંતપંચમીઃ પરિચય, પ્રણય, વેવિશાળ, લગ્ન... પણ પછી શું?

સી. બી. પટેલ Tuesday 12th February 2019 15:16 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગઇકાલે - રવિવારે - ભારતીય પંચાંગ પ્રમાણે વસંતપંચમીનું પર્વ એક યા બીજી રીતે ઉત્તર ગોળાર્ધમાં રહેતાં દેશોમાં, સવિશેષ ભારતીય વંશજોએ ઉજવ્યું હશે. ક્યાંક સરસ્વતી પૂજા-અર્ચના પણ થઇ હશે તો ક્યાંક અન્ય પ્રકારે ઉજવણી થઇ હશે. ભારતમાં આ સમયગાળો એટલે લગ્નની મોસમ. સવિશેષ ગુજરાતમાં, અને ખાસ તો અમદાવાદમાં સેંકડો આશાસ્પદ દંપતીઓએ સહજીવનમાં પગલું ભર્યું. પરિચય, પ્રણય, વેવિશાળ, લગ્ન... ક્યાંક બે યુવા હૈયાના દિલ મળી જવાથી રચાયેલા પ્રેમ લગ્ન હોય તો ક્યાંક પરિવારજનોએ ગોઠવેલા એરેન્જ્ડ મેરેજ હોય. લગ્નોત્સુક યુવક-યુવતી એકમેક સાથે (મોટા ભાગના કિસ્સામાં પરિવારજનોની જાણકારી અને સંમતિ સાથે) પરિચય કેળવે અને મન-મેળ થાય તો પરિણયના પંથે પ્રયાણ કરે, અને મન-મેળ ન થાય તો? તું તારા રસ્તે, હું મારા રસ્તે, એકમેક સામે કોઇ ગિલા-શિકવા નહીં. બ્રિટનમાં તો હવે, વડીલોએ ગોઠવેલા લગ્ન જવલ્લે જ થતા જોવા મળે છે. ભારતમાં પણ કંઇક આવું જ ચલણ વધી રહ્યું છે.
મોંઘા મનોરથો સાથે સાંસારિક જીવનની શરૂઆત થાય છે, કાળક્રમે સંતાનનું આગમન થાય છે. પરિવાર વિસ્તરે છે. આ બધા સારા વાનાં. આપણે વધાવીએ. પણ પછી શું? એક યા બીજા કારણસર સહજપણે દાંપત્યજીવનમાં મુશ્કેલીઓ આવે, કઠણાઇઓ આવે, અને મામલો છેવટે સેપરેશન - લગ્નવિચ્છેદ સુધી પહોંચે. આ સંજોગો પતિ - પત્ની માટે, તેમના પરિવારજનો માટે અને સવિશેષ તો સંતાનો માટે અત્યંત પીડાદાયક બની રહે છે.
પશ્ચિમી જગતમાં - અને ભારતમાં પણ - આ ગુરુવારે ૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે મનાવવામાં આવશે. વ્યક્તિઓ પ્રિયજન સમક્ષ પ્રેમની અભિવ્યક્તિ કરશે. કોડભરી કન્યાઓ અને શરીરમાં હોર્મોન હડીઓ કાઢતાં હોય તેવા યુવકો ભાવિ સુખના સપનામાં એક કે વધુ ડગલાં આગળ માંડશે. આપણે સહુ આશા રાખીએ કે આ બધા જ દંપતીના સોણલાં સાકાર થાય, તેમનો પ્રેમ ચિરંજીવ બની રહે.
વાત પ્રેમની, ઘરસંસાર માંડવાની, સહજીવન નિભાવવાની ચાલી રહી છે ત્યારે આવો, આપણે બ્રિટનમાં આ જ ક્ષેત્રે કાર્યરત મેરેજ ફાઉન્ડેશન (Marriage Foundation) નામની એક સામાજિક સંસ્થાએ પ્રસિદ્ધ કરેલા અહેવાલના તારણ અને તેની પાછળના કારણ પર નજર ફેરવીએ. બ્રિટનમાં સિવિલ મેરેજ કરવા એ ફરજીયાત છે. એક સત્તાવાર આંકડા પ્રમાણે, છૂટાછેડાની માગણી કરતી મહિલાઓની સંખ્યામાં - ૧૯૯૩ની સરખામણીએ - ૨૦૧૭માં અડધોઅડધ ઘટાડો નોંધાયો છે. ૧૯૯૩માં ૧,૧૮,૪૦૩ મહિલાઓએ લગ્નવિચ્છેદની માગ સાથે કાનૂની કાર્યવાહી કરી હતી, જે આંકડો ૨૦૧૭માં ઘટીને ૬૨,૭૧૨ નોંધાયો છે. આ જ સમયગાળામાં પતિદેવોએ પણ છૂટાછેડાની માગ સાથે કોર્ટના દરવાજા ખટખટાવ્યા જ હશેને? પરંતુ આંકડાઓ દર્શાવે છે કે સ્ત્રીઓની સરખામણીએ પુરુષો - છૂટાછેડા માટે કોર્ટમાં ઓછા જાય છે. ૨૦૧૭માં ૩૮,૯૫૭ પુરુષો છૂટાછેડા માટે કોર્ટમાં પહોંચ્યા હતા, જે આંકડો આગલા વર્ષ કરતાં ૧૫ ટકા ઓછો હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ જણાવે છે.
સ્ત્રીઓ પ્રત્યે પુરુષોના અઘટિત વર્તનને ઉજાગર કરતું #MeToo (મી ટુ) કેમ્પેઇન પણ સાંપ્રત જીવનની એક દુઃખદાયક અથવા તો કહો કે અનિચ્છનીય કડવી વાસ્તવિક્તા છે. સ્ત્રીઓ દ્વારા છૂટાછેડા માંગવાના કિસ્સા ઘટી રહ્યાના આપણે આંકડાઓ તો જોયા, પરંતુ તેના મૂળમાં ક્યું કારણ છે? શું સ્ત્રીઓ વધુ ઉદાર, ક્ષમાશીલ બની છે? ‘પડ્યું પાનું નિભાવી લેવાનું’ ચલણ વધી રહ્યું છે? ના, સમાજશાસ્ત્રીઓ કહે છે કે સાચી વાત એ છે કે પુરુષોનું વર્તન હવે (સહજીવન માટે) વધુ યોગ્ય અને આવકાર્ય બન્યું છે તે કારણસર સ્ત્રીઓ દ્વારા છૂટાછેડા માગવાનું પ્રમાણ ઘટ્યું છે. મહિલાઓના દિલોદિમાગમાં જાણ્યે-અજાણ્યે એ વાતની નોંધ લેવાઇ રહી છે કે સમયના વહેવા સાથે પતિદેવો પુરુષપ્રધાન માનસિક્તામાંથી બહાર આવી રહ્યા છે.
સુશ્રી જોઆન એડવર્ડસ છૂટાછેડા સંબંધિત કેસો લડવા માટે સુખ્યાત (કે કુખ્યાત?!) લો-ફર્મના મોવડી છે. આપણે એમ પણ કહી શકીએ કે તેઓ છૂટાછેડાનો કેસ હાથમાં લે એટલે સમજો કે અરજદાર અડધો કેસ તો જીતી જ ગયા. આવા કેસો લડીને, જીતીને તેમણે ભારે નામના મેળવી છે. જોઆનબહેને લગ્નવિચ્છેદ કેમ થાય છે તેના કારણો જાણવા-સમજવા સંશોધન કર્યું છે. તેમના મતે કેટલાય કિસ્સામાં છૂટાછેડાનું એક અગત્યનું કારણ વ્યભિચાર (એડલ્ટરી) હોય છે. પતિ કે પત્ની અન્ય પાત્ર પ્રત્યે આકર્ષાય છે અને અનૈતિક સંબંધો વિકસે છે ત્યારે લગ્નજીવન હચમચી જાય છે કેમ કે સહજીવનની ઇમારતનું નિર્માણ જ વિશ્વાસના પાયા પર થયું હોય છે. સામાન્ય સામાજિક માન્યતા ભલે એવી પ્રવર્તતી હોય કે પુરુષો જ આડા સંબંધોમાં વધુ રત હોય છે, પરંતુ જોઆના આ માન્યતાનું ખંડન કરતા કહે છે કે આ મામલે પુરુષ કે સ્ત્રી બન્ને લગભગ સરખા જોવા મળે છે.
જુઆનાબહેને એક બીજી પણ ખૂબ નોંધપાત્ર હકીકત જણાવતાં ઉમેર્યું કે બાળકોની જવાબદારી લેવામાં કે ઘરકામમાં હાથ આપવામાં પુરુષો વધુ સક્રિય થયા છે તેથી એક પત્નીનો પોતાના પતિ તરફનો અભિગમ બદલાયો છે. ઘર અને કામ - એમ બન્ને મોરચે લડતી સ્ત્રી માટે નાના-મોટા કામમાં પતિનો સાથ નાનીસૂની બાબત નથી. અગાઉ સ્ત્રીઓની હંમેશા ફરિયાદ રહેતી કે પતિ મહાશય સ્વકેન્દ્રી હોય છે.
ભૂતપૂર્વ હાઇ કોર્ટ જજ સર પોલ કોલરીજ મેરેજ ફાઉન્ડેશનના સ્થાપક છે. તેમનું કહેવું છે કે (લગ્નજીવનમાં) પુરુષો જ હંમેશા ગેરવર્તન કરતા હોય છે તેમ માની લેવાનો અભિગમ આજના જમાનામાં ફેરવિચારણા માગી લે છે. તેમના મતે સ્ત્રીઓ દ્વારા છૂટાછેડા માંગવાના આંકડાઓમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે તે દર્શાવે છે કે આજના પતિદેવો વધુ જવાબદાર રીતે વર્તી રહ્યા છે.
વાચક મિત્રો, આ તો આપણે રાષ્ટ્રીય સ્તરે કાર્યરત સામાજિક સંગઠન અને તેણે રજૂ કરેલા તારણના આધારે વાત કરી. આમ સમાજની વાત કરી, પરંતુ મેં કેટલાક ધારાશાસ્ત્રીઓ અને સંગત સેન્ટર જેવી આપણા સમાજની મોખરાની સામાજિક સંસ્થાઓ સાથે ચર્ચા કરીને આપણા સમાજનું ચિત્ર જાણવા-સમજવા પ્રયાસ કર્યો. આ ચર્ચાના અંતે જે ચિત્ર ઉપસ્યું તેની આછી ઝલક અહીં રજૂ કરી રહ્યો છું.
બ્રિટનની સાડા છ કરોડની વસ્તીના મુકાબલે ગુજરાતીઓની સંખ્યા આશરે ૮ લાખ અંદાજી શકાય. ૧૦ વર્ષ અગાઉ આપણા સમાજમાં છૂટાછેડાનું જે પ્રમાણ જોવા મળતું હતું તેમાં અંદાજે ૧૫ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સદીના પ્રારંભના વર્ષોમાં બ્રિટન સરકારે હાઇલી સ્કિલ્ડ માઇગ્રન્ટ પ્રોગ્રામ (HSMP) નામની યોજના લાગુ કરી હતી. ઇમિગ્રેશનના આકરા કાયદા-કાનૂનને થોડાક હળવા કરતી આ યોજના અંતર્ગત અરજદાર વ્યક્તિ માટે ભાવિ પતિ કે પત્નીને અત્રે બોલાવવાનું આસાન હતું. બ્રિટનમાં વસવાટ કરવા ઇચ્છતા ઇમિગ્રન્ટ્સ માટે બહુ લાભકારક પુરવાર થયેલી આ યોજનાની કેટલીક ‘આડઅસર’ પણ થઈ હતી. પરિણામે છૂટાછેડાનું પ્રમાણ વધ્યું હતું. કઇ રીતે? મનમાં ‘ખોટ’ ધરાવતા યુવક કે યુવતી તેના ઇમિગ્રન્ટ પાર્ટનરની કાનૂની સહાયથી આ દેશમાં આવીને સેટલ થઇ ગયા બાદ પોતાના ઇમિગ્રન્ટ સાથીને પડતો મૂકી દેતા હતા અને પછી (અગાઉથી જ નક્કી કરી રાખેલા) મનગમતા પાત્ર સાથે ઘરસંસાર વસાવી લેતા હતા. આવા અનેક કિસ્સા હંમેશા લોકમુખે ચર્ચાતા રહ્યા છે.
કેટલાક કાનૂની નિષ્ણાતોએ એમ પણ કહ્યું કે ૨૦૧૦-૧૩ની આસપાસ આપણા સમાજમાં છૂટાછેડાના જે બનાવો બનતા હતા તેના મોટા ભાગના કિસ્સામાં લગ્નજીવનનો ગાળો ૨-૩ વર્ષ જોવા મળતો હતો તે નોંધનીય છે. એટલું જ નહીં, આવા છૂટાછેડાના કેસોમાં ભારત કે અન્ય દેશોમાંથી આવતા હોય તેવા ભાવિ પતિ કે પત્નીનું પ્રમાણ વધુ હતું.
વળી, બ્રિટિશ સમાજથી વિપરિત આપણા સમાજમાં લગ્નજીવનમાં સર્જાતી સમસ્યા, મતભેદ કે વિખવાદના નિવારણ માટે યોગ્ય માળખું જોવા મળતું નથી. બ્રિટિશ સમાજમાં લગ્નજીવનમાં સર્જાતી તકલીફો, મુશ્કેલીઓ, સમસ્યાઓના ઉકેલ માટે સરકારી તંત્ર કામ કરતું જોવા મળે છે. તેઓ દંપતીનું કાઉન્સેલિંગ કરીને તેમની વચ્ચેની ખાઇ પૂરવા પ્રયાસ કરે છે. એક ઘર તૂટતું બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી છૂટવા એ જ તેમનો મુખ્ય ઉદ્દેશ હોય છે.
કમનસીબે આપણા ભારતીય કે ગુજરાતી સમાજમાં, દંપતી વચ્ચે મતભેદ કે ગેરસમજની ઊંડી ખાઇ સર્જાય તો તેને દૂર કરવા આવું કોઇ વિશેષ માળખું જોવા મળતું નથી. મતભેદ કે વિચારભેદ કે વિખવાદના કારણે સર્જાતાં લગ્નવિચ્છેદના મોટા ભાગના કિસ્સા એવા હોય છે જેમાં જરાક અમસ્તો, જરાક અમસ્તો જ પ્રયાસ કરવા માત્રથી સંસારને તૂટતો બચાવી શકાય છે. સવાલ આવા દંપતી સાથે ચર્ચાનો હોય છે, બન્નેની રજૂઆત, દૃષ્ટિકોણ તટસ્થતાપૂર્વક જાણી-સમજીને તેમાંથી યોગ્ય માર્ગ કાઢવાનો હોય છે.
સુખી સમાજના નિર્માણની અનિવાર્ય શરત છે દીર્ઘજીવી લગ્નજીવન. જાગ્રત સામાજિક સંસ્થાઓ, તેના કર્તાહર્તાઓએ આવું માળખું રચવાની દિશામાં વિચારવાની જરૂર છે. આપણા સમાજમાં છૂટાછેડા લેનારાઓમાં ડોક્ટર, સોલીસીટર, એકાઉન્ટન્ટ, બિઝનેસમેન, કર્મચારીથી માંડીને લેબરર સહિત તમામ વર્ગના લોકો જોવા મળે છે. મતભેદો એ જોઇને નથી સર્જાતા કે દંપતીમાંથી કોણ કેટલું ભણેલું છે કે કોણ વધુ કમાય છે. તેના માટે તો બધા એક સમાન હોય છે. બે વ્યક્તિ વચ્ચે વિચારોનો ભેદ જ્યારે અહંનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે જીવનના ફાંટા પડી જાય છે ને છેડા છૂટા થઇ જાય છે. સાત જન્મનું બંધન ક્ષણમાં રફેદફે થઇ જાય છે.
વાચક મિત્રો, આપ સહુને ‘ગુજરાતના સૌથી મોંઘા છૂટાછેડા’નો કિસ્સો યાદ કરાવું. ગયા વર્ષે અમદાવાદના ટોચના બિઝનેસમેન ડો. રાજીવ ઇન્દ્રવદન મોદી અને તેમના પત્ની મોનિકાએ ૨૬ વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા લીધા. રાજીવ મોદીએ છૂટા પડી રહેલા જીવનસાથી મોનિકાને ફુલ અને ફાઇનલ પેમેન્ટ રૂપે ૨૦૦ કરોડ રૂપિયા ચૂકવ્યા. આપ સહુ આ કિસ્સો વિગતવાર આપણા અખબારમાં વાંચી જ ચૂક્યા છો તેથી વધુ ઉલ્લેખ ટાળું છું. વાચક મિત્રો, આપ સહુ જ કહો આ દંપતીને પૈસેટકે શું ખોટ હતી? છતાં બન્ને છૂટા પડ્યા જ ને? બન્ને વચ્ચેના મતભેદો કેટલા તીવ્ર થઇ ગયા હશે કે તેમણે સહજીવન માટે પુનર્વિચાર જ ન કર્યો. અમદાવાદમાં કુલ છ ફેમિલી કોર્ટ છે તેમાં દર વર્ષે છૂટાછેડાના અંદાજે ૫૦૦ કેસ દાખલ થાય છે. પારિવારિક કલહ, ભરણપોષણ, સંતાનનો કબ્જો, લગ્નજીવનના ભોગવટાનો અધિકાર સહિત જાતભાતના કારણસર દંપતી કોર્ટમાં જતા હોય છે. ભારતમાં પણ છૂટાછેડા માંગનારાઓમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા વિશેષ જોવા મળે છે. શા માટે? તે મને નહીં પૂછતા, બાપલ્યા. હા, એટલું કહું કે છૂટાછેડાના કેસમાં પત્ની જ્યારે આવી માગણી કરે છે ત્યારે તેને જલ્દી છૂટાછેડા મળી જાય છે, પરંતુ જ્યારે પુરુષ પાત્ર આવી માગણી સાથે કોર્ટમાં પહોંચે છે ત્યારે પત્ની દ્વારા તેને સરળતાથી છૂટાછેડા મળતા નથી, પુરુષને કનડવામાં કોઇ કસર છોડવામાં આવતી નથી એમ પણ જણાય છે.
આપણે લંડન પાછા ફરીએ તો... આ મહાનગરના એક સારા ગણાતા વિસ્તારમાં વસવાટ કરતાં અને આયુષ્યની સાઠી વટાવી ચૂકેલા દંપતી છૂટાછેડાના માર્ગે આગળ વધી રહ્યા છે. પાંચ લાખ પાઉન્ડ કરતાં વધુ કિંમતનું ઘર છે. મોર્ગેજ જેવો કોઇ આર્થિક બોજો પણ નથી. બચત - ઇન્સ્યોરન્સ, પેન્શન ફંડ વગેરે ગણો તો આંકડો તગડો થાય છે. સ્વાભાવિકપણે જ ખાધેપીધે સુખી પરિવારના આ દંપતીમાં બે’ક વર્ષથી છૂટાછેડા માટે કમઠાણ ચાલે છે. એક જાણકારી મુજબ અત્યાર સુધીમાં કોર્ટ, વકીલોની ફી વગેરે પેટે ૮૦ હજાર પાઉન્ડ જેવી રકમ તો ખર્ચાઇ ચૂકી છે, અને છૂટાછેડાનો આખરી ફેંસલો થશે ત્યારે સ્થાવર-જંગમ મિલકતનું મૂલ્યાંકન કરવા સર્ટિફાઇડ વેલ્યુઅરને ઊંચી ફી ચૂકવવી પડશે એ અલગથી. આમ ખર્ચાનું મીટર અવિરત ચાલુ જ છે.
કાનૂનવિદો કહે છે કે રોકડથી માંડીને સંપત્તિનો સરવાળો અંદાજે સાતેક લાખ પાઉન્ડ થતો હોય તો તેમાંથી આશરે ૨.૪૦ લાખ પાઉન્ડ મહિલા પાત્રના ફાળે જશે, પુરુષ પાત્રને લગભગ બે લાખ પાઉન્ડ મળશે અને ૨.૫ લાખ પાઉન્ડ જેવી તોતિંગ રકમ છૂટાછેડાની કાર્યવાહીમાં સ્વાહા થઇ જશે. છૂટા પડી રહેલા પાત્રોથી માંડીને સંતાનો અને તેમના સંતાનો જે માનસિક પીડા ભોગવશે એ લટકામાં...
આજકાલ યુવા પેઢીને ડેસ્ટીનેશન વેડિંગનું ઘેલું વળગ્યું છે. ‘વિરુષ્કા’ (વિરાટ કોહલી-અનુષ્કા શર્મા), ‘નિકયંકા’ (પ્રિયંકા ચોપરા-નિક જોનાસ), ‘દીપવીર’ (રણવીર સિંહ-દીપિકા પાદુકોણ)ની જેમ યુવા પેઢી લગ્નજીવનનો પ્રારંભ કરવા ભારત જ નહીં, ઇટલી, સ્પેન, વિયેતનામ, ફ્રાન્સ, બાલી કે માલદિવ ટાપુ પર જઇ પહોંચે છે. લગ્નપ્રસંગ હોય એટલે સાથે સો - દોઢસો મહેમાનોનું સાજન-માજન પણ હોય જ. પરંતુ ડિવોર્સ વેળાની પીડા વખતે આમાંના કેટલા તેમની સાથે રહેતા હશે તે લાખ રૂપિયાનો સવાલ છે. સગાં સહુ સ્વાર્થના જ હોય છે તે આવા સમયે દંપતીને સમજાઇ જતું હોય છે, અને આ ‘સમજાય’ છે ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ગયું હોય છે અને નાણાં ખર્ચાઇ ગયા હોય છે.
ખેર, આપણે કોઇને એવું તો ના કહી શકીએ કે લગ્નપ્રસંગે આમ કરો કે તેમ કરો, પરંતુ હા... આપણા સમાજની સક્રિય સંસ્થાઓને, તેના મોવડીઓને, આગેવાનોને એટલો અનુરોધ અવશ્ય કરી શકીએ કે આપણા સમાજમાં પણ કંઇક એવી વ્યવસ્થા ઉભી કરો કે દંપતી વચ્ચે વિખવાદ, મતભેદ સર્જાય તો તેવા સંજોગોમાં સમાધાન માટે પ્રયાસ થાય. બે પાત્રો વચ્ચેના મતભેદોનું તટસ્થતાપૂર્વક નિવારણ કરીને તેમના સહજીવનને ચિરંજીવ બનાવી શકાય. એક નાનકડો અમસ્તો પ્રયાસ કોઇનું દાંપત્યજીવન બચાવવામાં ઉપયોગી બનતો હોય તો તેમ કરવામાં કશું ખોટું નથી. આખરે તો - અગાઉ કહ્યું તેમ - સુખી સમાજના નિર્માણની અનિવાર્ય શરત છે દીર્ઘજીવી લગ્નજીવન. (ક્રમશઃ)
(સંબંધમાં તિરાડ પડવાથી માંડીને લગ્નવિચ્છેદ અને સંબંધિત સમસ્યાઓ, તેના નિવારણ, વિકલ્પો વિશે આવતા અંકમાં...)


comments powered by Disqus