તા.૧૦.૦૨.૧૯ને રવિવારે વિલ્સડન શ્રી સ્વામીનારાયણ મંદિરમાં વસંતપંચમીની ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સ્વામીનારાયણ સંપ્રદાયમાં વસંતપંચમીનું વિશેષ મહત્ત્વ છે. વસંતપંચમીના પાવન દિવસે ભગવાન સ્વામીનારાયણે શિક્ષાપત્રી લખી હતી. તેથી આ દિવસની ‘શિક્ષાપત્રી જયંતી’ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે શિક્ષાપત્રીનું પૂજન તેમજ સંતો દ્વારા સંસ્કૃત શ્લોકોનું પઠન કરવામાં આવ્યું હતું. વિલ્સડન મંદિરમાં આ બે પ્રસંગ ઉપરાંત ભવ્ય શાકોત્સવનું પણ આયોજન કરાયું હતું. જેમાં ભરેલા રીંગણાનું શાક, બાજરીના રોટલા, ખીચડી-કઢી જેવા સાત્વિક ભોજનમાં દસથી વધુ વાનગીઓ તૈયાર કરાઈ હતી. આ પ્રસંગે મંદિરમાં સંતો અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપરાંત ભૂજ સ્વામીનારાયણ મંદિરથી પધારેલા ચાર સંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના પ્રેસિડેન્ટ કુરજીભાઈ કેરાઈ અને મંદિરના સેક્રેટરી શીવજીભાઈ હિરાણી સહિત ટ્રસ્ટીઓ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું. સત્સંગી ભાઈ-બહેનોએ વિવિધ વિભાગમાં સેવા આપી હતી. મંદિરમાં દર્શન બાદ ૨,૦૦૦થી વધુ હરિભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ઠાકર થાળીની ઉજવણીમાં કુલ સાત યજમાનોએ સેવા આપી હતી. મહાપ્રસાદની સેવા LAXCON ગ્રૂપના રાઘવાણી પરિવાર તરફથી આપવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા રાસમાં તમામ વયના હરિભક્તોએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો.

