સંક્ષિપ્ત સમાચાર

Thursday 14th February 2019 07:22 EST
 

ક્રાઈમસીનની ચોકી કરીને કલાકના £ ૧૦ કમાવો

ખર્ચ પર કાપ મૂકવાની પોલીસની હાલની કવાયતમાં ક્રાઈમ સીનની ચોકી કરનારા નાગરિકોને કલાક દીઠ ૧૦ પાઉન્ડની ચૂકવણી સાથે ભાડે રાખવામાં આવે છે. ગયા વર્ષે પોલીસ કોમ્યુનિટી સપોર્ટ ઓફિસર્સને છૂટા કરનારી નોર્ફોક પોલીસ હંગામી વર્કરોને કોર્ડન વિસ્તારની દેખરેખ રાખવા અને ક્રાઈમસીનની ચોકી કરવા માટે ઝીરો અવરના કોન્ટ્રાક્ટ્સ પર નાણાં ચૂકવશે.

ફ્યૂનરલ કંપનીઓેને ફી વિશે પારદર્શિતા માટે આદેશ

ફ્યૂનરલ સર્વિસના ચાર્જમાં થઈ રહેલા ભારે વધારા વિશે ચિંતા બાદ ફ્યૂનરલ ડિરેક્ટરોને તેમની ફીની સંપૂર્ણ વિગતો ઓનલાઈન જાહેર કરવાનો નેશનલ એસોસિએશન ઓફ ફ્યૂનરલ ડાયરેક્ટર્સ (NAFD) દ્વારા આદેશ અપાયો હતો. અગ્નિસંસ્કાર અને દફનવિધિના દરની તપાસ કરાયા બાદ એસોસિએશને તમામ મેમ્બરો ચાર્જની બાબતે વધુ પારદર્શક રહે તે માટે તેના પ્રેક્ટિસ કોડમાં ફેરફાર કર્યો છે.

ટોચની સ્કૂલો પાસે મકાન લેવાનું પેરન્ટ્સને ભારે મોંઘુ

‘આઉટસ્ટેન્ડિંગ’ રેટિંગ ધરાવતી સ્કૂલ પાસે રહેવા માટે પેરન્ટ્સે ૧ લાખ પાઉન્ડ પ્રિમિયમ ચૂકવવું પડતું હોવાનું અભ્યાસમાં જણાયું હતું. ઓફસ્ટેડના અહેવાલના વિશ્લેષણ અને પ્રોપર્ટીની કિંમત માટેની કમ્પેરિઝન સાઈટ ‘કન્ફ્યુઝ્ડ ડોટ કોમ’ મુજબ ટોપ ઓફસ્ટેડ ગ્રેડ ધરાવતી સ્કૂલની નજીકના મકાનની કિંમત સરેરાશ ૩૩૧,૬૦૫ પાઉન્ડ હોય છે. જ્યારે ‘ગુડ’ સ્કૂલ નજીક મકાનની કિંમત ઘટીને ૨૯૨,૯૩૩ પાઉન્ડ અને ‘રિક્વાયર્સ ઈમ્પ્રુવમેન્ટ’ રેટિંગની સ્કૂલ નજીક આ કિંમત ૨૫૩,૧૨૧ પાઉન્ડ તથા ‘ઈનએડિક્વેટ’ રેટિંગની સ્કૂલ નજીક મકાનની કિંમત ૨૩૫,૨૪૨ પાઉન્ડ હોય છે.

તુમારશાહીને લીધે બિઝનેસ પર આર્થિક બોજ પડશે

બ્રેક્ઝિટ પછી નવી ઈમિગ્રેશન પોલીસી માટેની સરકારની દરખાસ્તોના પરિણામે બિઝનેસીસ પર આગામી પાંચ વર્ષમાં ૧ બિલિયન પાઉન્ડનો બોજ પડશે તેમ ગ્લોબલ ફ્યુચર થીંક ટેંક દ્વારા જણાવાયું હતું. થીંક ટેંકે ચેતવણી આપી હતી કે સ્કીલ્ડ વર્કરો માટે પગારની ૩૦,૦૦૦ પાઉન્ડની સૂચિત લઘુત્તમ મર્યાદાને લીધે ૧૦૦,૦૦૦થી વધુ જોબ માટે માણસો મળશે નહીં. ખાસ કરીને સોશિયલ કેર અને નર્સિંગ સેક્ટરમાં વધારે તકલીફ પડશે. તેના અંદાજ મુજબ નવી અમલદારીના કુલ ખર્ચનો અડધો બોજ NHS પર પડશે.

પ્રોસ્ટેટ કેન્સરથી આવરદા વધવાની શક્યતા

પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો વહેલી તકે જણાય તો જે લોકોને આ રોગ ન હોય તેના કરતાં તેઓ વધુ જીવે તેમ આંકડામાં જણાયું હતું. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આંકડા સૂચવે છે કે આ રોગનું નિદાન થાય તો તે ‘વેક અપ કોલ’ તરીકે કામ કરી શકે. કારણ કે આ પ્રકારના દર્દીઓની પોતાના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરવાની અને જીવનશૈલી સુધારવાની શક્યતા વધી જાય છે.


comments powered by Disqus