BAPSના વડા પૂ. મહંત સ્વામીએ તીથલમાં વિચરણ કર્યું હતું. તેઓ ૪થી માર્ચે સાંજે સેલવાસથી તીથલ પધાર્યા ત્યારે મંદિરમાં ઉપસ્થિત સંતો અને હરિભક્તોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
૪થીએ સવારે સેલવાસમાં તેમની નિશ્રામાં મહા શિવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તે દિવસે ઈ વિવેક દિન પણ ઉજવવામાં આવ્યો હતો. તેમાં મોબાઈલ અને ઈન્ટરનેટના વધુ પડતા ઉપયોગના ગંભીર પરિણામોની સમજ આપવામાં આવી હતી અને મોબાઈલ તથા ઈન્ટરનેટના વિવેકપૂર્ણ ઉપયોગનો સંદેશ આપતો સંવાદ પણ ભજવવામાં આવ્યો હતો.
૫મીએ તીથલમાં સ્વાગત સભામાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપનારા લગભગ ૪,૦૦૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પૂ. મહંત સ્વામીએ તે સૌને આશીર્વાદ આપ્યા હતા. પૂ. મહંત સ્વામીએ કહ્યું હતું કે બધા વિદ્યાર્થીઓએ ખૂબ મહેનતથી અભ્યાસ કર્યો છે અને તેનું તેમને સવાયું ફળ મળશે. તા.૭થી ૯ અને તા.૧૧મીએ સમીપ દર્શન યોજાયા હતા. ચાર દિવસના આ સમીપ દર્શનમાં અંદાજે ૨૦થી ૨૫ હજાર હરિભક્તોએ પૂ. મહંત સ્વામીના દર્શનનો લાભ લીધો હતો. તે ઉપરાંત, ૧૦મીને રવિવારે ‘ફૂલોં સે હોલી’ના વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેનો અંદાજે ૨૦થી ૨૫ હજાર હરિભક્તોએ લ્હાવો લીધો હતો. ફૂલોથી સજાવેલા મંચ પરથી પૂ. મહંત સ્વામીએ હરિભક્તો પર પુષ્પોની વર્ષા કરી હતી. આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ માન બહુ હેરાન કરે છે. માન ટળે એટલે બધું ટળી ગયું.’ તીથલમાં પૂ. મહંત સ્વામીના રોકાણ દરમિયાન સવારની નિત્ય પૂજામાં હરિભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહીને તેમના દર્શન અને પૂજાનો લાભ લીધો હતો. ૧૨મીએ પૂ. મહંત સ્વામીએ તીથલથી વિચરણ માટે નવસારી જવા પ્રસ્થાન કર્યું હતું.

