નિશાન ચૂક માફ, ન માફ નીચાં નિશાન

સી. બી. પટેલ Wednesday 13th March 2019 05:39 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, એક સપ્તાહના વિરામ ગણો તો વિરામ, અને વિક્ષેપ ગણો તો વિક્ષેપ બાદ આ બંદો ફરી એક વખત આપની સેવામાં સ-હર્ષ હાજર થઇ ગયો છે. આમ તો આ ઇન્ટરવલને ‘વિરામ’ ન કહી શકાય, હું અને મારી કલમ તો હરહંમેશની જેમ એવરરેડી જ હતા, પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તખતે એકસાથે એટલી બધી ઘટનાઓએ આકાર લીધો કે તેના અહેવાલોને પૂરતો ન્યાય આપી શકાય, આપને માહિતીસભર વાચનસામગ્રી પીરસી શકાય તે માટે કોલમ મુલત્વી રાખી. આત્મીયજન સમાન આપ સહુ વાચકોને અવારનવાર મળવાનો સુઅવસર સાંપડતો રહે છે તેને હું મારું સદભાગ્ય સમજું છું. કલમ થકી કોલમને આગળ વધારું તે પહેલાં શિર્ષક સંદર્ભે વિશેષ રજૂઆત કરવાનું ઉચિત જણાય છે.
આ અદભૂત અને પ્રેરણાદાયી પંક્તિના રચયિતા ભલે ‘સેહની’ અને ‘વલ્કલ’ ઉપનામ ધરાવતા હોય, પણ જનહૈયે વસી ગયેલું નામ તો છે બ.ક.ઠા. આખું નામ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. ક્રાંતિકારી વિચારસરણી ધરાવતા આ રચયિતાની શૈક્ષણિક કારકીર્દિ બહુ જ્વલંત હતી. તેમનો જન્મ ૨૩ ઓક્ટોબર ૧૮૬૯ના રોજ ભરૂચમાં બ્રહ્મક્ષત્રિય પરિવારમાં થયેલો. (ગાંધીજીના જન્મના ૨૧ દિવસ બાદ.) ભરૂચની વાત નીકળી જ છે તો આ શહેરની ભવ્યતા અને ગૌરવશીલ ઇતિહાસની પણ થોડીક ઝાંખી કરી જ લઇએ. ઇસવી સન ૮૦૦ની સાલ દરમિયાન વિશ્વવિખ્યાત ખંભાત બંદરમાં કાંપ પૂરાતો હોવાથી ભરૂચ બંદરનો ઉપયોગ વધ્યો અને તે મુલ્ક મશહૂર બન્યું. સમયાંતરે સુરત બંદરે ૮૪ દેશના વાવટા લહેરાતા હોવાનું સાંભળ્યું હતું, પણ તે અગાઉ તો સેંકડો વર્ષ સુધી ભરૂચ (ભૃગુકચ્છ)નો ડંકો વાગતો હતો. મહમ્મદ ગઝનીએ ૧૭મી વખત હુમલો કરીને સોમનાથ મંદિરને નષ્ટપ્રાય કર્યું તે અગાઉ ભૃગુકચ્છના હિન્દુ રાજાને એકથી વધુ હુમલામાં ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આથી જ ગઝનીએ જ્યારે પ્રચંડ સેના સાથે સોમનાથ પર ચઢાઇ કરી હતી ત્યારે તેના રક્ષણ કાજે ભરૂચ મજબૂત સમર્થન આપી શક્યું નહોતું. આવા ઐતિહાસિક શહેર ભરૂચમાં બ.ક.ઠા. જન્મ્યા હતા.
બ.ક.ઠા.એ ૧૪ વર્ષની વયે તો મેટ્રિક પરીક્ષા પાસ કરી લીધી હતી. અને ૨૦ વર્ષની વયે મુંબઇ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે સ્નાતકની પદવી મેળવી. ૧૮૯૧માં તેમણે પૂણેની ખૂબ જ જાણીતી ડેક્કન કોલેજમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન અભ્યાસ શરૂ કર્યો. બીજા જ વર્ષે કોલેજમાં ફેલો પણ નિમાયા. પરંતુ મનમાં શું ધૂનકી ઉપડી કે ૧૮૯૩માં એમ.એ. અધૂરું રાખીને જ કોલેજ છોડી દીધી. આ પછી ૧૮૯૫માં કરાચીસ્થિત ડી. જે. સિંધુ આર્ટ્સ કોલેજમાં ઇતિહાસ, તર્કશાસ્ત્ર અને નૈતિક તત્વજ્ઞાન (મોરલ ફિલોસોફી) વિભાગના કામચલાઉ અધ્યાપક તરીકે જોડાયા. વર્ષ રહીને કરાચી પણ છોડ્યું. ૧૮૯૬માં બરોડા કોલેજમાં અંગ્રેજી સાહિત્ય, તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાનના અધ્યાપક તરીકે જવાબદારી સંભાળી. થોડાક મહિના થયા ને અજમેરની સરકારી કોલેજમાં કામચલાઉ પ્રાધ્યાપક તરીકે નિમણૂક મળી તો એ જ વર્ષે બરોડા કોલેજ છોડી. ૧૮૯૯માં ફરી પૂનાની ડેક્કન કોલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. અલબત્ત, આ નિમણૂક પણ કામચલાઉ જ હતી. ૧૯૦૨માં પાછા અજમેર પહોંચ્યા અને કોલેજમાં અધ્યાપક તથા ઉપ-આચાર્ય તરીકે કાર્યભાર સંભાળ્યો. એક દસકા કરતાં પણ લાંબો સમય અહીં શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન આપ્યા બાદ જાણે ફરી એક વખત પૂના યાદ આવ્યું હોય તેમ ૧૯૧૪માં ડેક્કન કોલેજમાં જ કાયમી અધ્યાપક તરીકે નિમણૂક સ્વીકારી. તે છેક ૧૯૨૪માં નિવૃત્ત થતા સુધી આ કોલેજમાં જ અધ્યાપનકાર્ય કરાવ્યું. ૧૯૨૭માં જાણે પૂના સાથેના અન્નજળ પૂરા થયાં. ૧૯૨૮થી ૧૯૩૭ સુધી ગાયકવાડી રાજના વડોદરામાં રહ્યા. ૧૯૩૭માં મુંબઇ પહોંચ્યા અને આયુષ્યના અંતિમ શ્વાસ સુધી આ મહાનગરને જ ઘર બનાવ્યું. મિત્રો-સ્વજનોમાં ‘બલુકાકા’ના નામથી જાણીતા આ શિક્ષણવિદ્-સર્જક બીજી જાન્યુઆરી ૧૯૫૨ના રોજ આ ફાનિ દુનિયા છોડી ગયા.
વાચક મિત્રો, આજીવન સરસ્વતીસાધનામાં રત રહેલા બ.ક.ઠા.ને હું ક્રાંતિકારી અભિગમ ધરાવનાર સર્જક ગણું છું. સુરતમાં વીર નર્મદ બાદ ભરૂચમાંથી આ ભાયડો સીધા ચઢાણ માટે પ્રવૃત્ત જોઇ શકાય છે. એક સર્જક, વિદ્વાનની વાત ચાલી જ રહી છે, તેમના સીધા ચઢાણની વાત ચાલી રહી છે તો ચાલો, આવા જ બીજા એક દિગ્ગજને પણ યાદ કરી લઇએ...
સાહિત્યરસિકોમાં અતિ લોકપ્રિય થયેલી ‘બાંધ ગઠરિયા’ શ્રેણીના સર્જક અને ચં.ચી. મહેતાના નામે જાણીતા ચંદ્રવદન ચીમનલાલ મહેતા આજથી ચાળીસેક વર્ષ પૂર્વે લંડન પ્રવાસે આવ્યા હતા. આપણી સુપ્રસિદ્ધ સંસ્થા ભારતીય વિદ્યાભવનના ડ્રામા વિભાગના જોશીલા-ઉત્સાહી ચેરમેન નટુભાઇ સી. પટેલ અને તેમના સાથી પ્રીતમલાલ પંડ્યાએ ‘ચં.ચી.’ને તેડાવ્યા હતા. આ સમયે ‘ગુજરાત સમાચાર’ પરિવારે તેમનો સન્માન સમારંભ યોજ્યો હતો અને ચં.ચી. સાહેબે ઉદ્બોધનમાં તેમના ‘સીધા ચઢાણ’ પુસ્તકનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમનું કહેવું હતું કે કોઇક મરજીવા જ ચીલાચાલુ માર્ગેથી કપરાં ચઢાણ કરવામાં પ્રવૃત્ત બને છે. આપણા બ.ક.ઠા. પણ કંઇક આવી જ માટીના બનેલા હતા.
૧૯મી સદીનો વીસી-ત્રીસીનો દાયકો એટલે ગાંધીયુગ. ગાંધીજીની લોકપ્રિયતા જાણે આકાશને આંબી રહી હતી. લોકોના હૈયે એક જ નામ હિલોળા લેતું હતું... મોહન... બાપુ... લોકો પોતાના સંતાનોના નામ મોહન રાખવામાં ગૌરવ અનુભવતા હતા. આ સમયે બ.ક.ઠા.એ ‘લગ્નમાં બ્રહ્મચર્ય’ નામે નાટક લખીને ગાંધીજીના બ્રહ્મચર્ય વ્રત સામે જાણે અવાજ ઉઠાવ્યો હતો. સપ્તપદીના ફેરા ફરીને લગ્નગાંઠે બંધાયેલા દંપતીઓ દ્વારા અપનાવાતા બ્રહ્મચર્યના વ્રતને બ.ક.ઠા.એ અવાસ્તવિક અને કુદરતી નિયમોથી વિપરિત અન્યાયકારી પ્રતિજ્ઞા ગણાવી હતી. એટલું જ નહીં, બ.ક.ઠા.એ દારૂનિષેધ, માંસાહાર, અહિંસા, સવિનય કાનૂન ભંગ સહિતના અન્ય ગાંધી-વિચારો પ્રત્યે પણ કોઇ પણ જાતના ખચકાટ વગર વિરોધી સૂર વ્યક્ત કર્યો હતો. આ બધું બ.ક.ઠા.એ એવા સમયે કર્યું હતું જ્યારે ગાંધી-વિચારનો વિરોધ કરવાની લોકો કલ્પના સુદ્ધાં નહોતા કરતાં. ગાંધીજી-પ્રેરિત વિચારનો વિરોધ કરવો જાણે મહાભયંકર ગુનો હતો. પરંતુ બ.ક.ઠા.એ હંમેશા એ જ વાત કરી, એ જ વિચારો વ્યક્ત કર્યા, જે તેમના અંતરાત્માને સ્વીકાર્ય હતા, તેમની દૃષ્ટિએ તર્કસંગત હતા, સમયને અનુરૂપ હતા.
મારા સુજ્ઞ વાચક મિત્રો, પરંતુ આજે હું આ બ.ક.ઠા. પુરાણ માંડીને કેમ બેઠો છું? આ બધી વાતના મૂળમાં છે લેખના શિર્ષકમાં ટાંકેલા શબ્દો. બ.ક.ઠા.નું નિધન થયું ૧૯૫૨માં. એક ક્રાંતિકારી લેખક-સર્જકની વિદાયને લોકોએ ભાવભરી વિદાય આપી. નવું નવું જાણવાની જ્ઞાનપિપાસાએ મને તેમના જીવન વિશે વધુ જાણવા પ્રેર્યો. ભાદરણની મગનલાલ ખખ્ખર લાઇબ્રેરીમાં ખાંખાખોળા કર્યા. તેમના કેટલાક પુસ્તકો અને તેમની સાથે સંકળાયેલા વિવાદો સંબંધિત લેખો-અહેવાલો થકી તેમનો વિગતે પરિચય મેળવ્યો. આ દરમિયાન વાંચેલી તેમની સુપ્રસિદ્ધ પંક્તિ ‘નિશાન ચૂક માફ, ન માફ નીચાં નિશાન’ જાણ્યે-અજાણ્યે મારા દિલોદિમાગમાં કોતરાઇ ગઇ હતી.
૧૯૫૩-૫૪ના વર્ષોમાં (હાઇસ્કૂલના છેલ્લા વર્ષમાં હતો ત્યારે) અમારો પરિવાર અનેકવિધ રીતે ખૂબ યાતનામાં અટવાયો હતો. આ સમયે નિશાન ચૂક માફ... પંક્તિ મારા માટે અત્યંત માર્ગદર્શક, દિશાસૂચક, પ્રેરણાદાયી બની રહી હતી. પારાવાર પ્રતિકૂળ સંજોગોમાંથી મારો પોતીકો જીવન પથ કંડારવામાં બ.ક.ઠા.ના આ સાત શબ્દોએ ખૂબ પ્રેરક બળ પૂરું પાડ્યું છે એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી.
સામાન્ય જીવને આરોગ્ય ઉપરાંત સુખના અગોચર સરનામા જેવા ધન, સંપત્તિ, સંતતિ, પરિવાર, કીર્તિ વગેરે ઠામઠેકાણા ચોખંભે ઉભા કરી દેતા હોય છે. આવા અવનવા અવસર કે અકલ્પ્ય સંજોગોમાં શીર્ષકમાં ટાંકેલા આ સાત શબ્દો અત્યંત હકારાત્મક મનોબળ માટે અને ઉપયોગી ક્રિયા તેમજ કાર્યશક્તિ માટે ઈંધણ પૂરું પાડે છે તેવો જાત અનુભવ છે.

•••

સાજા - સારા થવામાં આશા અને શ્રદ્ધાનું મહત્ત્વ

દર મહિને મને રાજકોટ-સ્થિત શ્રી રામકૃષ્ણ મિશન પ્રકાશિત ‘રામકૃષ્ણ જ્યોત’ સામયિક મેળવવાનું અને વાચવાનું સદ્ભાગ્ય સાંપડે છે. માર્ચ મહિનાના અંકમાં પાન ૨૫-૨૬ ઉપર પ્રકાશિત થયેલો ડો. અમૃત આર. પટેલનો એક અત્યંત માહિતીસભર અને ઉપયોગી લેખ મેં એકથી વધુ વખત વાંચ્યો. આગામી અંકોમાં તો આ આખોયે લેખ અચૂક પ્રસિદ્ધ કરાશે જ, પરંતુ આજે તેના કેટલાક વાક્યોનું આચમન કરીએ...
• દર્દીઓને બે ભાગમાં વહેંચી શકાય. એક, પ્રબળ વિશ્વાસ તેમજ કાળજી સાથે અને રોગને હરાવીને તંદુરસ્ત જીવન પ્રાપ્ત કરે તેવા દર્દી અને બીજા, માગીને શરણે થનાર રોગી.
• કોઇ પણ રોગમાંથી સારા થવાનો દર્દીના મન સાથે વધુ સંબંધ છે.
• આજે ડોક્ટરો અને તબીબી વિજ્ઞાન રોગ ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરે છે. ખરેખર તો રોગ માણસનો શિકાર નથી કરતો, પરંતુ માણસ પોતાને રોગનો શિકાર બનાવી દે છે.

•••

પરમ પૂજ્ય પ્રમુખસ્વામીઃ અનુપમ પ્રેરણાસ્રોત

મહાશિવરાત્રીના પાવન પર્વે નિસ્ડન સ્વામીનારાયણ મંદિરમાં અભિષેક કરવાનું મને સદ્ભાગ્ય સાંપડ્યું. સોમવારનો દિવસ હતો. કામકાજનો ચાલુ દિવસ હોવા છતાં મંદિરમાં હજારો હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને શિવમંદિરમાં જઇને ભોળેનાથની પૂજાઅર્ચના કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ધનસંપત્તિ તો આજે છે ને કાલે નથી, આપણો સાચો વારસો તો આ ધર્મ - સંસ્કાર જ છેને?! નાના-મોટા સહુને કોઇને મંદિરમાં ઉમટેલા જોઇને મન પુલકિત થઇ ગયું. દર્શન કર્યા બાદ સંત નિવાસમાં પહોંચ્યો તો મંદિરના પ્રભાવશાળી સંત (મહંત) પૂ. યોગવિવેકસ્વામી અને સાધુ પ્રબુદ્ધમુનિદાસે હરખભેર આવકાર્યો. પહેલા શિવજીનું સાંનિધ્ય અને પછી સંતવર્ય સાથે સત્સંગ - મારા માટે તો મહાશિવરાત્રીનું પર્વ સોને પે સુહાગા સમાન બની રહ્યું. સાચે જ મારા જેવા બહુ ઓછા નસીબદાર હશે. આ મંદિર સાથે મારો બહુ જૂનો નાતો છે. નિસ્ડન મંદિરની સ્થાપનાના વિચારે નક્કર સ્વરૂપ ધારણ કર્યું ત્યારથી જ હું આ ધર્મસ્થાન સાથે સંકળાયેલો છું એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી. લંકા પર ચઢાઇ કરવા જઇ રહેલા ભગવાન શ્રીરામને સેતુનિર્માણમાં જે પ્રકારે ખિસકોલીએ સહયોગ આપ્યો હતો કંઇક તે જ પ્રકારે હું પણ આ મંદિરનિર્માણમાં ઉપયોગી થઇ શક્યો છું તે વાતનો મને આનંદ છે.
વાચક મિત્રો, આપ સહુને વિદિત છે તેમ પ.પૂ. યોગી બાપાના શ્રીજી ધામગમન બાદ બીએપીએસમાં એક પ્રકારનો શૂન્યાવકાશ કેટલાકને ભાસતો હતો. શ્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને આ સંપ્રદાયોના સિદ્ધાંતોમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે સમર્પિત પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે ચાલીસેક વર્ષમાં બીએપીએસને માત્ર એક ધાર્મિક - આધ્યાત્મિક આયોજનને બદલે નાનકડાં ભૂલકાંઓથી
માંડીને મોટેરાંઓને એકતાંતણે બાંધતી પ્રાણવાન સંસ્થા સર્જી.
આ પ્રસંગે બીજી બાબત પણ નોંધપાત્ર છે. બીએપીએસના સેંકડો, અને હવે તો હજારોથી વધુ સંતો, ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો, સ્વયંસેવકો, સમર્પિત હરિભક્તો વિશ્વભરના ખૂણે ખૂણે કામે લાગ્યા છે. આ સંપ્રદાયમાં સંતો અને સમાજ વચ્ચે એક ઉચ્ચ પ્રકારની આચારસંહિતા અને શિસ્ત જોવામાં આવે છે. નાના-મોટા સહુ હરિભક્તો પણ આ બધું જોઇને ઘણું પ્રાપ્ત કરે છે.

•••

સેવા શા કાજે?

હું બસ કે ટ્યુબમાં પ્રવાસ કરું છું ત્યારે ખિસ્સામાં હંમેશા કોઇ વાચનસામગ્રી (ડ્રાયફ્રુટ્સના પેકેટ સહિત) સાથે હોવાની જ. છેલ્લા દિવસોમાં Why Serve? પુસ્તિકા વાંચી. સ્વામીશ્રી ચિન્મયાનંદજી, સાથે ગુજરાત સમાચાર - Asian Voiceને નિકટનો સંબંધ હતો. ૧૯૮૩-૮૪ના ગાળામાં પંજાબી સમાજમાં ખાલિસ્તાની પ્રવૃત્તિના પ્રતિકાર માટે લંડનમાં એક પ્રવૃત્તિ શરૂ થઇ હતી- Punjab Unity Forum. જેમાં આપણા કાર્યાલયે કંઇક અનુદાન આપ્યું તે ઇશ્વરકૃપા. તેમાં પૂજ્ય સ્વામી ચિન્મયાનંદજી, પૂ. સુશીલમુનિજી, આઇ. કે ગુજરાલ (જેઓ બાદમાં ભારતના વડા પ્રધાન બન્યા હતા), કે. કે. સિંહ વગેરે આપણા કાર્યાલયમાં નિયમિત મળતા હતા. વિચારવિનિમય કરતા હતા.
શ્રીમદ્ ચિન્મયાનંદ સ્વામીનો ભૂતકાળ પણ ભાતીગળ છે. યુવાવયે વિપ્લવવાદી વિચારસરણી ધરાવતા હતા. યુવા લોહી, રાષ્ટ્રવાદી પત્રકાર, કટ્ટર નાસ્તિક પરંતુ જ્ઞાનપિપાસુ એવા પૂર્વજીવનના પી. બાલકૃષ્ણન્ મેનને સંન્યાસ બાદ નામ ધારણ કર્યું સ્વામી ચિન્મયાનંદ. તેમણે વિશ્વભરમાં સ્થાપેલા ચિન્મય મિશનના ૩૦૦ કેન્દ્રો ખૂબ પાયાની પ્રવૃત્તિ સમાજને સાદર કરી રહ્યા છે. માત્ર ૩૨ પાનની, પણ વૈચારિક દૃષ્ટિકોણથી જોઇએ તો ગાગરમાં સાગર સમાવતી આ પુસ્તિકા મેળવીને અચૂક વાંચવા મારી આપ સહુને ભારપૂર્વક ભલામણ છે. (ક્રમશઃ)


comments powered by Disqus