મંદિર-મસ્જિદ વિવાદઃ મધ્યસ્થી કારગર નીવડશે?

Wednesday 13th March 2019 06:27 EDT
 

ભારતમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને આચારસંહિતા પણ લાગુ પડી છે ત્યારે રામમંદિરના નિર્માણનો મુદ્દો બાજુએ જ રહી ગયો છે. નરેન્દ્ર મોદીની સરકાર આ સંબંધે કોઈ અધ્યાદેશ જારી કરે તેવી સંભાવના પણ રહી નથી. આમ પણ, સુપ્રીમ કોર્ટે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે મધ્યસ્થતા નીમવાની જે પહેલ કરી છે તેનો પ્રોગ્રેસ રિપોર્ટ પણ ચાર સપ્તાહ અને સંપૂર્ણ રિપોર્ટ આઠ સપ્તાહમાં મળી જાય તેવી તાકીદ કરી છે તેને ધ્યાનમાં લઈએ તો સુપ્રીમ કોર્ટ દ્વારા જે પણ નિર્ણય લેવાશે તેના અમલનો આધાર બે મહિના પછી રચાનારી નવી સરકારના હસ્તક જ રહેશે તેમાં કોઈ શંકા હવે નથી.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળ સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યની ન્યાયપીઠે આખરે ભારતની રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે મધ્યસ્થી પેનલની નિયુક્તિ કરી દીધી છે. મધ્યસ્થતા પેનલના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ ફકીર મોહમ્મદ ઈબ્રાહિમ કલીફુલ્લાને બનાવાયા છે. જસ્ટિસ કલીફુલ્લાના નેતૃત્ત્વમાં ત્રણ સભ્યોની પેનલમાં આધ્યાત્મિક અગ્રણી અને આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર અને સીનિયર એડવોકેટ શ્રીરામ પાંચુનો સમાવેશ કરાયો છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હેઠળ આ સમિતિને યોગ્ય લાગે તો અન્ય સભ્યોનો પણ સમાવેશ કરી શકશે. આ પેનલની કાર્યવાહી ગુપ્તપણે ફૈઝાબાદમાં કરાશે અને સુપ્રીમ કોર્ટે તેના રિપોર્ટિંગ પર પ્રતિબંધ લગાવી દીધો હોવાથી મીડિયા તેની રજૂઆતોથી બાકાત રહેશે.
સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીનો નિર્ણય જાહેર કરતા એ સ્પષ્ટ કર્યું છે કે મોગલ શાસક બાબરે જે કર્યું તેની ઉપર તેનું કોઇ નિયંત્રણ નથી. સુપ્રીમ કોર્ટના માનવા અનુસાર આ કેસ મૂળ રીતે અંદાજે ૧૫૦૦ સ્ક્વેર ફૂટ ભૂમિ સાથે જ સંબંધિત નથી, પરંતુ ધાર્મિક ભાવનાઓ પણ તેની સાથે સંકળાયેલ છે. જો ધાર્મિક આસ્થાની બાબત હોય તો કાયદો તેના વિશે કેવી રીતે ચુકાદો આપી શકશે તે પણ મહત્ત્વની બાબત છે. સુપ્રીમ કોર્ટની ટકોર ધ્યાને લેવા જેવી છે કે ભૂતકાળમાં જે બન્યું એ બદલી શકાય એમ નથી એટલા માટે આ વિવાદને વર્તમાન સમસ્યા તરીકે જ નિહાળીને એ જ રીતે તેનો ઉકેલ લાવવો હિતાવહ છે. જોકે, આ શક્ય નથી કારણ કે સમાધાનના પ્રયાસોમાં ભૂતકાળના ઓછાયાં જ નડતાં રહ્યાં છે અને આગળ પણ નડતાં રહેશે. આ ઉપરાંત, મધ્યસ્થીઓનો અભિપ્રાય સમગ્ર સમાજનો અભિપ્રાય કહી શકાય કે કેમ તે પ્રશ્ન ઉભો થવાનો છે. જોકે, મધ્યસ્થી અભિપ્રાયના આધારે જ ચુકાદો અપાશે તેમ સુપ્રીમ કોર્ટની ન્યાયપીઠે જણાવ્યું નથી. સમાધાનના પ્રયાસો કેટલા કારગર નીવડે છે તેના પર જ તેનું ધ્યાન છે.
અયોધ્યાના જટિલ મામલે મધ્યસ્થીની સુપ્રીમ કોર્ટની પહેલ આવકારદાયક તો છે, પરંતુ અગાઉ પણ મધ્યસ્થીઓ દ્વારા કરાયેલાં પ્રયાસોમાં સફળતા મળી નથી ત્યારે આ નવો પ્રયાસ શું લઈ આવશે તે કહેવું મુશ્કેલ છે.
ભૂતકાળમાં વડા પ્રધાન વી. પી. સિંહ, ચંદ્રશેખર અને રાજીવ ગાંધીએ પણ સમાધાનના પ્રયાસો કર્યા હતા, પરંતુ ઇચ્છિત પરિણામ મળ્યા ન હતા. ૨૦૦૨ અને ૨૦૦૩માં કાશીના શંકારાચાર્યે પણ આના ઉકેલ માટે અથાગ પ્રયાસો કર્યા હતા, પરંતુ બંને પક્ષોને એ કબુલ ન હતું. અગાઉ, અલાહાબાદ હાઇ કોર્ટ પણ મધ્યસ્થી નીમવાના ત્રણ વખત પ્રયાસ કરી ચૂકી છે. અખિલ ભારત હિંદુ મહાસભાએ સુપ્રીમ કોર્ટ દ્વારા શ્રી શ્રી રવિશંકરને શ્રીરામ જન્મભૂમિ મામલે મધ્યસ્થી નિયુક્ત કરવાના નિર્ણય આવકારવા સાથે સ્પષ્ટતા કરી છે કે નવા મધ્યસ્થોએ માત્ર રામમંદિર નિર્માણ મુદ્દે જ સમાધાનની વિચારણા સિવાય મસ્જિદ પર વાત થાય તો મધ્યસ્થતાનો બહિષ્કારની ધમકી પણ હિંદુ મહાસભાએ આપી દીધી છે. અગાઉ પણ શ્રી શ્રી રવિશંકર દ્વારા શ્રીરામ જન્મભૂમિ મામલે વાતચીતથી પ્રશ્ન ઉકેલવા પ્રયાસ કરાયો હતો. આમ ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ જેવી સ્થિતિ ઉભી થઈ છે.
રામ મંદિર નિર્માણમાં સૌથી મોટી સમસ્યા જમીનની માલિકી સંબંધે છે. વિવાદિત ભૂમિના કેટલાંક હિસ્સા પર સુન્ની વકફ બોર્ડનો અને અન્ય હિસ્સા પર નિર્મોહી અખાડાનો દાવો છે. બીજી તરફ, રામ મંદિર નિર્માણ માટે આંદોલનકારી સંગઠનો મંદિર નિર્માણ માટે સંપૂર્ણ ભૂમિની માગણી કરી રહ્યા છે. અલાહાબાદ હાઈ કોર્ટે ૨૦૧૦માં વિવાદિત ૨.૭૭ એકર ભૂમિ ત્રણ પક્ષકાર, નિર્મોહી અખાડા, રામલલ્લા વિરાજમાન અને સુન્ની વકફ બોર્ડ વચ્ચે સરખી વહેંચણી કરવાનો ચુકાદો આપ્યો તેની વિરુદ્ધ કરાયેલી ૧૪ અપીલની સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી રાખવાનો આદેશ જાહેર કર્યો છે.
વર્તમાનમાં તો રામજન્મ ભૂમિ - બાબરી મસ્જિદ વિવાદ જમીનની માલિકીના હક સાથે સંકળાયેલો મામલો એટલે કે ટાઇટલ સૂટ બની ગયો હોવાથી કોર્ટના ચુકાદામાં કોઇ એક પક્ષ વિજયી બને અને બીજો પક્ષ પરાજિત થાય તેમ થવું કાયદાની રીતે સ્વાભાવિક છે. તમામ પક્ષો ચુકાદાને સ્વીકારવાની વાત કરતા હોવાં છતાં હકીકત એ છે કે ચુકાદા બાદ બંને સમુદાયો વચ્ચે દીર્ઘકાળથી ચાલતું વૈમનસ્ય વધશે, જે દેશહિતમાં નહિ હોય.


comments powered by Disqus